રાજકોટ નજીક આવેલા માધાપર ગામે રહેતા એક વૃદ્ધાને તેના દીકરાએ શુક્રવારે સાંજે ઘરની અંદર પૂરી દીધા હતા. અનેક વખત આજીજી કરવા છતાં તેને બહાર નહિ કાઢતા આખરે વૃદ્ધાએ જાતે ફોન કરીને 181ની ટીમને જાણ કરી હતી. 181ની ટીમે પીસીઆરની મદદથી પાછળના ભાગે રહેલા જર્જરિત દરવાજાને તોડી પાડીને ઘરમાં પ્રવેશ કરીને વૃદ્ધાને બહાર કાઢ્યા હતા. 181 ટીમે વૃદ્ધાનું કાઉન્સેલિંગ કરતા તેને જાણવા મળ્યું કે, તેને સંતાનમાં ત્રણ દીકરા છે.
જેમાં એક દીકરો તેની સાથે રહે છે અને તેને કેન્સરની બીમારી છે. તે બીજી વખત કેન્સરનો ભોગ બનેલો છે. સાથે દારૂ પીવાની ટેવ ધરાવે છે. જ્યારે 181ની ટીમે તેના બીજા દીકરાને જાણ કરી તો તેને મદદ કરવાની અને જવાબદારી લેવાની ના પાડી દીધી. આખરે માજીને ઘરે રહેવામાં ભય લાગતા તેને આશ્રય સ્થાનમાં આશરો આપ્યો હોવાનું કાઉન્સેલર લક્ષ્મીબેન ગુપ્તા જણાવે છે.માજીને ત્રણેય દીકરા આગલા ઘરના છે 181ની ટીમના કાઉન્સેલર લક્ષ્મીબેન ગુપ્તાએ જણાવ્યું હતું કે, માજીને સંતાનમાં ત્રણ દીકરા છે તે આગલા ઘરના છે અને તેના પતિ ગુજરી ગયા છે. હાલ માજીનું ગુજરાન પેન્શનમાંથી થાય છે.
માતાને પૂર્યા બાદ દીકરો પણ ઘરમાં જ રહ્યો, વૃદ્ધાને જોવામાં તકલીફ છે
માતાને પૂર્યા બાદ દીકરો પણ ઘરમાં જ હતો. 181ની ટીમ ઘટનાસ્થળે પહોંચી શરૂઆતમાં દરવાજો ખટખટાવ્યો હતો આમ છતાં તેને દરવાજો ખોલ્યો નહોતો. આથી, આજુ બાજુમાંથી ઘરમાં કોઈ રીતે પ્રવેશ કરી શકાય છે કે નહિ તેનું નિરીક્ષણ કર્યું હતું. ઘરના તમામ દરવાજા બંધ હતા. આખરે માજીના કહેવાથી ઘરની પાછળના ભાગે આવેલો દરવાજો તોડીને ઘરમાં પ્રવેશ કર્યો અને માજીને બહાર કાઢવામાં આવ્યા હતા.
માજીએ કહ્યું કે, મારે મિલકત, પૈસા કાંઈ જ જોતું નથી, મને સુરક્ષિત સ્થળે રાખો
181 ટીમના કાઉન્સેલિંગ દરમિયાન માજીએ પોતાની વ્યથા જણાવતા કહ્યું હતું કે, તેનો દીકરો કોઇ કામધંધો કરતો નથી. આ રીતે અવારનવાર અનેક વખત આવી નાની- મોટી તકલીફ સહન કરી છે. હવે મારે મિલકત- પૈસા કાંઈ જોતું નથી. અહીં રહેવામાં મારા જીવને જોખમ છે. આથી મહિલાને સુરક્ષિત સ્થાને આશરો અપાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.