દુષ્કર્મના ગુનામાં જેલહવાલે રહેલા હૈદ્રાબાદના આફતાબ મુખ્તાર શેખ નામના આરોપીએ જામીન પર છૂટવા કરેલી અરજીને અદાલતે નામંજૂર કરી છે. હૈદ્રાબાદના જુબલી વિસ્તારમાં રહેતો અને હોટેલમાં નોકરી કરતા આરોપી આફતાબે સોશિયલ મીડિયાના માધ્યમથી રાજકોટની 17 વર્ષની તરુણી સાથે મિત્રતા કેળવી પ્રેમજાળમાં ફસાવી હતી. પ્રેમજાળમાં ફસાવ્યા બાદ આરોપી આફતાબ રાજકોટ આવી તરૂણીને જુદા જુદા સ્થળોએ બોલાવી લગ્નની લાલચ આપી શારીરિક સબંધો બાંધી તેના વતન જતો રહ્યો હતો. દરમિયાન તા.11-4-2020ના રોજ આફતાબે તરૂણીને લગ્નની લાલચ આપી ધમકી આપી હૈદ્રાબાદ બોલાવી હતી.
જ્યાં તેણે અનેક વખત દુષ્કર્મ આચર્યુ હતુ. ગુમ થયેલી પુત્રી હૈદ્રાબાદ હોવાની માહિતી મળતા તરૂણીના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને પગલે પોલીસ ટીમ હૈદ્રાબાદ દોડી જઇ તરૂણીને મુક્ત કરાવી આફતાબની ધરપકડ કરી જેલહવાલે કર્યો હતો. ત્યારે જેલમાં રહેલા આરોપીએ જામીન અરજી કરતા સરકારી વકીલ બિનલબેન રવેશિયા, એડવોકેટ રાહુલ મકવાણાએ અરજીનો વિરોધ કરી આરોપી અન્ય રાજ્યનો છે. તેની સામે પોક્સો હેઠળનો ગંભીર ગુનો છે. જો જામીન મળે તો તે અદાલતમાં ટ્રાયલ સમયે હાજર રહી શકે કે કેમ તે એક સવાલ હોય જામીન નામંજૂર કરવા રજૂઆત કરી હતી. જે રજૂઆતને ધ્યાને લઇ સ્પે.પોક્સો કોર્ટના જજ કે.ડી.દવેએ આરોપીના જામીન નામંજૂર કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.