રાજકોટ ક્રાઈમ ન્યૂઝ:જીઓ મોબાઇલ કંપનીના નોડલ ઓફિસરના નામે ફોન કરી ગઠિયાએ વેપારી સાથે રૂ. 7.92 લાખની છેતરપિંડી આચરી

રાજકોટ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

શહેરમાં સાયબર ક્રાઇમની વધુ એક ઘટનામાં જીઓ મોબાઇલ કંપનીના નોડલ ઓફિસરના નામે ફોન કરી ગઠીયાએ રાજકોટના વેપારી સાથે રૂ. 7,92,000ની ઠગાઇ કરી છે. આ બનાવમાં સ્‍ટર્લિંગ હોસ્‍પિટલ પાછળ રવિ રેસિડેન્‍સી સોસાયટી બ્‍લોક નં. 1માં રહેતાં હિતેષભાઇ ભગવાનજીભાઇ પટેલે બે અલગ અલગ ફોન નંબરના ધારકો અને તપાસમાં ખુલે તેના વિરૂદ્ધ સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જીઓ સીમકાર્ડ ઈ-કેવાયસી અપડેટ કરવાનું કહ્યું
હિતેષભાઇએ પોલીસને જણાવ્‍યું છે કે, પોતે મોટી ટાંકી ચોકમાં વાત્‍સલ્ય કેમિકલ્‍સ નામે પેઢી ધરાવે છે. 1 મેના રોજ તેના સગા મોટા ભાઇ દિપકભાઇના મોબાઇલ પર ટેક્‍સ મેસેજ આવ્‍યો હતો. જેમાં તમારા વોડાફોનનું સીમ ઈ-કેવાયસી અપડેટ કરવા કસ્‍ટમર કેર નંબરમાં તાત્‍કાલિક ફોન કરો નહીંતર કાર્ડ બ્‍લોક થઇ જશે તેવો મેસેજ આવ્‍યો હતો. એ પછી મને ફોન આવ્‍યો હતો અને મને પણ એવુ કહ્યું હતું કે, તમારું જીઓ સીમકાર્ડ ઈ-કેવાયસી અપડેટ કરો નહીંતર બ્‍લોક થઇ જશે.

પહેલા 10 રૂપિયાનું રિચાર્જ કર્યું હતું
બાદમાં મને એપ ડાઉનલોડ કરવાનું કહી રૂ.10નું રિચાર્જ કરવા કહેતાં મેં તેમ કર્યું હતું. ત્‍યારબાદ મારો મોબાઇલ નંબર એડ કરતા 15 મિનિટ પછી મારા ખાતામાંથી રૂ.99 હજાર ઉપડી ગયા હતાં. એ પછી બીજી રકમ ઉપડી ગઇ હતી અને કુલ 9,90,000 ઉપડી ગયા હતાં. જેમાં મેં સાયબર ફ્રોડની અરજી કરતાં મને અમુક રકમ પરત મળી ગઇ હતી. પરંતુ બાકીના 7,92,000 ન મળતાં ફરિયાદ નોંધાવી છે. તેમ ફરિયાદીએ જણાવતાં PSI એમ. ડી. વાળાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

એક્‍સીસ બેંકના ભરણામાં કોઈ 867 જાલીનોટ ધાબડી ગયું
બેંકોના ભરણામાં અનેક વખત જાલી ચલણી નોટો ઘૂસાડી દેવામાં આવતી હોય છે. સાધુ વાસવાણી રોડ પર ગોપાલ ચોકમાં શિવાલીક કોમ્‍પલેક્ષમાં આવેલી એક્‍સિસ બેંકના ભરણામાં કોઈ 867 જેટલી જાલીનોટ ઘૂસાડી જતાં ફરિયાદ નોંધાવાઇ છે. આ અંગે રૈયા રોડ સુભાષનગરમાં રહેતા બેંકના ઓફિસર ઇમ્‍તિયાઝભાઇ અલીભાઇ બહાદીદાએ યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્‍યું છે કે 1 જુલાઈ 2021થી 30 ઓગસ્ટ 2022 સુધીના સમયમાં કોઈ પણ લોકો એક્‍સિસ બેંકની અલગ અલગ શાખામાં રૂ.2000ના દરની 33, રૂ.500ના દરની 224, રૂ.200ના દરની 202, રૂ.100ના દરની 219 અને રૂ.50ના દરની 20 તથા અન્‍ય 50ના દરની 19 મળી 867 જાલીનોટ ધાબડી ગયું હતું.

ગણપતિજીના પંડાલમાંથી દાનપેટીની ચોરી
અમુક તસ્‍કરો ભગવાનને પણ છોડતાં હોતા નથી. શહેરના જાગનાથ પ્‍લોટમાં મહાકાળી મંદિર રોડ પર કેપિટલ માર્કેટ કોમ્‍પલેક્ષ બહાર ગણપતિ મહોત્‍સવ અંતર્ગત પંડાલ બનાવવામાં આવ્‍યો હોય તેમાંથી 6 સપ્ટેમ્બરના રોજ કોઈ દાનપેટી ચોરી જતાં આ અંગે કોમ્‍પલેક્ષના સિક્‍યોરિટી ગાર્ડ નવીનભાઇ પદ્દમસિંહ સોંડારીએ ફરિયાદ નોંધાવતાં એ-ડિવિઝનના ASI એન.સી. ડાંગરે તપાસ હાથ ધરી છે. કોમ્‍પલેક્ષ બહાર દર વર્ષે પરશુરામ ગ્રુપ દ્વારા ગણેશ ઉત્‍સવનું આયોજન થાય છે. 6 સપ્ટેમ્બરના રોજ કોઈ બે દાન પેટી ચોરી ગયું હતું. જેમાં અંદાજે 25 હજારની રોકડ હતી.

અન્ય સમાચારો પણ છે...