હિરાસર એરપોર્ટ ટૂંક સમયમાં શરૂ થશે. શરૂ થયા બાદ ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ બન્ને ટેકઓફ અને લેન્ડ થશે. શનિવાર- રવિવારે એમ બે દિવસ કેલિબ્રેશન પ્રક્રિયા કરવામાં આવી હતી.આ કેલિબ્રેશન સિસ્ટમ શું છે? ફ્લાઈટ કેવી રીતે લેન્ડ થાય છે. તે સહિતની માહિતી જાણવા માટે દિવ્ય ભાસ્કરની ટીમ પરમિશન લઈને એટીસી વિભાગમાં પહોંચી હતી. હવે આખી પ્રક્રિયા જાણો. કેલિબ્રેશન માટે જયપુરથી આવેલી ફ્લાઇટના કેપ્ટન, ફર્સ્ટ ઓફિસર અને ટેક્નિકલ ટીમ ટેકઓફ માટે તૈયાર થઇ.
એટીસી વિભાગે બધી બાબતોનું નિરીક્ષણ કરીને સૂચના આપી કે, તમે ફ્લાઈટ ટેકઓફ કરી શકો છો અને હિરાસર એરપોર્ટ પર પહોંચ્યા બાદ ડાયરેક્શન મળશે ત્યારબાદ કેલિબ્રેશન કરી શકો છો. આ સાથે જ 9.15 કલાકે રાજકોટ એરપોર્ટ પરથી ફ્લાઈટ ટેકઓફ થઇ હતી. 9.19 કલાકે ફ્લાઈટ હિરાસર એરપોર્ટ પર પહોંચી હતી. આ સમયે રાજકોટ એરપોર્ટ પરના એટીસી વિભાગે સૂચના આપી કે, હવે તમે કેલિબ્રેશન કરી શકો છો. ફ્લાઈટનું રન-વેથી ઉપર 2500 ફૂટે ઉડાન ભરી રહી છે. પવનની ઝડપ 50થી 55 કિ.મી.ની છે.
આ સૂચના મળતાની સાથે જ પાયલોટે કેલિબ્રેશન પ્રક્રિયા શરૂ કરી હતી અને વિમાનને રન-વેથી ઉપર 50 ફૂટ સુધી લઈ જવામાં આવ્યું હતું. કેલિબ્રેશનની પ્રક્રિયા પૂરી કરીને પાયલોટે રાજકોટ એટીસીને જાણ કરી હતી કે, અમે રાજકોટ એરપોર્ટ આવવા માટે રવાના થયા છીએ. ત્યારબાદ હિરાસર એરપોર્ટથી ફ્લાઇટ સવારે 10.15 કલાકે રાજકોટ એરપોર્ટ પર લેન્ડ થઈ.
આ રીતે કેલિબ્રેશનની પ્રક્રિયા અંદાજિત એક કલાક સુધી ચાલી હતી. રાજકોટ એરપોર્ટ પર વિમાન લેન્ડ થયું ત્યારે પવનની ઝડપ 20 કિમી રહી હતી. અહીંયા પણ સફળતા પૂર્વક લેન્ડિંગ થયું હતું. એટીસીના સૂત્રોએ જણાવ્યું હતું કે, કેલિબ્રેશન ટાઈમ એવો રાખવામાં આવ્યો હતો કે જેથી બીજી ફ્લાઈટનું સમય પત્રક ડિસ્ટર્બ ન થાય કે કોઈ બે ફ્લાઇટ ભેગી ન થઇ જાય.
એરક્રાફ્ટને જે માર્ગદર્શન આપે છે તે માટે કેલિબ્રેશન કરાય છે, ટ્રાયલ લેન્ડ થતા હજુ બે માસ જેટલો સમય લાગી શકે
કેલિબ્રેશન એટલે કે એરક્રાફ્ટને લેન્ડ કરવા માટે જે સાધનો મદદ કરે છે તે લોકોલાઈઝર, ડીવીઆર, લાઈટ પાથ આ ત્રણ સિસ્ટમ છે તે એરક્રાફ્ટને લેન્ડ કરવા માટે માર્ગદર્શન આપે છે. આ ત્રણેય સાધનો લાગ્યા છે કે નહિ તે જાણવા માટે એરક્રાફ્ટ ટેસ્ટિંગ કરે છે. તમામ સાધનોનું ચેકિંગ થઈ ગયું છે. હવે રન વે ટેસ્ટિંગ થશે. આમ ટેસ્ટિંગ માટે જે મહત્ત્વની પ્રક્રિયા હતી તે પૂર્ણ થઈ ગઇ છે. હવે અંતિમ તબક્કામાં રન વે માટે લેન્ડિંગ ટ્રાયલ કરશે. ઉચ્ચ અધિકારીઓ ચેકિંગ કરશે. તમામ બાબતોનું ચેકિંગ થયા બાદ લાઇસન્સ મળશે. પછી ટ્રાયલ લેન્ડિંગ કરાશે. - લોકનાથ પાંધી, ડિરેક્ટર હિરાસર એરપોર્ટ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.