કાર્યક્રમ:કેબિનેટ મંત્રીએ પ્રોટોકોલ તોડી રૂપાણીનું સ્વાગત કરવા કહ્યું, પૂર્વ સીએમે કહ્યું, આપણા મહેમાનનું પહેલા સ્વાગત કરો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મંત્રીપદ મળ્યા બાદ પ્રથમ વખત રાજેન્દ્ર ત્રિવેદી રાજકોટ આવ્યા, સ્ટેજ પર થયા લાગણીના સંવાદ
  • સ્વાગત કરવા તૈયાર થયા પણ રૂપાણીએ ના પાડતા ત્રિવેદીએ કહ્યું, ‘મારા વડીલ અને પિતાતુલ્ય છે એટલે માનવું પડ્યું’

રાજકોટ આવેલા કેબિનેટ મંત્રીએ પ્રોટોકોલ તોડીને પૂર્વ સીએમનું સ્વાગત કરવાનું કહી વિજય રૂપાણીને સન્માન આપ્યું હતું. જો કે વિજય રૂપાણીએ મંત્રીનું જ પહેલા સ્વાગત થાય તેવું કહ્યું હતું અને આખરે તે મુજબ જ કાર્યક્રમ ચાલ્યો હતો.

રાજકોટમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે વહીવટીતંત્રે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે કાર્યક્રમ રાખ્યો હતો. જેમાં નવનિયુક્ત કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી મુખ્ય મહેમાન હતા. કાર્યક્રમ શરૂ થતા પ્રોટોકોલ મુજબ સૌથી પહેલા કેબિનેટ મંત્રીનું સ્વાગત થાય અને વહીવટીતંત્રે તે મુજબ જ નામ આગળ કર્યું હતું અને જેવું મંત્રીનું નામ બોલાયું એટલે તુરંત જ મંત્રીએ સૌથી પહેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું સ્વાગત કરવા કહ્યું હતું. જો કે આ મુદ્દે રૂપાણીએ સ્પષ્ટ ના પાડી હતી અને પછી ઊભા થઈને બોલ્યા હતા કે કેબિનેટ મંત્રી પ્રથમ વખત આપણે ત્યાં આવ્યા છે તેથી તેમનું સ્વાગત જ પહેલા કરો.

સ્વાગત થયા બાદ મંત્રીએ સંબોધન કર્યું હતું જેમાં તેઓએ વિજય રૂપાણીને પોતાના વડીલ અને પિતાતુલ્ય ગણાવ્યા હતા. આ કારણે જ તેમનુ પહેલા સ્વાગત થાય તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી જો કે વડીલ જ જ્યારે આજ્ઞા કરે ત્યારે માનવી પડે તેથી આખરે વાત માની પહેલા તેમનું સ્વાગત થાય તે માટે તૈયાર થયા હતા. આ બંને વચ્ચે થયેલા જાહેરમંચના આ સંવાદ સાંભળી સૌ કાર્યકર્તાઓ અને શહેરીજનોએ એકબીજાનુ સન્માન કેવી રીતે કરવું અને કેવી રીતે જાળવવું તેનું ઉત્તમ ઉદાહરણ માન્યું હતું.

ભ્રષ્ટાચાર ચલાવી નહીં લેવાય : મહેસૂલ મંત્રી
રાજકોટ શહેરના એરપોર્ટ રોડ પર આવેલી હોટેલમાં રક્તદાન કેમ્પનું આયોજન થયું હતુ. આ કાર્યક્રમમાં મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુ વાળા પહોંચ્યા હતા. જેમાં મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ મહેસૂલ વિભાગમાં થતાં ભ્રષ્ટાચાર અંગે કહ્યું હતું કે, મહેસૂલ વિભાગમાં થતો ભ્રષ્ટાચાર ચલાવી નહીં લેવાય, ભ્રષ્ટાચારી સામે કાયદેસરની કાર્યવાહી કરાશે.

અન્ય સમાચારો પણ છે...