તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘાણીની 125મી જન્મજયંતી:લોકસાહિત્યનું સંપાદન કરીને મેઘાણીએ યુગધર્મ બજાવ્યો

રાજકોટ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મેઘાણીની 125મી જન્મજયંતીએ ‘કસુંબીનો રંગ કાર્યક્રમ યોજાયો

રાષ્ટ્રીય શાયર તરીકે ખ્યાતિ પામેલા મૂર્ધન્ય લોકસાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી નિમિત્તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ‘કસુંબીનો રંગ’ કાર્યક્રમ કૃષિમંત્રી આર.સી. ફળદુની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં કૃષિમંત્રી આર.સી.ફળદુએ જણાવ્યું હતું કે આવનારી પેઢી માટે લોકસાહિત્યનું સંપાદન કરીને ઝવેરચંદ મેઘાણીએ પ્રખર યુગધર્મ બજાવ્યો છે. આઝાદીના સમયે જાહેર જનતામાં સંયમપૂર્વકનો જુસ્સો પૂરવામાં મેઘાણીના ગીતોએ ચાલક બળનું કામ કર્યું છે. પચાસ વર્ષના ટૂંકા આયુષ્યની ક્ષણેક્ષણનો ઉપયોગ કરીને ઝવેરચંદ મેઘાણીએ ઉત્તમ સાહિત્યનું સર્જન તો કર્યું જ છે, પરંતુ ગામડે ગામડે ફરીને લોકસાહિત્યનું સંપાદન કર્યું છે, તેમના આ કાર્ય માટે ગુજરાતની નવી પેઢી તેમની સદા ઋણી રહેશે.

રાજકોટ જિલ્લાના 80 ગ્રંથાલયને ઝવેરચંદ મેઘાણીના 10 પુસ્તકનો સેટ પ્રદાન કરાયો હતો. જાણીતા લોકગાયક બિહારી ગઢવી તથા દેવરાજ ગઢવીએ ઉપસ્થિતોને ઝવેરચંદ મેઘાણીના લોકજીભે સચવાયેલા અમર ગીતોનો રસાસ્વાદ કરાવ્યો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ. નીતિન પેથાણીએ સ્વાગત પ્રવચનમાં કાર્યક્રમની ટૂંકી રૂપરેખા આપી હતી.

આ પ્રસંગે ઝવેરચંદ મેઘાણીના જીવન-કવનની રજૂઆત કરતી એક ટૂંકી ડોક્યુમેન્ટરીનું પ્રસારણ કરાયું હતું.યુનિવર્સિટીના સેનેટ હોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં લોકગાયકોએ મેઘાણીના લોકગીતોની રમઝટ બોલાવતા ઉપસ્થિત વિદ્યાર્થીઓ પણ ઝૂમી ઉઠ્યા હતા અને સ્ટેજ પાસે ગરબે ઘૂમવા લાગ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...