નવું જાહેરનામું આવશે:ધંધા-રોજગાર ચાલુ જ રહેશે, ટોળાં જામતા હશે ત્યાં નિયંત્રણો લદાશે : કર્ફ્યૂનો સમય પણ વધશે

રાજકોટ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજે કલેકટરની સીએમ સાથે વી.સી. બાદ નવું જાહેરનામું આવશે
  • રાજકોટ સહિત સાૈરાષ્ટ્રની શાળાઓમાં વેક્સિનેશન પ્રોગ્રામ ચાલે છે ત્યાં સુધી ઓફલાઈન અભ્યાસ ચાલુ રહેશે ત્યારબાદ ઓનલાઈન શિક્ષણની સંભાવના

કોરોનાને લઈને પ્રતિબંધાત્મક જાહેરનામા સતત 2020થી ચાલુ છે. હવે એક એક સપ્તાહના જાહેરનામા ચાલુ થયા છે અને તે રાજ્ય સરકારની સૂચના બાદ બધે જ એક સરખા હુકમો આવે છે. હાલ જે અમલમાં છે તે જાહેરનામું 7મીએ પૂરું થાય છે. જેને લઈને શુક્રવારે મુખ્યમંત્રીએ બધા જ અધિકારીઓ, સચિવો સાથે વીડિયો કોન્ફરન્સ રાખી છે અને ત્યારબાદ વિચાર વિમર્શ કરી નવી ગાઈડલાઈન બહાર પડશે. પણ બધા જ રોજગાર ચાલુ રહે તેવી ખાતરી છે.

રાજ્ય સરકારે કેસ વધવાની સાથે પ્રતિબંધોની તૈયારી કરી છે પણ કોઇપણ આર્થિક પ્રવૃત્તિઓ અટકાવાશે નહીં. જિમ, રેસ્ટોરન્ટ, રિસોર્ટ, ચા-પાનના ગલ્લા, બજારો બધું જ ખુલ્લું રહેવાનું છે પણ એવા સ્થળો કે જ્યાં ટોળાં એકઠા થતા હશે ત્યાં કાર્યવાહી કરવામાં આવશે. એટલે ચા-પાનના ગલ્લા હશે ત્યાં ફરીથી કતાર અને સોશિયલ ડિસ્ટન્સિંગની અમલવારી થશે. જ્યાં સુધી નાઈટ કર્ફ્યૂ વિશે ચર્ચા થઈ રહી છે તે મુજબ તેનો સમય એકાદ કલાક વહેલો થઈ શકે છે.

ઘણા વાલીઓ શાળાને લઈને અવઢવમાં છે કે બંધ થશે કે નહિ પણ હાલ સરકાર 15થી 17 વર્ષના બાળકોને રસી આપી રહી છે અને આ કાર્યક્રમનો સૌથી મોટો આધાર શાળાઓ પર છે. તેથી જ્યાં સુધી વેક્સિનેશનનો ટાર્ગેટ પૂરો ન થાય ત્યાં સુધી શાળાઓ ચાલુ જ રહેશે તે બંધ કરાશે નહીં. આ ઉપરાંત હવે બસમાં મુસાફરીને લઈને પણ નવી ગાઈડલાઈન આવી શકે છે અને આંતરરાજ્યમાં પ્રવાસ માટે વેક્સિન સર્ટિફિકેટ ફરજિયાત કરાશે સાથે ટેસ્ટિંગ પણ ફરજિયાત બનાવવા માટે વિચારણા ચાલી રહી છે. આ નવું જાહેરનામું સપ્તાહ કરતા વધુ સમયનું હોઇ શકે છે.

લગ્નમાં મહેમાનોની સંખ્યા આજનું જાહેરનામું નક્કી કરશે
મકરસંક્રાંતિ પછી ફરી લગ્નસરાની સિઝન શરૂ થઈ રહી છે. જે પરિવારમાં જાન્યુઆરી માસમાં જ લગ્ન છે તેઓ હાલ મૂંઝવણમાં છે કે લગ્ન થઈ શકશે કે નહીં. પણ, લગ્ન માટે કોઇ જ પ્રતિબંધ આવશે નહિ પણ કેટલા મહેમાનોને બોલાવવા તે માટે શુક્રવારનું જાહેરનામું મહત્ત્વનું બની શકે છે. હાલ જે સંખ્યા છે તે યથાવત રાખવા પ્રયત્નો ચાલી રહ્યા છે પણ એક મહિના પહેલાના મુહૂર્તોમાં લગ્નગાળામાં જમા થયેલી ભીડ જોયા બાદ તંત્ર તેમાં ઘટાડો કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...