રાજકોટ LRD-PSI ભરતી કાંડ:બંટી બબલીનો સાગરીત બેંગ્લોરથી ઝડપાયો, ક્રિષ્ના અને આરીફની ઓળખાણ નાઇરોબીમાં થઇ હતી

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
મહિલા આરોપી ક્રિષ્ના ભરડવાની ફાઇલ તસવીર - Divya Bhaskar
મહિલા આરોપી ક્રિષ્ના ભરડવાની ફાઇલ તસવીર
  • પોલીસ તપાસમાં દિલ્હીના આરીફની સંડોવણી હોવાની વિગતો મળી
  • ક્રિષ્નાનો ઘટસ્ફોટ, રાજકોટ પોલીસને કહ્યું: મેં પણ નોકરી માટે દિલ્હીમાં આરીફને દસ લાખ મોકલ્યા હતાં

છેલ્લા 3 દિવસથી બહુચર્ચિત રાજકોટ LRD-PSI ભરતી કાંડમાં નવો વણાંક આવ્યો છે. જ્યાં રાજકોટ પોલીસની તપાસમાં આરોપી ક્રિષ્ના ભરવાડે એવું રટણ કર્યુ હતું કે દિલ્હીના એક શખ્સે પોતે પરિક્ષામાં પાસ કરાવી દેતો હોવાનું પોતાને કહ્યું હોઇ પોતે પણ તેને નોકરી માટે દસેક લાખ દીધા હતાં. આ અંગેની તપાસ કરવા પોલીસની ટીમ દિલ્હી સુધી પહોંચી હતી. સુત્રધાર ક્રિષ્ના આરીફ નામના આ શખ્સના સંપર્કમાં હતી અને આર્થિક વ્યવહાર કર્યા હોઇ આ શખ્સ બેંગ્લોર તરફથી પોલીસના સકંજામાં આવી ગયાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.

ત્રણ દિવસના રિમાન્ડ મંજુર થયા છે
PSI અને LRD ની પરિક્ષામાં લેખિત કે શારીરિક રનીંગ સહિતની કોઇપણ પરિક્ષા આપ્યા વગર સીધા જ ગાંધીનગરથી જોઇનીંગ લેટર અપાવી દેવાની લાલચ આપી રાજકોટ શહેર સહિતના 12 ઉમેદવારોને જાળમાં ફસાવી લલચાવી રૂ. 15 લાખની ઠગાઇ કરનાર મુળ જુનાગઢની અને અગાઉ કેન્યા નાઇરોબીના યુવાન સાથે છુટાછેડા લઇ ચુકેલી ક્રિષ્ના શામજીભાઇ ભરડવા તથા તેની સાથે લિવ ઇન રિલેશનથી રહેતાં જામનગરના જેનિશ ધીરૂભાઇ પરસાણાને ગઇકાલે ગાંધીગ્રામ પોલીસે કોર્ટમાં રજૂ કરતાં ત્રણ દિવસના રિમાન્ડ મંજુર થયા છે.

આરોપીની ફાઈલ તસવીર
આરોપીની ફાઈલ તસવીર

જોઇનીંગ લેટર ગાંધીનગરથી મળી જશે તેવી લાલચ આપી
ક્રિષ્ના ભરડવાએ બેંક ઓફ બરોડાના કર્મચારી મારફત એક ઉમેદવાર ભગવતીપરાના આશિષનો સંપર્ક કર્યો હતો. આશિષે પોતાની સાથે રેસકોર્ષ ગાર્ડનમાં પીએસઆઇ એલઆરડીની દોડની પ્રેકટીસ કરતાં બીજાનો સંપર્ક પણ ક્રિષ્ના અને જેનિશ સાથે કરાવ્યો હતો. આ બંનેએ આશિષ સહિત બાર જણા પાસેથી 15 લાખની રકમ મેળવી લીધી હતી અને પીએસઆઇ એલઆરડીની નોકરીનો સીધો જોઇનીંગ લેટર ગાંધીનગરથી મળી જશે તેવી લાલચ આપી હોઇ આ ઉમેદવારો શારીરિક પરિક્ષા આપવા પણ ગયા ન હોતાં.

મોબાઇલ લોકેશનને આધારે કૌભાંડની સુત્રધાર ઝડપાઇ
પરિક્ષાનું પરિણામ આવતાં ક્રિષ્ના અને જેનીશે કૌભાંડ આચર્યુ હોવાની માહિતી ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજાને મળતાં ગાંધીગ્રામ પીઆઇ કે. એ. વાળા, પીએસઆઇ જે. જી. રાણા, એએસઆઇ હીરાભાઇ રબારી અને તેમની ટીમે સતત અડતાલીસ કલાક ઉંઘ્યા વગર ચાર ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને સીસીટીવી ફૂટેજ, મોબાઇલ લોકેશનને આધારે કૌભાંડની સુત્રધાર ક્રિષ્ના ભરડવા અને તેના સાથીદાર જેનીશ પરસાણાને પકડી લીધા હતાં.

પોલીસે તેના પરિવારજનોની પુછતાછ કરી
ક્રિષ્નાએ એવું પણ રટણ કર્યુ હતું કે દિલ્હીના શખ્સ સાથે મારી ઓળખાણ કેન્યા રહેતાં માર મિત્રએ કરાવી આપી હતી. તે પીએસઆઇ એલઆરડીની પરિક્ષામાં પાસ કરાવી દેતો હોવાની માહિતી મને મળી હતી. મેં પણ તેને નોકરી માટે દસ લાખ મોકલ્યા હતાં. પોલીસની ટીમ દિલ્હી સુધી પહોંચી હતી. પરંતુ આરીફ નામનો દિલ્હીનો શખ્સ હાથ લાગ્યો ન હોતો. પોલીસે તેના પરિવારજનોની પુછતાછ કરી હતી. આ શખ્સ ત્યાં જમીન મકાનની છુટક દલાલીનું કામ અને ફેરીનું કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. આ શખ્સ પોલીસના હાથ વેંતમાં હોવાનું જાણવા મળે છે. તેની પાસેથી પોલીસ વિગતો બહાર લાવવા મથામણ કરી રહી છે.