રાજકોટ કે ખાડાકોટ?:માર્ગ-મકાન મંત્રીનો 90% ખાડા પૂરાયાનો દાવો, ગોઠણ ઊંડા ખાડાથી લોકો પરેશાન, થૂંકના સાંધે ખાડા પૂરાયા પણ લેવલ નથી

રાજકોટએક મહિનો પહેલાલેખક: જીગ્નેશ કોટેચા
  • રાજકોટમાં જ હજુ 30 ટકા કામગીરી બાકી
  • 5 કરોડના ખર્ચના અંદાજ સામે 2 કરોડ વપરાયા

ગુજરાતના માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં ચોમાસાને કારણે રસ્તા પર પડેલા ખાડાનું પેચવર્ક કામ 90 ટકા પૂર્ણ થઇ ગયું છે. પરંતુ આ અંગે રાજકોટની દિવ્ય ભાસ્કરની ટીમ શહેરના વિવાધ વિસ્તારોમાં ફરી ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કર્યો છે. જેમાં જાણવા મળ્યું છે કે, હજી પણ ઠેર ઠેર મોટા મોટા ખાડા જોવા મળી રહ્યા છે. શહેરની રિદ્ધિ સિદ્ધિ નાલા વિસ્તારમાં તો ગોઠણ ગોઠણ ઊંડા ખાડા જોવા મળ્યા છે અને લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ અંગે મેયરે જણાવ્યું હતું કે, શહેરની અંદર 70 ટકા જ પેચવર્કનું કામ થયું છે. આ કામનું પણ નિરીક્ષણ કરતા જાણવા મળ્યું હતું કે, થૂંકના સાંધે કપચી અને ડામર લગાવી ખાડા પૂરવામાં તો પૂરવામાં આવ્યા પણ કોઇ લેવલ ન હોવાથી સ્થિતિ એવી ને એવી જ છે.

થોડીઘણી ધૂળ નાખી મનપાએ સંતોષ માની લીધો: સ્થાનિક
સિદ્ધિ સિદ્ધિ નાલા વિસ્તારમાં રહેતા રસિકભાઇએ જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં ઢેબર રોડના રાજકમલ ફાટકથી રિદ્ધિ સિદ્ધિના નાલાની અંદર આવવું મહા મુશ્કેલીભર્યું છે. ગોઠણ ગોઠણ સુધીના ખાડા અને પથ્થરો રસ્તા વચ્ચે પડ્યા છે. કોઇ તંત્ર સામે જોતુ નથી. તંત્ર દ્વારા થોડીઘણી ધૂળ નાખી સંતોષ માની લીધો છે. અત્યારે રસ્તામાં ખાડાની અંદર રિક્ષા, ટ્રક, બાઇક ફસાય જાય છે. આ વર્ષે બીજા ચોમાસા બાદ પણ રસ્તો એવો ને એવો જ છે, કોઇ સુધારો થયો નથી.

રાજકોટના મેયર ડો.પ્રદીપ ડવ અને રિદ્ધિ સિદ્ધિ નાલા વિસ્તારના સ્થાનિક રસિકભાઇએ દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરી.
રાજકોટના મેયર ડો.પ્રદીપ ડવ અને રિદ્ધિ સિદ્ધિ નાલા વિસ્તારના સ્થાનિક રસિકભાઇએ દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરી.

3 દિવસમાં તમામ ખાડાનું પેચવર્ક થઇ જશેઃ મેયર
આ અંગે મેયર ડો.પ્રદીપ ડવે જણાવ્યું હતું કે, આ વર્ષે રાજકોટમાં ખૂબ જ ભારે વરસાદને કારણે મહાનગરપાલિકા વિસ્તારોમાં મુખ્ય માર્ગો અને રસ્તાઓ પર ખાડા પડ્યાની ફરિયાદ મળેલી છે. ખાડા જે તે સમયે મેટલકામથી પૂર્યા હતા. વરસાદ બંધ થતા મુખ્ય માર્ગો પર ખાડા બૂરી પણ નાખ્યા છે. તમામ રસ્તા પર મુખ્ય ખાડા છે તે બૂરી નાખ્યા છે. શહેરમાં સોસાયટીની અંદર જે ખાડા પડ્યા છે તે બૂરવાની કામગીરી ચાલુ છે. આગામી ત્રણ દિવસમાં તમામ માર્ગો પર કોર્પોરેશનના માધ્યમથી ખાડા પૂરી આપવામાં આવશે.

પહેલી તસવીર વાવડી વિસ્તારની અને બીજી તસવીરમાં પેચવર્ક કરતો મનપાનો કર્મચારી.
પહેલી તસવીર વાવડી વિસ્તારની અને બીજી તસવીરમાં પેચવર્ક કરતો મનપાનો કર્મચારી.

પેચવર્કની 30 ટકા કામગીરી હજુ પણ બાકી
વધુમાં જણાવ્યું હતું કે, વરસાદને કારણે રસ્તા પર ખાડા પડી જવાને કારણે 5 કરોડનું નુકસાન થયું છે. તેમાં અંદાજે 2 ખરોડના ખર્ચે ડામર પેવર કામના માધ્યમથી ખાડા પૂરી દીધા છે. આગામી દિવસોમાં ત્યાં પેવરથી ડામરથી રસ્તા મઢવાના છે. ત્યારબાદ એક્શન પ્લાનના કામ કરવામાં આવશે. રસ્તા પરના પેચવર્કની કામગીરી 70 ટકા પૂરી કરવામાં આવી છે. બાકી 30 ટકા કામગીરી છે તે આગામી 3થી 4 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે.

સોમનાથ ઇન્ડસ્ટ્રીઝમાં રસ્તા પર ખાડા જ ખાડા.
સોમનાથ ઇન્ડસ્ટ્રીઝમાં રસ્તા પર ખાડા જ ખાડા.

પુનિત ચોકડીથી લઇને વગડ ચોકડી સુધી 5 કરોડનો રસ્તો બનશે
મેયરે વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ શહેરના લોકોને વધુમાં વધુ ભૌગોલિક સુવિધા પ્રાપ્ત થાય તે દિશામાં કોર્પોરેશન કાર્યશીલ છે. વોર્ડ નં.12માં મવડી અને વાવડી વિસ્તાર જે ખૂબ જ વિકસીત રહ્યો છે. એટલે કે 80 ફૂટ રોડ તરીકે ગણાતા પુનિત ચોકડીથી લઇને વગડ ચોકડી સુધી પાંચ કરોડના ખર્ચે ડામર પેવર રોડનું કામ શરૂ કરવામાં આવ્યું છે. 150 ફૂટ રિંગ રોડ અને કાલાવડ રોડને જોડતો આ માર્ગ છે. લોકોને પણ આ રસ્તાનો પુરેપુરો લાભ મળશે. બંને તરફ પેવિંગ બ્લોક અને વચ્ચે ડામર સાથે આધુનિક રસ્તો બનાવવામાં આવશે.

વાવડી વિસ્તારમાં ખાડાથી વાહનચાલકો પરેશાન.
વાવડી વિસ્તારમાં ખાડાથી વાહનચાલકો પરેશાન.
રિદ્ધિ સિદ્ધિ નાલા વિસ્તારમાં રસ્તામાં ટ્રેક્ટરની આખી ટ્રોલી એક ખાડામાં સમાય ગઇ.
રિદ્ધિ સિદ્ધિ નાલા વિસ્તારમાં રસ્તામાં ટ્રેક્ટરની આખી ટ્રોલી એક ખાડામાં સમાય ગઇ.
ગોઠણ ઊંડા ખાડાથી વાહનચાલકો હેરાન પરેશાન.
ગોઠણ ઊંડા ખાડાથી વાહનચાલકો હેરાન પરેશાન.
અન્ય સમાચારો પણ છે...