જસદણમાં બિલ્ડિંગ મટિરિયલ્સના ધંધાર્થીએ ધંધાની જરૂરિયાત માટે એક શખસ પાસેથી 2013થી 2021 સુધીમાં 3 ટકાથી લઇ 8 ટકા વ્યાજે રકમ લીધી હતી. જેની ભરપાઇ માટે ખેતીની જમીનનો સાટાખત કરી આપ્યો હતો. વ્યાજે લીધેલા કુલ 65 લાખના બદલામાં 1.96 કરોડ ચૂકવી દીધા હોવા છતાં હજુ આ શખસ વધુ 35 લાખની માગણી કરી પઠાણી ઉઘરાણી કરે છે. આથી ધંધાર્થીએ આ શખસ વિરૂદ્ધ જસદણ પોલીસ મથકમાં વ્યાજખોરી અંગેની ફરિયાદ નોંધાવી છે.
જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
જસદણના બજરંગનગરમાં રહેતા મયુર મગનભાઈ ધાનાણી (ઉં.વ.38)એ જસદણ પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે લાતી પ્લોટમાં રહેતા જયવતં જીલુભાઈ ધાધલનું નામ આપ્યું છે. ફરિયાદીએ પોતાની ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ બિલ્ડિંગ મટિરિયલ્સનો વ્યવસાય કરે છે.
પહેલા 10 લાખ 3 ટકા વ્યાજે લીધા
વર્ષ 2012માં મયુર કન્ટ્રક્શન અને બિલ્ડિંગ મટિરિયલ્સનો વેપાર કરતો હોય પૈસાની જરૂરત પડતા આટકોટ રોડ પર આવેલી રાધેશ્યામ માર્બલ ઓફિસમાં જયવતં જીતુભાઈ ધાધલ પાસેથી પ્રથમ 10 લાખ 3 ટકા વ્યાજે લીધા હતા. બાદમાં કટકે કટકે કરી કુલ રૂપિયા 37 લાખ વ્યાજે લીધા હતા અને 2017 સુધી વ્યાજ ચૂકવ્યું હતું. પરંતુ બાદમાં વ્યાજની રકમ વધી જતા ફરિયાદીએ પોતાના પિતાને વાત કર્યા બાદ જસદણની રેવન્યૂ સર્વે નંબર 12503ની જમીન જેની કિંમત 25 લાખ હોય તેનો સાટાખત કરી આપ્યો હતો. આમ 37 લાખના બદલામાં કુલ 1.75 કરોડ ચૂકવી દીધા હતા.
વ્યાજખોર કબૂલ કરતા હોય તેવો વીડિયો ઉતારી લેતો
બાદમાં વર્ષ 2021માં ફરી પૈસાની જરૂર પડતા જયવતં ધાધલ પાસેથી 20 લાખ 3 ટકા લેખે બાદમાં 5 લાખ 5 ટકા લેખે અને ત્યારબાદ 3થી લઈ 8 ટકા લેખે વ્યાજે લીધા હતા. ત્યારબાદ વ્યાજની રકમ અને પેનલ્ટી સહિતની આ શખસ પઠાણી ઉઘરાણી કરતો હોય ફરિયાદીએ ફરી પોતાના પિતાને વાત કરતા ખેતીની જમીનમાં આવેલ મગફળીના પાકના વેચાણના રૂપિયા 5 લાખ તેને ચૂકવી દીધા હતા. પરંતુ ત્યારબાદ પણ આ શખસ અવારનવાર વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરતો હોય અને તેણે ફરિયાદી તથા તેના પરિવારના સભ્યોને સાથે રાખી એવો વીડિયો બનાવી લીધો હતો. જેમાં ફરિયાદીએ આ શખસ પાસેથી પૈસા લીધા હોય તેવું કબૂલ કરતા હોય બાદમાં તે કહેતો હતો કે મારી પાસે આ વીડિયો છે જેથી તમે વ્યાજની ફરિયાદ કરી નહીં શકો.
65 લાખ 3, 5 અને 8 ટકાના દરે વ્યાજે લીધા હતા
પરંતુ અંતે વ્યાજની રકમ ચૂકવી અશક્ય સમાન બની જતા ફરિયાદીએ જસદણ પોલીસ મથકમાં આ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2012થી 2021 સુધીમાં જયવતં ધાધલ પાસેથી કુલ રૂપિયા 65 લાખ 3, 5 અને 8 ટકાના દરે વ્યાજે લીધા હતા. જેના બદલામાં 1,96,50,000થી વધુ ચૂકવી દીધા હોય અને મૂળ રકમ 37 લાખ પરત ચૂકવી દીધી હોવા છતાં ધમકીઓ આપી વધુ રૂપિયા 35 લાખની માગણી કરતો હોય અને તેણે મોબાઈલમાં પોતે ઉછીના પૈસા આપ્યો હોય તેવો વીડિયો ઉતાર્યો હતો. આ અંગે ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદ પરથી પોલીસે આરોપી સામે મની લેન્ડ એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.