ભારત દેશના પ્રધાનમંત્રીએ 2022 સુધીમાં સૌને ઘરનું ઘર મળી રહે તે માટે 2015માં પ્રધાનમંત્રી આવાસ યોજના જાહેર કરવામાં આવી છે. સરકાર અને બિલ્ડરો દ્વારા એફોર્ડેબલ હાઉસિંગ બનાવવા તરફ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ત્યારે રાજકોટમાં બિલ્ડીંગ એન્વેલપના થર્મલ પર્ફોમન્સ અંગે સરવેની કામગીરી હાલ પ્રગતિમાં છે. ઓટોક્લેવ્ડ એરેટેડ કોંક્રિટ (AAC) બ્લોકનું તાપમાન રેઇન્ફોર્સડ સિમેન્ટ કોંક્રિટ (RCC) દિવાલ કરતા આશરે ૩ ડિગ્રી જેટલો ઓછું રહેતું હોવાનું પ્રાથમિક તારણ જોવા મળ્યું છે. આ સરવેમાં 28 એપ્રિલથી 28 મે દરમિયાન બિલ્ડીંગ એન્વેલપની એરફ્લો વેલોસીટી, હ્યુમીડીટી અને તાપમાનનું દર અડધા કલાકે રીડીંગ લઈને ડેટા તૈયાર કરવામાં આવી રહ્યો છે.
અલગ અલગ બે આવાસ યોજનામાં સરવે
આ અંગે રાજકોટ મનપા અને ગ્રીનટેક નોલેજ સોલ્યુશન પ્રા.લી., દિલ્હીના સંયુક્ત ઉપક્રમે રાજકોટમાં બિલ્ડીંગ એન્વેલપના થર્મલ પર્ફોમન્સનું માપન અંગે સરવે હાથ ધરવામાં આવી રહ્યો છે. જેમાં ગ્રીનટેક નોલેજ સોલ્યુશન પ્રા.લી., દિલ્હીના પ્રતિનિધિ સાસ્વતી ચેટા દ્વારા રાજકોટ મનપા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બનાવવામાં આવેલ ભગીની નિવેદિતા ટાઉનશીપમાં તેમજ BSUP-III અંતર્ગત બનાવવામાં આવેલ આવાસ યોજનાઓમાં બિલ્ડીંગ એન્વેલપના થર્મલ પર્ફોમન્સનું માપન આધુનિક મશીનોની મદદથી કરવામાં આવી રહ્યું છે.
તાપમાનનું દર અડધા કલાકે રીડીંગ કરવામાં આવે છે
જેમાં ભગીની નિવેદિતા ટાઉનશીપની AAC બ્લોક તથા BSUP-III અંતર્ગત બનાવવામાં આવેલ આવાસની RCC દિવાલો વચ્ચેના તાપમાનના તફાવત વિશે અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. આ અભ્યાસ અંતર્ગત 28 એપ્રિલથી 28 મે દરમિયાન બિલ્ડીંગ એન્વેલપની એરફ્લો વેલોસીટી, હ્યુમીડીટી અને તાપમાનનું દર અડધા કલાકે રીડીંગ લઈને ડેટા તૈયાર કરવામાં આવશે. અભ્યાસ પૂર્ણ થયા બાદ અંતિમ તારણ આપવામાં આવશે. હાલ સુધીના અભ્યાસ દરમિયાન જાણવા મળ્યું છે કે AAC બ્લોકનું તાપમાન RCC દિવાલ કરતા આશરે 3 ડિગ્રી જેટલો ઓછું રહે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.