રાજકોટમાં કોરોનાની સ્થિતિને ધ્યાને રાખીને ઉદ્યોગપતિઓ અને બિલ્ડરો મેદાને આવ્યા છે. શહેરનાં આકાશવાણી ચોકમાં આવેલી એસ.એન.કે. સ્કૂલ ખાતે 200 બેડની ઓક્સિજન સાથેની કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. જોકે વહીવટી તંત્ર દ્વારા માત્ર 3 ટન ઓક્સિજન પૂરું પાડવામાં આવે તો 500 બેડની હોસ્પિટલ શરૂ થઈ શકે તેમ છે. રાજકોટના બિલ્ડરો અને ઉદ્યોગપતિની આ પહેલમાં એક પણ રૂપિયો દર્દી પાસેથી લીધા વગર VIP સારવાર આપવામાં આવી રહી છે.
સમયાંતરે 500 બેડની હોસ્પિટલ શરૂ કરવામાં આવશે
રાજકોટ બિલ્ડર એસોસિએશન, બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ, રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન અને શાપર વેરાવળ ઔદ્યોગિક એસોસિએશન સહિતનાં ઉદ્યોગપતિઓ દ્વારા 500 બેડની આધુનિક સુવિધાથી સજ્જ કોવિડ હોસ્પિટલ શરૂ કરવાનો નિર્ધાર કર્યો છે. જોકે ઓક્સિજન માટે હોસ્પિટલમાં જ પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. રાજકોટ બિલ્ડર એસો.નાં પ્રમુખ પરેશ ગજેરાએ જણાવ્યું હતું કે, હોસ્પિટલોમાં બેડ ન મળવાની ફરીયાદો ઉઠી હતી. ત્યારે જિલ્લા વહિવટી તંત્રની મંજૂરી લઇને ઉદ્યોગપતિઓ અને બિલ્ડરો દ્વારા એચ.સી.જી. હોસ્પિટલનાં સહયોગથી કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. હાલ 50 બેડ કાર્યરત કરી દેવામાં આવ્યા છે. જ્યારે 200 બેડની સુવિધા સંપૂર્ણ રીતે તૈયાર કરી દેવામાં આવી છે. જ્યારે સમયાંતરે 500 બેડની હોસ્પિટલ શરૂ કરવામાં આવશે.
3 ટન ઓક્સિજન આપે તો 500 બેડ શરૂ થઈ શકે
ઉદ્યોગપતિ પરાક્રમસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ઓક્સિજનની અછતને ધ્યાનમાં રાખીને ઓક્સિજન પ્લાન્ટ પણ લગાવવામાં આવ્યો છે. જો વહિવટી તંત્ર દ્વારા 3 ટન ઓક્સિજન ફાળવવામાં આવે તો તમામ 500 બેડની સુવિધા શરૂ થઇ શકે તેમ છે. દર્દીઓને દાખલ કરવા માટે કોવિડ સેન્ટર દ્વારા હેલ્પલાઇન પર 12 ઓપરેટરને બેસાડવામાં આવ્યા છે. જેથી આસાનીથી દર્દીઓ દાખલ થઇ શકે. હાલ હોસ્પિટલ પાસે આઇ.સી.યુ.ની સુવિધા ન હોવાથી ક્રિટીકલ દર્દીઓને દાખલ કરવામાં આવતા ન હોવાનું જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે , હાલ આ હોસ્પિટલમાં ઓક્સિજન પૂરતી જ વ્યવસ્થા ઉપલબ્ધ છે. આગામી દિવસોમાં વેન્ટિલેટર સાથે સુવિધા શરૂ કરવી કે કેમ તે વિચારવામાં આવશે.
દર્દીઓનું CCTV કેમેરાથી મોનિટરિંગ
હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓનું ઓનલાઇન રજિસ્ટ્રેશન થયા બાદ પ્રથમ અડધો કલાક તેમને બહારના ભાગે પ્રાથમિક સારવાર આપી જરૂરિયાત મુજબ ચકાસી દાખલ કરવા જરૂર જણાય તો દાખલ કરી દેવામાં આવે છે. તેમને HCG હોસ્પિટલના તબીબો દ્વારા મોનિટરિંગ કરી સારવાર આપવામાં આવી રહી છે. દર્દીઓને આપવામાં આવતી સારવારમાં કોઇ કચાસ ન રહે અને દેખરેખ રાખી શકાય તે માટે CCTV કેમેરા પણ મૂકવામાં આવ્યા છે. જેની મદદથી દર્દીઓની સારવાર પર નજર રાખવામાં આવે છે.
કંઈ રીતે દાખલ કરી શકાશે દર્દીને
કોવિડ કેર સેન્ટરની શરૂઆત 50 બેડથી કરવામાં આવી હતી. હાલ 200 બેડ તૈયાર થઇ ગયા હોવાથી શરૂ કરી દેવામાં આવી છે. દાખલ થનાર દર્દીને સેન્ટર ખાતે સીધા લાવી નહિ શકાય. તે માટે દર્દી અથવા તો તેમના પરિવારજનોએ સેન્ટરના નંબર 6358845684 પર કોલ કરવાનો રહેશે. એડમિશન માટેની ફોન લાઈન રોજ સવારે સવારે 8 વાગ્યે શરૂ થશે. સેન્ટરમાં ફોન પર હાજર વ્યક્તિ જેટલા બેડની કેપિસિટી જે તે દિવસની હશે તેટલા જ કોલ એટેન્ડ કરશે. જો આપ ફોન કરો ત્યારે રેકોર્ડિંગ સાંભળવા મળે તો દર્દી અથવા તેમના પરિજનોએ માનવું કે બેડ ફૂલ થઇ ચુક્યા છે. જે માટે તેઓ ફરી બીજા દિવસે સવારે 8 વાગ્યે એડમિશન ફોન લાઈન શરૂ થાય ત્યારે પ્રયત્ન કરવાનો રહેશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.