જૂનાગઢમાં કન્સ્ટ્રક્શનનું કામ કરતાં બિલ્ડરે કોરોનામાં આર્થિક વ્યવહાર અટકી જતાં વ્યાજખોરોના વિષચક્રમાં ફસાતા પરિવાર સાથે હિજરત કરી રાજકોટ રહેવા આવી ગયા હતા છતાં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી બંધ નહી થતાં કંટાળીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. રાજકોટના કાલાવડ રોડ પર મોટોમવા નજીકના એવરેસ્ટ પાર્કમાં ભાડેથી રહેતા અમિત મનસુખભાઇ મારડિયા (ઉ.વ.33)એ ગુરૂવારે સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ નજીક ફિનાઇલ પી લેતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
બનાવની જાણ થતાં પોલીસ દોડી ગઇ હતી. પોલીસ સમક્ષ અમિત મારડિયાએ જણાવ્યું હતું કે, પોતે બે ભાઇમાં નાનો અને અપરિણીત છે, જૂનાગઢમાં શ્રીજી કન્સ્ટ્રક્શન નામે બાંધકામનો વ્યવસાય કરતો હતો, બાંધકામની અનેક સાઇટ ચાલતી હતી, કોરોના કાળમાં લોકડાઉન આવતા તૈયાર બાંધકામનું વેચાણ અટકી ગયું હતું અને સાતેક લોકો પાસેથી નાણા વ્યાજે લઇ આર્થિક રોલિંગ ચલાવ્યું હતું, વ્યાજખોરો પાસેથી રૂ.25 લાખ વ્યાજે લીધા હતા તેની સામે લાખો રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં વ્યાજખોરોએ વધુ નાણાની માગ કરી પઠાણી ઉઘરાણી શરૂ કરતાં અમિત તેની માતાને લઇને જૂનાગઢથી નીકળીને રાજકોટ રહેવા આવી ગયો હતો.
રાજકોટ આવી જવા છતાં વ્યાજખોરોનો ત્રાસ અટક્યો નહોતો, અને નાણાની માગ ચાલુ રહી હતી, હવે વ્યાજખોરોએ અમિતની મિલકત પર કબજો જમાવવાનું શરૂ કરતાં કંટાળેલા યુવકે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પોલીસે અમિત મારડિયાનું નિવેદન નોંધી વિશેષ કાર્યવાહી શરૂ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.