વધુ એક ​​​​​​​ભગો:B.Sc એપ્લાય ફિઝિક્સનું પેપર જનરલ ઓપ્શનવાળું કાઢી નાખ્યું!

રાજકોટ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ કોરોનાને લીધે જનરલ ઓપ્શન અપાતા, બાદમાં તમામ ફેકલ્ટીમાં બંધ કરાયા’તા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં એક પછી એક ભૂલ બહાર આવી રહી છે ત્યારે હાલ ચાલી રહેલી બીજા તબક્કાની પરીક્ષામાં બીએસસી/એમએસસી એપ્લાય ફિઝિક્સનું પેપર-1 ‘મેથેમેટિકલ મેથડ ઇન ફિઝિક્સ’ વિષયનું તાજેતરમાં જ લેવાયેલું પેપર કોરોનાકાળ વખતે જે પરીક્ષા પદ્ધતિ હતી તે જનરલ ઓપ્શનવાળું કાઢી નાખતા વિદ્યાર્થીઓ પણ એક તબક્કે મૂંઝાયા હતા. યુનિવર્સિટીની પરીક્ષા પદ્ધતિમાં હજુ પણ કોરોનાકાળ જીવંત હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે. અગાઉ યુનિવર્સિટી જ કોરોનાકાળમાંથી રાહત મળતા હવે પછીની પરીક્ષામાં જનરલ ઓપ્શન નહીં આપવા જાહેરાત કરી હતી.

શિક્ષણ બોર્ડે પણ બોર્ડની પરીક્ષામાં હવે જનરલ ઓપ્શન નહીં આપવા જાહેરાત કરી છે ત્યારે યુનિવર્સિટીના પેપર સેટરે તાજેતરમાં જ જનરલ ઓપ્શનવાળું પેપર કાઢી નાખી વધુ એક ભગો કર્યો હતો. બીએસસી/એમએસસી એપ્લાય ફિઝિક્સના પેપરમાં ‘મેથેમેટિકલ મેથડ ઇન ફિઝિક્સ’ વિષયના પેપરમાં કુલ 70 માર્કના પેપરમાં કુલ 10 પ્રશ્ન પૂછાયા હતા જેમાંથી વિદ્યાર્થીઓને માત્ર 5 જ પ્રશ્નના જવાબ આપવા પેપરમાં સૂચના આપવામાં આવી હતી. બીએસસી/એમએસસી એપ્લાય ફિઝિક્સ સેમેસ્ટર-7ના પેપરમાં આ ભગો થયો હોવાનું બહાર આવ્યું છે, પરંતુ વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે, સેમેસ્ટર-3 અને અન્ય સેમેસ્ટરના પેપર પણ આ જ પદ્ધતિથી લેવાયા છે. કોરોનાકાળમાંથી રાહત મળ્યા બાદ યુનિવર્સિટીએ પોતે જ જનરલ ઓપ્શન આપવાનું બંધ કરી બાદમાં પોતે જ ભૂલી ગઈ હોય એમ હાલ ચાલી રહેલી પરીક્ષામાં વિદ્યાર્થીઓને જનરલ ઓપ્શનવાળું પેપર ધાબડી દેવાયું હતું. વિદ્યાર્થીઓએ આ પેપર આખું લખી પણ નાખ્યું હતું. જોકે, યુનિવર્સિટીના પરીક્ષા વિભાગના હજુ સુધી આ બાબત ધ્યાને આવી નથી.

અન્ય સમાચારો પણ છે...