શહેરના 150 ફૂટ રિંગ રોડ પર ભાજપના ઉમેદવારના ચૂંટણી કાર્યાલયના ઉદ્દઘાટન પ્રસંગે કોઇપણ પ્રકારની મંજૂરી વગર રસ્તો બંધ કરી દેવાયો હતો અને લોકોને નાછૂટકે પ્રતિબંધિત માર્ગ પર ગેરકાયદે વાહન ચલાવવા મજબૂર કરવામાં આવ્યા હતા, સામાન્ય દિવસોમાં કોઇ ચાલક બીઆરટીએસ રૂટ પરથી વાહન ચલાવે તો ટ્રાફિક પોલીસ તેની સામે કાયદાનો દંડો ઉગામી મસમોટો દંડ ફટકારતા હોય છે આજે આ પોલીસે પણ ગેરકાયદે રસ્તો બંધ કરનાર સામે કંઇ કરી શકી નહોતી અને તમાશો નિહાળ્યો હતો.
વિધાનસભા 69 બેઠકના ભાજપના ઉમેદવાર ડો.દર્શિતાબેન શાહનું ચૂંટણીનું મુખ્ય કાર્યાલય શહેરના 150 ફૂટ રિંગ રોડ પર રૈયા ટેલિફોન એક્સચેન્જની સામે શરૂ કરવામાં આવ્યું છે, અને વિધાનસભા 71ના ઉમેદવાર ભાનુબેન બાબરિયાનું ચૂંટણીનું કાર્યાલય મવડી ચોકડી પાસે શરૂ કરવામાં આવ્યું છે અને બંને કાર્યાલયના ઉદ્દઘાટન પ્રસંગ નિમિત્તે સાંજે 7.30 વાગ્યે એ સ્થળ પર જાહેરસભા યોજવામાં આવી હતી અને સ્ટેજ પણ ઊભા કરવામાં આવ્યા હતા, સ્ટેજની સામે મોટા પ્રમાણમાં ખુરશીઓ ગોઠવવામાં આવી હતી.
બીઆરટીએસ રૂટ પર બંદોબસ્ત ગોઠવી નેતાઓની ચાપલૂસી કરી
સાંજથી જ રૈયા ટેલિફોન એક્સચેન્જથી ઇન્દિરા સર્કલ તરફ જવાનો રસ્તો બંધ કરી દેવાયો હતો, રૈયા એક્સચેન્જથી ઇન્દિરા સર્કલ જવા ઇચ્છુક વાહનચાલકોને નાછૂટકે બીઆરટીએસ રૂટ પર પોતાના વાહનો ચલાવવા પડ્યા હતા, સામાન્ય દિવસોમાં કોઇ ચાલક બીઆરટીએસ રૂટ પર વાહન ચલાવે તો કાયદાનો દંડો ઉગામતી ટ્રાફિક પોલીસ ગેરકાયદે રસ્તો બંધ કરનારને કંઇપણ કહેવાની હિંમત કરી શકી નહોતી, ઊલટાનું બીઆરટીએસ રૂટ પર બંદોબસ્ત ગોઠવી નેતાઓની ચાપલૂસી કરી હતી.
નેતાઓ ભાષણબાજી કરતા’તા, બે કિ.મી. સુધી ટ્રાફિકજામ થયો
રૈયા એક્સચેન્જથી ઇન્દિરા સર્કલ સુધીનો રસ્તો બંધ કરી દેવાયો હતો, અને બીઆરટીએસ પર વાહનચાલકો ફસાયા હતા, એક તરફ નેતાઓ લોકોને સુવિધા આપવાના બણગા ફૂંકતા ભાષણો આપી રહ્યાં હતા તો તેની સામે જ ગેરકાયદે રસ્તો બંધ કરી દેવાતા બે કિલોમીટર સુધી ટ્રાફિકજામ થયો હતો.
ટ્રાફિક પીઆઇ ઘટનાસ્થળે ગયા પણ કાર્યવાહી કંઈ ન કરી
ટ્રાફિક એસીપી ગઢવીએ કહ્યું હતું કે, પીઆઇ નકુમને સ્થળ પર મોકલવામાં આવ્યા છે, ટ્રાફિક પીઆઇ નકુમે જણાવ્યું હતું કે, રસ્તો ગેરકાયદે બંધ કરાયા અંગેની કાર્યવાહી ગાંધીગ્રામ પોલીસની છે પરંતુ મંજૂરી વગર રસ્તો બંધ કરાયો છે અને વાહનો બીઆરટીએસ પર ચાલી રહ્યાં છે તે અંગેની પોલીસ કન્ટ્રોલરૂમમાં એન્ટ્રી પડાવી દીધી છે.
સભા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનથી 200 મીટર દૂર, PI રાણે અજાણ
રૈયા ટેલિફોન એક્સચેન્જ સામે સાંજથી જ રસ્તો બંધ કરી દેવાયો હતો, છતાં ગાંધીગ્રામના પીઆઇ રાણે અજાણ હતા, દિવ્ય ભાસ્કરે આ અંગે તેમને પૂછતાં તેમણે કહ્યું હતું કે, હું સ્થળ પર જઇને તપાસ કરું છું, સભા પૂરી થયા બાદ રાણેએ કહ્યું હતું કે, રસ્તો ખુલ્લો કરી દેવાયો છે, હકીકત એ હતી કે ત્યાં સુધીમાં રાજકીય તમાશો પૂરો થઇ ગયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.