• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • BRTS Buses Used To Be Available Every 10 Minutes, Now They Will Be Available In 6 Minutes: Diesel Will Be Saved, Pollution Will Be Reduced

આજથી શરૂ થશે ઈલેક્ટ્રિક બસ:BRTS પર પહેલા દર 10 મિનિટે બસ મળતી હવે 6 મિનિટે આવી જશે : ડીઝલ બચશે, પ્રદૂષણ ઓછું થશે

રાજકોટ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદ, સુરત બાદ રાજકોટમાં પ્રયોગ | અગાઉ કરતા બસમાં 7 બેઠક ઓછી પરંતુ 6 બસ વધુ હોવાથી વધારે લોકો મુસાફરી કરી શકશે
  • ​​​​​​​બીઆરટીએસ પર 10 ડીઝલ બસ ચાલતી હવે 16 ઈ-બસ ચાલશે, મનપાને પ્રતિ કિલોમીટર 50 રૂપિયાથી વધુનો થશે ફાયદો

રાજકોટ મહાનગરપાલિકા પાસે ઘણા સમયથી ઈલેક્ટ્રિક બસ આવી ગઈ છે પણ લોકાર્પણ હવે થઈ રહ્યું છે. આ ઈ-બસથી શહેરીજનોને વધુ આરામદાયક મુસાફરી મળશે. રાજકોટના બીઆરટીએસ રૂટ પર સૌથી પહેલા આ બસ દોડાવાશે. અત્યાર સુધી આ રૂટમાં 10 ડીઝલ બસ ચાલતી તેને બદલે હવે 16 ઈ-બસ ચાલશે આ કારણે બીઆરટીએસના એક સ્ટેશને દર 10 મિનિટે એક બસ આવે છે પણ ઈ-બસ દર 6 મિનિટે મળશે તેથી મુસાફરોનો સમય પણ બચશે. જોકે બસની સ્પીડ પહેલા જેટલી 40 કિ.મી. પ્રતિ કલાક જ રહેશે.

નવી બસ ફુલ્લી એસી હશે. નવી સીટ અને ઈન્ટિયર હશે તેમજ મનોરંજન માટે એફએમ રેડિયો છે. મુસાફરોને આ ફાયદા ઉપરાંત મનપાને એજન્સીને ચૂકવાતા પ્રતિ કિ.મી.ના ભાડામાં અધધ 50 રૂપિયાનો ફાયદો થશે. હાલ એક બસ દૈનિક 190 કિ.મી. ચાલી રહી છે આ રીતે જોતા 10 ડીઝલ બસ રોજનું 500 લિટર ડીઝલ વાપરે છે. બસ બંધ થતા તેટલા ડીઝલનો વપરાશ ઘટશે અને તેટલું જ ઉત્સર્જન ઘટતા પર્યાવરણને પણ ફાયદો થશે. હાલ પ્રથમ તબક્કે 16 બસ બીઆરટીએસ રૂટ પર મુકાઈ છે પણ તબક્કાવાર સિટીબસમાં પણ રૂપાંતરિત કરાશે તેમ રાજકોટ રાજપથ લિ.ના જનરલ મેનેજર જયેશ કુકડિયાએ જણાવ્યું છે.

બસમાં ખરાબી સર્જાશે તો તુરંત એલર્ટ આવશે
બસમાં અલગ અલગ 5 બેટરી હશે. જો બેટરી વધુ પડતી ગરમ થાય કે પછી અન્ય કોઇ ખરાબી સર્જાય એટલે તુરંત જ ડ્રાઈવરને એલર્ટ આવશે. ડ્રાઈવર સીટ પાસે એક ખાસ પ્રકારની સેફ્ટી સ્વિચ હશે જેને દબાવતા જ બસના તમામ ઓપરેશન બંધ થતા સુરક્ષિત રીતે ઊભી રહી જશે. આ અંગેની માહિતી પણ સીધી કંટ્રોલરૂમ પહોંચશે.

એક સાથે 24 બસ 35 મિનિટમાં થશે ફુલચાર્જ, 125 કિ.મી. અંતર કપાશે
ઈ-બસ માટે 80 ફૂટના રોડ પર ચાર્જિંગ સ્ટેશન બનાવાયું જેમાં 14 ચાર્જર મુકાશે. એક ચાર્જરમાં 2 બસ એકસાથે ચાર્જ થશે. ફુલચાર્જ થતા 35 મિનિટ થશે અને એકવખત ફુલચાર્જ થઈ એટલે 125થી 135 કિ.મી. જેટલુ અંતર કાપશે. આ કારણે બસ ફુલચાર્જ થઈને બીઆરટીએસ પર દોડશે અને પછી ફરી એકવાર ચાર્જ થવા સ્ટેશન પર આવશે. આ રીતે એક દિવસમાં 190 કિ.મી.નું અંતર કાપશે. હાલ ચાર્જિગ સ્ટેશનનું કામ અધૂરું છે અને એકાદ મહિનો લાગશે ત્યારબાદ સિટીબસ ચાલુ કરાશે. બસ ફટાફટ ચાર્જ થાય તે માટે 3 મેગાવોટનું કનેક્શન લીધું છે, એક બસ એક વખતમાં 140 યુનિટ વીજળી વાપરશે.

બસની અંદર-બહાર કેમેરા, સીટ પાસે હશે પેનિક બટન
બસની અંદરની બાજુ તેમજ બહાર બંને જગ્યાએ કેમેરા લાગેલા છે જેથી દરેક બાજુએ સુરક્ષા મળતી રહે. આ ઉપરાંત સીટ પાસે એક પેનિક બટન પણ છે જેને ઈમર્જન્સીના સમયે દબાવતા એલર્ટ થશે. હાલ તમામ બસ જીપીએસ ટ્રેકિંગથી સજ્જ છે ભવિષ્યમાં કંટ્રોલરૂમ સાથે જોડવાનું પણ આયોજન છે. બસમાં કોઈ વ્યક્તિ શંકાસ્પદ હિલચાલ કરશે તો કેમેરામાં ઝડપાઈ જશે.

બસની લંબાઈ 9 મીટર, ટ્રાફિક અને સર્કલમાં સરળતાથી નીકળી શકશે
હાલ જે સિટીબસ છે તેની લંબાઈ 12 મીટરની છે પણ નવી મીડી બસ 9 મીટરની હોવાથી ટ્રાફિકમાં તેમજ સર્કલમાં વળવામાં પહેલા કરતા વધુ ઝડપ થશે અને સમય પણ બચશે. બીઆરટીએસ પર દોડતી બસમાં 34 સીટ છે જોકે ટ્રાફિક મુજબ બસમાં ઘણા મુસાફરો ઊભા ઊભા પણ આવે છે. ઈ-બસમાં આ ક્ષમતા 27ની છે પણ તેની બસની સંખ્યા વધુ હોવાથી અને દર 6 મિનિટે બસ આવવાથી લોકોને સીટ મળી રહેશે. આ ઉપરાંત ડીઝલ બસ કરતા ઈ-બસનું સંચાલક અલગ જ હોવાથી તમામ ડ્રાઇવરને તેની ખાસ તાલીમ પણ અપાઈ છે.

મનપાએ ચૂકવ્યા પ્રતિ કિ.મી. 75 રૂપિયા, હવે 28.91 રૂપિયા ચૂકવશે
તાજેતરમાં ડીઝલનો ભાવ રેકોર્ડબ્રેક થતા ગત મહિને મનપાએ 75.77 રૂપિયા પ્રતિ કિ.મી લેખે ચૂકવ્યા છે. દરેક બસ સરેરાશ 70,000 કિ.મી. ચાલે છે અને 10 બસનો હિસાબ 7 લાખ કિ.મી. થાય છે તે જોતા 5 કરોડથી વધુની રકમ થાય છે. તેને બદલે ઈ-બસનું ટેન્ડર 53.91 રૂપિયામાં અપાયું છે અને તેમાંથી પણ 25 રૂપિયાની સબસિડી સરકારમાંથી મળશે એટલે હવે મનપાએ પ્રતિ કિ.મી. ફક્ત 28.91 રૂપિયા ચૂકવવાના થશે જો વીજબિલમાં વધારો થશે તો મનપાએ વધુ રકમ ચૂકવી પડશે. કારણ કે, ચાર્જિગ સ્ટેશનનો ખર્ચ, વીજબિલ સહિતની જવાબદારી એજન્સી પર જ છે.

અન્ય સમાચારો પણ છે...