સાળા-બનેવીએ લોકોને નશેડી બનાવ્યા:રાજકોટમાં 23 લાખની કફ સિરપની 13,338 બોટલ સાથે સાળાની ધરપકડ, બે ઢાંકણા સિરપમાં સોડા મિક્સ કરી લોકોને નશો કરાવતા

રાજકોટ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજકોટમાં સાળા-બનેવી લોકોને નશેડી બનાવતા હોય તેમ નશાકારક સિરપનું ખુલ્લેઆમ વેચાણ કરી રહ્યા હતા. આ અંગે SOG પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે રૈયા રોડ પર આલાપ ગ્રીન સિટી પાછળ અમૃત પાર્ક શેરી નં.7માં એક મકાનમાં ગેરકાયદે નશાકારક કફ સિરપની બોટલોનો મોટો જથ્થો રાખવામાં આવ્યો છે, તેમજ મિતેશ નામનો શખસ આ જથ્થાનું બિનઅધિકૃત રીતે વેચાણ કરે છે. બાતમીના આધારે SOG ટીમે દરોડો પાડતા મકાનના રૂમમાંથી 13,338 કફ સિરપની બોટલ મળી આવી હતી. આ બોટલની કિંમત રૂ.23,07,900 થાય છે. બોટલમાંથી બે ઢાંકણા સિરપમાં સોડા મિક્સ કરી લોકોને નશો કરાવતો હતો.

બનેવી કચ્છથી ટ્રાન્સપોર્ટ મારફત જથ્થો મોકલાવતો
FSL અધિકારી વાય.એચ. દવે અને ડ્રગ્સ ઇન્સ્પેક્ટર તેજલબેન મહેતાએ સ્થળ પર આવી કફ સિરપની બોટલો અંગે ખરાઇ કરી હતી. આરોપી મિતેશની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, આ સિરપનો જથ્થો કચ્છના સમીર ગોસ્વામીએ ટ્રાન્સપોર્ટ મારફત મોકલાવ્યો હતો. પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. સમીરના પત્ની મિતેશના મામાના દીકરી હોય એ સંબંધે મિતેશ બનેવી સમીરે મોકલેલા સિરપને ગ્રાહકની ડિલિવરી આપવાનું કામ કરતો હતો.

પોલીસે 13,338 કફ સિરપની બોટલ સાથે આરોપી મિતેશની ધરપકડ કરી.
પોલીસે 13,338 કફ સિરપની બોટલ સાથે આરોપી મિતેશની ધરપકડ કરી.

સિરપનો જથ્થો સ્ટોક કરવા મકાન ભાડે રાખ્યું
પકડાયેલો આરોપી નાણાવટી ચોકમાં જાસલ કોમ્પ્લેક્ષમાં શેર દલાલી, જીએસટી એકાઉન્ટ સહિતની કામગીરી કરે છે. બનેવી સમીરને મેડિકલ છે. જેથી રાજકોટ ખાતે સિરપનો જથ્થો સ્ટોક કરવા મિતેશ મારફત રૈયા રોડ પર મકાન ભાડે રખાવ્યું હતું. પછી જ્યારે બનેવી કહે ત્યારે સાળો જે-તે ગ્રાહકને ડિલિવરી આપવા મકાને જતો અને માલ કાઢી આપતો હતો. મિતેશના જણાવ્યા મુજબ આ કામમાં તેને કોઈ રૂપિયા નહોતા મળતા તે ફક્ત બનેવીને મદદ કરાવતો હતો. જોકે, પોલીસે મિતેશનો ફોન કબ્જે કરી ક્યાં ક્યાં ગ્રાહકોના સંપર્કમાં હતો અને ક્યા ક્યાં ગ્રાહકોના સંપર્કમાં નહોતો તે અંગે તપાસ હાથ ધરી છે.

આ સિરપમાં ખૂબ જ ખતરનાક નશો ચડે
પોલીસ જણાવ્યા મુજબ આ સિરપમાં ખૂબ જ ખતરનાક નશો ચડે છે. આનું સેવન કરતા લોકો ફક્ત બે ઢાંકણા જેટલા પ્રમાણમાં સિરપ લે છે અને પછી તેમા સોડા ઉમેરી તેનો નશો કરે છે. આ સિરપમાં કોડીન ફોસ્ફેરેટનું પ્રમાણ છે. કોડીન અફીણના રસમાંથી મેળવાતું ઘેન લાવનાર શામક કેફી ઔષધ કહેવાય છે. તાજેતરમાં નશાના રવાડે ચડેલા તત્વો આ ઔષધના સિરપનો નશો કરવા ઉપયોગ કરતા હોવાનું પ્રમાણ વધતા પોલોસે આની હેરાફેરી પર ખાસ નજર રાખી છે. આવું સિરપ બનાવતી કંપનીઓ પણ ડ્રગ્સ લાઇસન્સ અને જીએસટી ધરાવતી ફાર્મા પેઢીને જ વેચાણ કરે છે. જોકે, સમીરે આ સિરપનો જથ્થો કોની પાસેથી મગાવ્યો તે અંગે તે પકડાયા બાદ વધુ વિગત મળી શકે છે.

ડીસીપી ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલ.
ડીસીપી ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલ.

3 મહિનાથી રાજકોટમાં આ ધંધો ચાલતો હતો
DCP ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, મિતેશ ગેરકાયદેસર રીતે આ કફ સિરપનું વેચાણ કરતો હતો. કચ્છથી સમીર નામનો શખસ મિતેશને આ કફ સિરપનો જથ્થો મોકલતો હતો. આ બન્ને સંબંધે સાળા-બનેવી થાય છે. સમીર પર અગાઉ પણ સાણંદ પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ થયેલો છે. સમીરે ટ્રાન્સપોર્ટ દ્વારા સિરપનો જથ્થો મોકલ્યો છે તેની તપાસ કરી રહ્યા છીએ. જેને જેને આ જથ્થો મોકલ્યો હશે તેની વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર આવી સિરપનું વેચાણ કરી શકાતું નથી. સાળા-બનેવીએ 3 મહિનાથી આ ધંધો રાજકોટમાં ચલાવી રહ્યા હતા. સમીર દ્વારા જ ગાંધીધામમાં વેચાણ કરવામાં આવતું હતું. ત્યાં પણ તેની વિરૂદ્ધ NDPS હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મિતેશ વિરૂદ્ધ 14 દિવસના રિમાન્ડ માગવામાં આવશે.

તમામ જથ્થો જપ્ત કરવામાં આવ્યો.
તમામ જથ્થો જપ્ત કરવામાં આવ્યો.

કફ સિરપ મોકલનાર સમીર આદિપુર રહે
રાજકોટ SOGના દરોડા બાદ તપાસમાં ખુલ્યુ હતું કે, કફ સિરપ મોકલનાર સમીર આદિપુર રહે છે. જોકે, તે રાજકોટમાં મવડી મેઈન રોડ પર કોપર માર્કેટ બિલ્ડિંગમાં ઓફિસ રાખી અપેક્ષા મેટ્રીક્સ નામે ફાર્મા પેઢી ધરાવે છે. ડ્રગ્સ ઈન્સ્પેક્ટરના જણાવ્યા મુજબ સમીરની આ પેઢીનું ડ્રગ્સ લાઇસન્સ હતું. પરંતુ જ્યારે પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ તપાસ માટે જતી ત્યારે આ પેઢી સતત બંધ જ રહેતી હોવાનું જણાતા તેનું ડ્રગ્સ લાઇસન્સ રદ કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...