શહેરના મોરબી રોડ પર આવેલા સત્યમ પાર્કમાં રહેતા સાગર ઉર્ફે વિશાલ નટુભાઈ પાટડીયા નામનો 27 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે રાત્રિના પોતાના ઘરે પંખામાં ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી મચી ગઈ છે. આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસને જાણ થતાં સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ઘટનાસ્થળે જરૂરી કાગળો કરી યુવાનના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં સાગર બે ભાઈ અને એક બહેનમાં વચેટ હતો અને ચાંદીકામ કરતો હતો. બહેને અઠવાડિયા પહેલા પ્રેમલગ્ન કરી લેતા સાગર ગૂમસૂમ રહેતો હતો અને ગત રાત્રિના ઘરે આવી તેના ભાભી બહાર બેઠા હોય તેને રૂમમાં સુઈ જવાનું કહી રૂમમાં ગયા બાદ પગલું ભરી લીધું હતું.
દાણાપીઠમાં ખાદ્યતેલના કાર્ટૂનની ચોરી
તેલના ભાવમાં વધારો થતા તેલના કાર્ટૂનની ચોરીની ઘટના રાજકોટમાં સામે આવી છે. શહેરના દાણાપીઠ બજારમાં અલંકાર ટી ડીપોમાંથી સવારે 9.30 વાગ્યે એક શખસે તેલનું કાર્ટૂન ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. તેલના કાર્ટૂન સાથે ચોરીની ઘટના કરી શખસ બહાર જતો હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જોકે આ અંગે હજુ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી. પરંતુ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં એક શખસ તેલનું કાર્ટૂન ચોરી જતો હોવાનું સામે આવ્યું છે.
જસદણમાં IPL પર સટ્ટો રમતા બે શખસ ઝડપાયા
રાજકોટ જિલ્લાના જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે શખસ ઓનલાઇન આઈડી મારફત IPL મેચ પર સટ્ટો રમાડતા હોવાની ચોક્કસ બાતમીના આધારે રેડ કરી રાજકોટ રૂરલ LCB દ્વારા પંકજ ધારૈયા અને દિનેશ હિરપરાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપી પાસેથી રોકડ રકમ તેમજ મોબાઈલ ફોન સહિત કુલ 1.55 લાખનો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, પોલીસ તપાસમાં આ બે આરોપી દ્વારા અન્ય 13 જેટલા લોકોને ઓનલાઇન આઈડી આપવામાં આવી હોવાનું ખુલતા તે તમામને પકડી પાડવા તપાસ હાથ ધરી છે.
27 વર્ષીય પરિણીતાને પતિ અપશબ્દો કરી માર મારતો
રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં સાસરિયાના ત્રાસ અંગે બે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જેમાં પ્રથમ ફરિયાદમાં 27 વર્ષીય પરિણીતાએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે લગ્નના બે મહિના બાદ ઘરકામ કરવા જેવી નાની નાની બાબતમાં ઝઘડા કરી ટોર્ચર કરવામાં આવે છે અને પ્રેમલગ્ન કર્યા હોવાથી આ બાબતે મેણાટોણા મારી પતિને ચડામણી કરતા પતિ અપશબ્દો બોલી મારકૂટ કરતો હતો. આથી પતિ તિલક રામાણી, સાસુ રીટાબેન રામાણી, સસરા પ્રવિણભાઇ રામાણી સામે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
22 વર્ષીય પરિણીતાએ પતિ, સાસુ-સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
જ્યારે બીજી ફરિયાદમાં 22 વર્ષીય પરિણીતાએ પતિ અને સાસુ સસરા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે, સાસુ-સસરા ઘરકામ અને રસોઈ બનાવતા નથી આવડતું કહી શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતા. આથી પોલીસે પતિ લાલજી વિઠપરા, સસરા ભુપત વિઠપરા અને સાસુ હંસા વિઠપરા વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પીડીએમ ફાટક પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી યુવાનનો આપઘાત
શહેરના ગોંડલ રોડ પર પીડીએમ ફાટક પાસે ટ્રેન નીચે ઝંપલાવીને એક વ્યક્તિએ આત્મહત્યા કરી છે. પ્રાપ્ત વિગત મુજબ ટ્રેન નીચે આત્મહત્યા કરનારનું નામ વિજયભાઈ દલસાણીયા છે, ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વિજયના પરિવારજનોને જાણ થતા તેઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. હાલ પોલીસે આત્મહત્યાના કારણ અંગે તપાસનો દૌર શરૂ કર્યો છે
જેતપુરના સ્ટેશનવાવડી ગામે પ્રૌઢ કૂવામાં પડતા મોત
જેતપુરના સ્ટેશનવાવડી ગામે રહેતાં સરપંચ અને જેતપુર માર્કેટ યાર્ડના ડાયરેક્ટર શિવલાલભાઈ ભુવા (ઉં.વ.50) ગઈકાલે પોતાની વાડીએ જવાનું કહી ઘરેથી નિકળ્યા હતા. ત્યારબાદ સાંજ સુધી ઘરે નહીં આવતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. વાડીમાં તપાસ કરતાં કૂવામાંથી શિવલાલભાઈ ભુવાનો ખૂંચી ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવની જેતપુર તાલુકા પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી અને મૃતદેહ બહાર કાઢ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં વાડીએ કૂવા કાંઠે જાળી-જાખરા સાફ કરતી વેળાએ પગ લપસી જતાં કૂવામાં પડી જવાથી મોત થયાનું જાણવા મળ્યું છે.
પંચાયત ચોકમાં એડવોકેટના ઘરમાં 2.75 લાખની ચોરી
રાજકોટના એડવોકેટ નિશિથભાઇ જગદીશચંદ્રભાઇ ત્રિવેદીએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે, માતા છાયાબેન ત્રિવેદી પોતાનાથી અલગ પંચાયત ચોક પાસે બોમ્બે હાઉસિંગ બોર્ડ સોસાયટી શેરી નં. 6માં એકલા રહે છે. માતાની તબિયત સારી ન હોવાથી તે પોતાની સાથે છેલ્લા એક મહિનાથી રહે છે. ગત 22 એપ્રિલના રોજ માતાનુ હર્નિયાનું ઓપરેશન કરાવ્યું હોઈ તેની ખબર અંતર પૂછવા માટે પોતાના ઘરે આવ્યા હતા. બાદમાં તેઓ પોતાના મકાનમાં રોકાયા હતા, બપોરે તે મકાનને તાળુ મારી વડોદરા જતા રહ્યા હતા અને એ સમયે પોતાના બોમ્બે હાઉસિંગ સોસાયટીના મકાનમાં રૂમની તીજોરીમાં માતાના જૂના સોના-ચાંદીના દાગીના તથા રોકડ ઘરમાં રાખી હતી.
એડવોકેટે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
આ મકાન 22 એપ્રિલના બપોરથી બંધ હાલતમાં હતું. બાદમાં ગઇકાલે પોતે માતા સાથે ઘરે ગયા ત્યારે ઘરનો દરવાજો બંધ હતો અને અંદર જઇ જોયુ તો ઘરના બારણાનો નકુચો તૂટેલી હાલતમાં હતો અને બેડરૂમમાં લોખંડની તિજોરી તૂટેલી અને સામાન વેરવિખેર જોવા મળતા ચોરી થઇ હોવાની ખબર પડી હતી. પોતે તપાસ કરતા કોઇ અજાણ્યા શખસો ઘરના દરવાજાનું તાળુ તોડી સોના-ચાંદીના દાગીના અને રૂ.20 હજાર રોકડા મળી રૂ.2.75 લાખની મતા ચોરી ગયાની ખબર પડતા પોતે તાકીદે પોલીસ કંટ્રોલમાં જાણ કરતા કંટ્રોલ ઇન્ચાર્જે જાણ કરતા યુનિવર્સિટી પોલીસ મથકના PSI આઇ.ડી.વી. બાલાસરા સહિતના સ્ટાફે સ્થળ પર પહોંચી ફરિયાદ દાખલ કરી હતી. આ અંગે PI વાય.બી. જાડેજાએ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.