રાજકોટના કાલાવડ રોડ પર આવેલા નિરાલી રિસોર્ટમાં પાછળના રૂમમાં અચાનક આગ લાગતા કર્મચારીઓમાં અફરાતફરી મચી ગઇ હતી. જોકે આ ઘટનામાં રિસોર્ટના 8 કર્મચારી ગંભીર રીતે દાઝ્યા છે અને તમામને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ પોલીસ દોડી આવી હતી. આગ લાગવા પાછળનું કારણ પણ અકબંધ છે. આગ લાગી કે કોઇએ લગાડી તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં રૂમનો દરવાજો બહારથી બંધ હતો.
દાઝેલા કર્મચારીઓના નામ
1. હિતેષકુમાર તુલસીરામ લબાના-નાયક (વણઝારા) (ઉં.વ.27)
2. લક્ષ્મણ અંબાલાલ લબાના (ઉં.વ.40)
3. દિપક પ્રકાશભાઇ લબાના (ઉં.વ.19)
4. ચિરાગ અંબાલાલ લબાના-નાયક (ઉં.વ.18)
5. લોકેશ રાજુભાઇ લબાના (ઉં.વ.20)
6. રાજુભાઇ કુરીયાજી લબાના (ઉં.વ.56)
7. શાંતિલાલ બાવરચંદજી લબાના (ઉં.વ.52)
8. દેવીલાલ વિક્રમજી લબાના (ઉં.વ.22)
દાઝેલા કર્મચારીઓ રાજસ્થાનના
નિરાલી રિસોર્ટમાં નોકરી કરનાર કર્મચારીઓ રાતના રૂમમાં સૂતા હતા ત્યારે અચાનક આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. તેમ છતાં પણ 8 કર્મચારી દાઝી જતા તમામને સિવિલ હોસ્પિટલના બન્સ વિભાગમાં ખસેડવામાં આવ્યા છે. દાઝેલા તમામ કર્મચારી રાજસ્થાનના ડુંગરપુરના વતની છે. તેઓ ઘણા સમયથી આ રિસોર્ટમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યાં છે.
આગનું કારણ જાણવા FSLની મદદ લેવાઇ
પોલીસનું પ્રાથમિક તારણ એવું પણ છે કે, નાનકડી ઓરડીમાં શોર્ટ સર્કિટ થવાથી આગ ભભૂકી હોય શકે છે. અંદર કપડા, ગાદલા પણ પડ્યા હતા તેના કારણે આગ વધુ ફેલાઇ ગઇ હશે. અથવા તો ચાર પાંચ મોબાઇલ એક સાથે ચાર્જમાં રાખ્યા હોય તેમાં શોર્ટ સર્કિટ થતાં કે મોબાઇલની બેટરી ફાટવાથી આગ લાગ્યાની પણ શક્યતા નકારી શકાતી નથી. આમ છતાં FSLની મદદ લઇ આગ કંઇ રીતે લાગી તે જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે.
રૂમમાં રહેલો સામાન બળીને ખાખ
રિસોર્ટમાં કામ કરતા અને રિસોર્ટની પાછળના રૂમમાં રહેતા કર્મચારીઓનો સામાન આગમાં ખાખ થઇ ગયો છે. આગ લાગવા પાછળનું કારણ તો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે. સાથી કર્મચારીઓએ દાઝેલા કર્મચારીઓને મહા મુસીબતે રૂમની બહાર કાઢ્યા હતા. બહાર રૂમનો દરવાજો બંધ હોવાથી ધૂમાડાના ગોટાને કારણે 8 કર્મચારીઓને ગુંગળામણ થતા આગની ઝપેટમાં આવી ગયા હતા. રૂમનો દરવાજો બહારથી કોણે બંધ કર્યો તે તપાસનો વિષય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.