રાજકોટ શહેરમાં ગોંડલ બાયપાસ ચોકડી એટલે સૌથી મોટી ટ્રાફિક સમસ્યા. નેશનલ હાઈવે 27 પર બંને તરફથી આવતા વાહનો, ગોંડલ રોડ અને 150 ફૂટ રિંગ રોડ પરથી શાપર ઔદ્યોગિક વિસ્તારોમાં જતા કારખાનેદારો અને કામદારોને કારણે આ ચોકમાં સતત ટ્રાફિક રહે છે.
જેને લઈને 2018માં ગુજરાતનો પહેલો સિંગલ પિયર એટલે કે એક જ થાંભલા પર છ લેન અને તે પણ ત્રણ તરફ ખૂલતો બ્રિજ બનાવવા માટે પાયો ખોદાયો હતો. બે વર્ષમાં બ્રિજ બનવાનો હતો પણ રસ્તો ખોદી નાખ્યા બાદ એજન્સી ભાગી જતા ફરીથી એકડો ઘૂંટાયો હતો અને હવે આશરે પાંચ વર્ષે બ્રિજ બનીને તૈયાર થયો છે જેનું લોકાર્પણ રવિવારે સાંજે 5.30 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરવાના છે. આ બ્રિજ 90 કરોડના ખર્ચે બન્યો છે અને બ્રિજ બનાવનાર એજન્સીએ 10 વર્ષ સુધી તેની સંભાળ રાખવાની છે.
તેથી ત્યાં સુધી કોઇ ખર્ચ તંત્રને પડશે નહીં. આ બ્રિજની લંબાઈ 1.2 કિલોમીટર છે અને માત્ર એક જ થાંભલા પર બન્યો છે જે ગુજરાતનો પહેલો અને દેશનો ત્રીજો બ્રિજ છે. આ ડિઝાઈનને કારણે મટિરિયલની બચત થાય છે તેમજ જગ્યા પણ બચે છે જ્યારે બ્રિજની મજબૂતાઈ પણ વધે છે. પણ તેમાં ઈજનેરી કૌશલ્યની વધુ જરૂર પડે છે. આ કારણે આ બ્રિજ ગુજરાતમાં સૌથી અલગ તરી આવે છે. } તસવીર : પ્રકાશ રાવરાણી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.