કેશોદના ખેડૂત દેવાયતભાઈ રામભાઈ બાલાસરા (ઉં.વ.47) રાજકોટની ખાનગી હોસ્પિટલમાં બ્રેઇનડેડ જાહેર થયા હતા. જો કે પરિવારજનોએ તેમના અંગોનું દાન કરવાની મંજૂરી આપતાં તબીબો દ્વારા તાત્કાલિક તેની સર્જરી કરી હૃદય, બન્ને ફેફસા, બન્ને કિડની, લિવર, બન્ને આંખો સહિતના અંગો ગત રાત્રે એર એમ્બ્યુલન્સ દ્વારા અમદાવાદ પહોંચાડ્યા હતા. હવે દેવાયતભાઈના બીજાના શરીરમાં જીવિત રહેશે.
28 ડિસેમ્બરે દેવાયતભાઈને માથામાં દુખાવો થવાનું શરૂ થયું
દેવાયતભાઈને 28 ડિસેમ્બરના રોજ માથામાં દુખાવો અને તાવ આવ્યો હતો. આથી તેઓએ સામાન્ય સારવાર કરી ફરી પોતાનું કામ કરવા લાગ્યા હતા. બાદમાં તેઓ લથડીને પડી જતા બેભાન થઈ ગયા હતા. સાથોસાથ આંચકી પણ ઉપડી ગઈ હતી. આથી પરિવારજનોએ તાત્કાલિક સારવાર માટે કેશોદની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. અહીં સિટી સ્કેનમાં ખબર પડી કે, દેવાયતભાઈને બ્રેઇન હેમરેજ થઈ ગયું છે. આથી તેઓને વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા. અહીં મગજનો એન્જીયોગ્રાફી કરતા માલૂમ પડ્યું કે, તેમની મગજની ધમનીઓ ફૂલી ગઈ છે.
ઓપરેશન બાદ હાલત બગડી અને બ્રેઇન ડેડ થયું
30 ડિસેમ્બરના રોજ ઓપરેશન કરવામાં આવ્યું પરંતુ આ સઘન સારવાર કરવા છતાં પણ દેવાયતભાઈની હાલત ગંભીર થતી જતી હતી. અંતે દેવાયતભાઈને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. બાદમાં ડોક્ટરોએ દેવાયતભાઈના પરિવારજનોને જાણ કરી અને જણાવ્યું હતું કે, અંગદાન કરી શકાય તેમ છે. જો કે પરિવારજનોએ પણ ડોક્ટરોની સમજણ બાદ અંગદાન કરવાનો નિર્ણય લીધો હતો.
ગત રાત્રે હૃદય અને ફેફસા એર એમ્બ્યુલન્સથી અમદાવાદ પહોંચ્યા
બાદમાં પરિવારજનો અંગદાન માટે સહમત થઈ જતાં તબીબો દ્વારા તાત્કાલિક દેવાયતભાઈની સર્જરી કરીને તેમનું હૃદય, બન્ને ફેફસા, બન્ને કિડની, લિવર, બન્ને આંખો સહિતના અંગો એર એમ્બ્યુલન્સ મારફતે મધરાત્રે અમદાવાદની હોસ્પિટલમાં રવાના કરવામાં આવ્યા હતા. ગણતરીની મિનિટોમાં જ અંગો અમદાવાદ પહોંચી જતાં હવે તે જરૂરિયાતમંદ દર્દીને દાન કરી બે લોકોને નવજીવન આપવામાં આવશે.
દેવાયતભાઈના અંગોથી બે લોકોને નવજીવન મળશે
બીજી બાજુ હાર્ટ અને ફેફસા એવા અંગો છે જેને તાત્કાલિક અન્ય સ્થળે પહોંચાડવા જરૂરી હોવાથી તબીબોએ મૃતકના પરિવારજનોની સહમતિ મળતાની સાથે જ સમયની પરવા કર્યા વગર તાત્કાલિક અંગોને અમદાવાદ મોકલવાની તજવીજ શરૂ કરી દીધી હતી. જાણવા મળ્યા પ્રમાણે મધરાત્રે ત્રણ વાગ્યે રાજકોટ એરપોર્ટ પરથી એર એમ્બ્યુલન્સે અંગો લઈને અમદાવાદ માટે ઉડાન ભરી હતી અને સમયસર ત્યાંની હોસ્પિટલમાં પહોંચાડી દીધા હતા. આમ તબીબોની કુનેહ અને પરિવારજનોની સહમતિને કારણે રાજકોટમાં વધુ એક સફળ અંગદાન થયું છે અને તેના થકી બે લોકોને નવજીવન પ્રાપ્ત થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.