રાજકોટની હોટેલમાં પ્રેમિકાની હત્યા કરી પ્રેમીએ પણ એસિડ પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે 17 દિવસની સારવાર બાદ પ્રેમી જેમિસનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. હાલ એ ડિવિઝન પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટના કરણપરામાં આવેલી નોવા હોટલમાં 17 દિવસ પહેલા પ્રેમિકાની હત્યા કરી પ્રેમીએ એસિડ પી લેતા ચકચાર મચી ગઇ હતી. ઘટનાની જાણ થતા એ ડિવિઝન પોલીસે દોડી જઈ સગીરાના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં સગીરા જામનગરની અને યુવાન કચ્છનો હોવાનું ખૂલ્યું હતું. યુવાને પ્લાસ્ટિકની લોકર પટ્ટીથી ગળેટૂંપો દઇ સગીરાને પતાવી દીધી હતી.
હોટલમાં એસિડ પીને પરિવારને જાણ કરી હતી
જામનગરની સગીરા અને કચ્છનો યુવાન જેમિસ ધનરાજભાઈ દેવાયતા બંને વચ્ચે પ્રેમસંબંધ હોવાનું જાણવા મળ્યું હતું. ઘટના સમયે ACP જી.એસ. ગેડમે જણાવ્યું હતું કે, જેમિસે સગીરાના ગળે પ્લાસ્ટિકની લોકર પટ્ટીથી ગળેટૂંપો આપી હત્યા કરી હતી. જેમિસ અને સગીરા સવારે 9 વાગ્યે નોવા હોટલમાં આવ્યા હતા. આ બંને હોટલના 301 નંબરના રૂમમાં રોકાયાં હતાં. જેમિસે સગીરાની હત્યા અને પોતે એસિડ પીતાં પહેલાં પરિવારને જાણ કરી હતી. સગીરાના પિતાની ફરિયાદ પરથી જેમીસ વિરૂદ્ધ 302 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
જેમિસને ફોન કરતાં કહ્યું, મેં તારી દીકરીને મારી નાખીઃ મૃતકના પિતા
ઘટના સમયે મૃતકના પિતાએ જણાવ્યું હતું કે, સવારથી જ મારી દીકરીનો ફોન બંધ આવતો હતો. સાંજ સુધી ઘરે ન આવતાં અમે ફોન કર્યો હતો. ફોન કરતાં જેમિસે મારી દીકરીની હત્યા કરી નાખી અને હું પણ આપઘાત કરું છું એવું કહ્યું હતું. કરણપરા રોડ પર નોવા હોટલમાં હોવાનું ફોનમાં જણાવ્યું હતું. આ પગલું ભરવાનું કારણ કોઈ સ્પષ્ટ કહ્યું નહોતું.
પ્રેમસંબંધની કોઇ દિવસ અમને જાણ કરી નહોતી
મૃતકના પિતાએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રેમસંબંધ હોય એવી કોઈ દિવસ અમને જાણ કરી નહોતી. ફ્રેન્ડ સર્કલ હોવાની ચર્ચા થઈ, પણ આવી કોઈ વાત અમારા ધ્યાનમાં આવી નથી. અમારી માગ છે કે અમારી દીકરીની હત્યા કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે. મારી દીકરી ભણવા જતી ત્યારે બપોરે રિસેસ પડે તો પણ મને ફોન કરતી અને કહેતી પપ્પા રિસેસ પડી છે.
સગીરાએ માતાને ફોન કરી મદદ માગી હતી
જેમિસને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો હતો. સગીરાએ પણ પોતાની માતાને ફોન કરી મદદ માગી હતી, પરંતુ માતા-પિતા જામનગરથી રાજકોટ પહોંચે એ પહેલાં જેમિસે તેની હત્યા કરી નાખી હતી. હોટલના બાથરૂમમાં લોહીનાં નિશાન અને એક જીન્સનું પેન્ટ મળી આવ્યું હતું.
હોટલમાં ઘૂસવા માટે સગીરાના આધારકાર્ડમાં છેડછાડ કરાઇ
હોટલમાં ઘૂસવા માટે જેમિસે સગીરાના આધારકાર્ડમાં છેડછાડ કર્યાનું પણ સામે આવ્યું હતું. સગીરાના ઓરિજનલ આધારકાર્ડમાં જન્મ 2005ના વર્ષમાં બતાવે છે, જ્યારે હોટલને ઝેરોક્સની નકલ આપી તેમાં જન્મનું વર્ષ 2003 બતાવે છે. હોટલમાં આપેલી ઝેરોક્સ નકલ પ્રમાણે સગીરાની ઉંમર 19 વર્ષ અને ઓરિજનલ આધારકાર્ડમાં ઉંમર 17 વર્ષ થાય છે, આથી સગીરાને હોટલમાં લાવવા માટે જેમિસે આધારકાર્ડની ઝેરોક્સમાં છેડછાડ કરાવી હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલે પોલીસે આધારકાર્ડમાં છેડછાડ ક્યાંથી થઈ અને કોણે કરી એ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.