રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ હિરાસર ગામની સીમમાં બની રહ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી સુરેન્દ્રનગરના પ્રવાસે હતા એ દરમિયાન તેઓએ એરપોર્ટની મુલાકાત લેવાનું પણ નક્કી કર્યું હતું જેથી વહીવટી તંત્ર, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા તેમજ તમામ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.
મુખ્યમંત્રીએ સાઈટ પર જઈને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના જનરલ મેનેજર લોકનાથ પાધે પાસેથી એરપોર્ટનું કામ ક્યાં પહોંચ્યું તેની સ્થિતિ જાણી હતી અને ભવિષ્યનું આયોજન અંગેની ડિઝાઈન જણાવી હતી. મુખ્યમંત્રીએ એરપોર્ટમાં રન વે, બ્રિજ, રસ્તા, રનવે, બોક્સ કલવર્ટ સહિતની કામગીરીનું જાતે નિરીક્ષણ કર્યું હતું. એરપોર્ટની કામગીરી માટે સ્થળ પર બનાવાયેલી વહીવટી ઓફિસમાં તમામ વિભાગો સાથે સમીક્ષા બેઠક કરી હતી અને ત્યાં જિલ્લા કલેક્ટરે એરપોર્ટ અંગે પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું.
એરપોર્ટમાં રનવેનું કામ પૂર્ણ થઈ ગયું છે પણ રનવેના છેડે જ નદી આવેલી છે અને જો નદી બંધ કરવામાં આવે તો ભવિષ્યમાં રનવે પર પાણી આવી શકે છે તેથી કુદરતી પ્રવાહમાં વિક્ષેપ ન પડે તે માટે નદી ઉપર બોક્સ કલ્વર્ટ એટલે કે એક પ્રકારનો પૂલ બનાવાશે અને તેના પરથી ફ્લાઇટ ટેક ઓફ કરશે. જો કે આ કલ્વર્ટનું કામ રનવેની બાકીની કામગીરી પૂરી થઈ ગયાના છ મહિના બાદ પણ પૂર્ણ થયું નથી જેને લઈને મુખ્યમંત્રીએ રનવેનું કામ ઝડપથી પૂરું કરવા માટે સૂચના આપી હતી અને તે કામમાં કોઇ અડચણ આવતી હોય કે પછી અટકતું હોય તો તે પણ જણાવવા માટે જનરલ મેનેજર લોકનાથ પાધેને કહ્યું હતું.
એરપોર્ટમાં ટર્મિનલ બિલ્ડિંગનું કામ ચાલુ છે પણ તે બનવામાં સમય લાગશે તેથી એક માળખું ઊભું કરીને તેનો ટર્મિનલ તરીકે ઉપયોગ કરાશે. આ કારણે ટર્મિનલનું કામ થતું હશે ત્યારે જ એરપોર્ટ કાર્યરત થઈ જશે. આ ઉપરાંત એર ટ્રાફિક કન્ટ્રોલ ટાવર, ફાયર સ્ટેશન તેમજ સબ સ્ટેશન સહિતની કામગીરી પણ કઈ સ્થિતિએ છે તેની પણ ઝીણવટભરી વિગતો મેળવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.