મર્ડર:રાજકોટમાં બૂટલેગરની ક્રૂરતાથી હત્યા કરી લાશ બોક્સમાં પેક કરી બ્રિજ પાસે ફેંકી દીધી: સ્ત્રીપાત્ર કારણભૂત હોવાની શંકા

રાજકોટએક વર્ષ પહેલા
સંજય સોલંકીની પુત્ર સાથેની ફાઈલ તસવીર.
  • ગોંડલ રોડ ચોકડી નજીકના રિદ્ધિ-સિદ્ધિ નાલા પાસેથી લાશ પેક કરેલું બોક્સ મળ્યું
  • છરીના સાતથી વધુ ઘા ઝીંકી બોથડ પદાર્થ મારી પતાવી દઈ લાશનો નિકાલ કરી નાખ્યો

શહેરની ભાગોળે ગોંડલ રોડ ચોકડી પાસેના રિદ્ધિ-સિદ્ધિ નાલા પાસેથી લોહીના ડાઘવાળું પિન મારી પેક કરેલું એક મોટું બોક્સ મળી આવ્યું હતું. આ બોકસ ખોલતાં જ અંદરથી છરીના ઘા ઝીંકાયેલી યુવકની લાશ મળી આવતાં પોલીસ ચોંકી ઊઠી હતી. યુવકને સાતથી વધુ છરીના ઘા ઝીંકવામાં આવ્યા હતા. પોલીસે તપાસ કરતાં મૃતક ગોકુલધામ વિસ્તારનો બૂટલેગર સંજય રાજુ સોલંકી (ઉં.વ.37) હોવાનું ખૂલ્યું હતું. બૂટલેગરને ક્રૂરતાથી ઠંડા કલેજે રહેંસી નાખી લાશને ગિફ્ટ બોક્સમાં પેક કરવામાં આવે એ રીતે પેક કરવામાં આવી હતી. હત્યા પાછળ સ્ત્રીપાત્ર કારણભૂત હોવાની શંકાએ પોલીસે તપાસ શરૂ કરી હતી.

આજી ડેમ પોલીસચોકીના પી.આઈ. વી.જે. ચાવડાએ જણાવ્યું હતું કે રિદ્ધિ-સિદ્ધિ નાલા પાસે લોહીના ડાઘવાળું શંકાસ્પદ બોક્સ હોવાનું કોઈ જાગ્રત નાગરિકે જાણ કરી હતી, અમે સ્થળ પર પહોંચીને બોકસ ખોલ્યું તો અંદરથી પ્લાસ્ટિકના કોથળાથી વીંટાળેલી લાશ મળી હતી. સંજય સોલંકીને છરીના તેમજ બોથડ પદાર્થના ઘા ઝીંકી પતાવી દેવામાં આવ્યો હતો. મૃતકના જમણા હાથમાં ચાંદીની લક્કી અને એક બાળકનું ટેટૂં બનાવાયેલું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર દોડી ગયા હતા. સંજયના એક વર્ષ પહેલાં જ છૂટાછેડા થઈ ગયા હોવાનું પોલીસસૂત્રોએ જણાવ્યું હતું.

બૂટલેગર સંજય સોલંકીની હત્યા કરી લાશ બોક્સમાં પેક કરી.
બૂટલેગર સંજય સોલંકીની હત્યા કરી લાશ બોક્સમાં પેક કરી.

લોહીના ડાઘ બોકસ પર દેખાતાં મને શંકા ઊપજી
દેવાનંદભાઈ નામની વ્યક્તિએ ભાસ્કરને જણાવ્યું હતું કે તેમના મિત્ર કૃણાલે તેમના મોબાઈલમાંથી પોલીસને શંકાસ્પદ બોક્સ અંગે જાણ કરી હતી. કૃણાલ ત્યાંથી પસાર થતો હતો ત્યારે રસ્તાની બાજુમાં એક મોટું બોકસ તેની નજરે ચડ્યું હતું. બોકસ પર લોહીના ડાઘ દેખાતાં તે નજીક પહોંચ્યો હતો અને તે બોક્સ શંકાસ્પદ લાગતાં પોલીસને જાણ કરતાં હત્યાની ઘટના પ્રકાશમાં આવી હતી.

ક્રૂરતાથી હત્યા કરી ઠંડા કલેજે પુરાવાનો નાશ કર્યો
સંજય સોલંકીની હત્યા કોઈ અન્ય સ્થળે કરી લાશ પૂલ પાસે ફેંકવામાં આવી હતી. પોલીસસૂત્રોએ જણાવ્યું હતું કે સંજયને છરી અને બોથડ પદાર્થના એટલા ઘા ઝીંકાયા છે કે હત્યારાઓ તેના પર તૂટી પડ્યાનું સ્પષ્ટ છે તેમજ હત્યા કર્યા બાદ હત્યારાઓ લાશ નિરાંતે બોક્સમાં પેક કરી હતી અને એને કયાં ફેંકવું એેનો પ્લાન ઘડ્યો હતો. હત્યારાઓ ગુનાહિત કુંડળી ધરાવતા હોવાની પણ આશંકા પોલીસે વ્યકત કરી હતી.