રંગોના તહેવાર માટે રંગીલુ રાજકોટ તૈયાર:બજારમાં ઓર્ગેનિક કલર તેમજ પિચકારીઓનું ધૂમ વેંચાણ, ભાવમાં 20% વધારો,પતાસા-ધાણીની ડિમાન્ડ વધી

રાજકોટ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઓર્ગેનિક કલરની વધુ માંગ

હોળી-ધુળેટીનાં તહેવારો નજીક આવી રહ્યો છે. ત્યારે આ તહેવારોની ઉત્સાહભેર ઉજવણી કરવા માટે અત્યારથી જ લોકોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. શહેરમાં સદર બજાર સહીત છૂટક અલગ અલગ વિસ્તારોમાં કલર તેમજ પિચકારી ઉપરાંત ધાણી અને દાળિયાની ઘરાકી જામી છે. ગતવર્ષની તુલનાએ તમામ વસ્તુના ભાવમાં 15 ટકા જેટલો વધારો થયો હોવા છતાં આ તહેવારોની ખરીદી કરવા લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. આગામી દિવસોમાં તહેવારો નજીક આવતા ઘરાકીમાં વધારો થવા શક્યતા વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.

રંગરસિયાઓએ અત્યારથી જ તૈયારી શરૂ કરી
રંગરસિયાઓએ અત્યારથી જ તૈયારી શરૂ કરી

ઈરાની ખજૂરની માંગમાં વધારો
હર્ષિત મહેતા નામના ધાણી-દાળિયાના વેપારીએ જણાવ્યું હતું કે, હાલ હોળીના તહેવારને લઈ લોકો ખરીદી માટે ઉમટી રહ્યા છે. ચાલુ વર્ષે દાળિયામાં પણ સાદા, મસાલા, હળદરવાળા સહિતની વેરાયટીઓ લોકો પસંદ કરી રહ્યા છે. જ્યારે પતાસા અને ધાણીની પણ ખાસ ડિમાન્ડ જોવા મળી રહી છે. ભાવમાં 5-10 ટકાનો વધારો હોવા છતાં લોકો ઉત્સાહભેર ખરીદી કરી રહ્યા છે.

પિચકારીની ઘરાકી જામી
પિચકારીની ઘરાકી જામી

જાયબી ખજૂરને લોકોને પસંદ
દાણાપીઠ ખાતેથી ગોળ-ખજૂરના વેપારી અલી હુસેન કહે છે કે, હોળીને લઈને ખજૂરની ખૂબ સારી માંગ જોવા મળી રહી છે. જેમાં જાયબી ખજૂરને લોકો ખાસ પસંદ કરી રહ્યા છે. આ સિવાય પણ ઈરાની, કાળો ખજૂર સહિતના ખજૂરની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે. ભાવમાં ગતવર્ષની તુલનાએ 10 રૂપિયાનો વધારો થયાનું પણ તેમણે કહ્યું હતું.

ખજૂરની ખૂબ સારી માંગ
ખજૂરની ખૂબ સારી માંગ

તહેવારોમાં લોકોમાં ઉત્સાહ
આ ઉપરાંત સદર બજારમાં સીઝન સ્ટોર ધરાવતા કલર અને પિચકારીના વેપારી રાજુભાઇએ જણાવ્યું હતું કે, કોરોનામાં લોકોએ તહેવાર માણ્યા નહોતા. જેને લઈને છેલ્લા બે વર્ષથી તમામ તહેવારોમાં લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જે અંતર્ગત હાલ હોળીના તહેવારને લઈને પણ લોકોમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે.

લોકોમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે: વેપારી
લોકોમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે: વેપારી

માલની તંગી ઉભી થઇ ગઈ છે
​​​​​​જેને કારણે જ હોલસેલ પિચકારીમાં હાલ માલની તંગી ઉભી થઇ ગઈ છે. ગતવર્ષની તુલનાએ હાલ ભાવમાં અંદાજે 20 ટકાનો વધારો થયો છે. છતાં લોકો ઉત્સાહભેર ખરીદી કરી રહ્યા છે. બાળકોમાં છોટાભીમ સહિતના કાર્ટુનની પિચકારી ફેવરિટ છે. તો મોટેરાઓ ઓર્ગેનિક કલરની ખરીદી કરી હોળીનો તહેવાર ઉજવવાની તૈયારીઓ કરી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.

તમામ વસ્તુના ભાવમાં વધારો થયો
તમામ વસ્તુના ભાવમાં વધારો થયો

સાંજ પડ્યે લોકોની ભારે ભીડ
ઉલ્લેખનીય છે કે, રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં હોળી અને ધુળેટીના તહેવારની ઉત્સાહભેર ઉજવણી થતી હોય છે. અગાઉ કોરોનાનાં કારણે તહેવારો ઉજવી શકાયા નહોતા. પરંતુ છેલ્લા એકાદ વર્ષથી દેશભરમાં તમામ તહેવારોની ભારે ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે. ત્યારે હોળી-ધુળેટીની ઉજવણીમાં કોઈ કચાશ ન રહે તે માટે રંગરસિયાઓએ અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે. અને ખાસ તો ઓર્ગેનિક કલર તેમજ પિચકારીઓનું ધૂમ વેંચાણ થઈ રહ્યું છે. આ ઉપરાંત ધાણી-દાળિયા-પતાસા સહિતની વસ્તુઓ લેવા માટે બજારોમાં સાંજ પડ્યે લોકોની ભારે ભીડ જામી રહી છે.

અન્ય સમાચારો પણ છે...