રાજકોટ લોધિકા સંઘમાં પ્રતિનિધિ તરીકે મહેશ આસોદરિયાની તાજેતરમાં નિમણૂક કરવામાં આવી હતી. પરંતુ 11 એપ્રિલના રોજ IPL મેચ પર સટ્ટો રમાડતા બૂકી તરીકે તેનું નામ ખુલતા રાજકોટના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. જોકે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મહેશ આસોદરિયાની ધરપકડ કરવામાં આવી છે. બીજી તરફ જયેશ રાદડિયા દ્વારા મહેશ આસોદરિયાની રાજકોટ-લોધિકા સંઘમાં પ્રતિનિધિ પદેથી હકાલપટ્ટી કરવામાં આવી છે. જયેશ રાદડિયા રાજકોટ જિલ્લા બેંકના ચેરમેન છે અને તેઓના કહેવાથી જ મહેશ આસોદરિયાની નિયુક્તિ કરવામાં આવી હતી. પરંતુ સટ્ટામાં બૂકી તરીકે નામ ખુલતા તેના પાસેથી જયેશ રાદડિયાએ રાજીનામું લઇ લીધું છે.
પ્રદેશ પ્રમુખની સ્પષ્ટ સુચના રાજીનામું લઇ લ્યો
આ અંગે રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરિયાએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે કોઇ પણ આવી પ્રવૃત્તિ સાથે જોડાયેલ હોઇ તો પાર્ટીનો નિયમ છે કે તેને પાર્ટીની જવાબદારીમાંથી મુક્ત કરી દેવામાં આવે. તાજેતરમાં જ મહેશ આસોદરિયાને જિલ્લા બેંક દ્વારા રાજકોટ લોધિકા સંઘની અંદર પ્રતિનિધિ તરીકે મૂકવામાં આવ્યા હતા. જેની અંદર ભાજપની પણ ભૂમિકા હતી. પરંતુ ક્રિકેટ સટ્ટા સાથે જોડાયેલ મહેશ આસોદરિયાનું નામ ખુલતા અને તેની સામે FIR થતા અમે પ્રદેશ પ્રમુખ સાથે ચર્ચા-વિચારણા કરી હતી અને તેમનું માર્ગદર્શન માગ્યું હતું. જેમાં પ્રદેશ પ્રમુખે સ્પષ્ટ સુચના આપી કે, તેમનું રાજીનામું લઇ લ્યો, એટલે આજે તેમનું રાજીનામું લઇ લેવામાં આવ્યું છે..
ગેરપ્રવૃત્તિ કરનાર કાર્યકરો સામે ચોક્કસ પગલા લઇશું
મનસુખ ખાચરિયાએ વધુમાં જણાવ્યું હતું કે, ક્રિકેટ સટ્ટામાં ઝડપાયેલા પ્રતિકનો રાજકોટ માર્કેટ યાર્ડની અંદર ગેટ પાસમાં કોન્ટ્રાક્ટ છે, પરંતુ તે પાર્ટીનો કાર્યકર્તા નથી એટલે અમારે તેની સામે કાર્યવાહી કરવાની થતી નથી. પરંતુ પાર્ટીનો કાર્યકર્તા હોય, હોદ્દો ધરાવતો હોય અને આવી ગેરપ્રવૃત્તિ કરતો હશે તો અમે ચોક્કસ પગલા લઇશું. મારી દૃષ્ટિએ આ પ્રકારના સટ્ટાનું કામ કરનાર વ્યક્તિ હોય અથવા અમાસાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલો હોય તો તેને આવી કોઈ કામગીરી સોંપવી ન જોઈએ.
શું છે સમગ્ર મામલો
બે દિવસ પહેલા રાજકોટના વિરાણી અઘાટ વિસ્તારમાં દરોડો પાડી ક્રાઇમ બ્રાંચની ટીમે IPL મેચ પર સટ્ટો રમતા બે શખસને દબોચી લીધા હતા. તપાસમાં રાજકોટના બે અને મુંબઇના એક બુકીનું નામ ખુલ્યું છે. હાલ IPL મેચોની સીઝન ચાલી રહી છે ત્યારે ક્રિકેટ પર સટ્ટો રમતા શખસો પર તવાઇ બોલાવવા રાજકોટના ઇન્ચાર્જ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, DCP ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ, ACP ક્રાઇમ ડી.વી. બસીયાએ સૂચના આપી હોય ક્રાઇમ બ્રાંચના PI જે.વી.ધોળાના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી.
બે શખસો મોબાઇલમાં ઓનલાઇન ID પર સટ્ટો રમતા
પેટ્રોલિંગ દરમિયાન ASI બલભદ્રસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ ઝાલા, કોન્સ્ટેબલ ચેતનસિંહ ગોહિલને IPL મેચ પર સટ્ટો રમતા શખસોની બાતમી મળી હતી. આથી ટીમ વિરાણી અઘાટ વિસ્તારમાં પ્લોટ નં.23, બાલાજી એન્ટરપ્રાઇઝ નામના કારખાનાવાળી શેરીમાં દરોડો પાડવા પહોંચી હતી. દરોડા દરમિયાન શેરીના ખુણા પાસે ઓનલાઇન ID વડે રાજસ્થાન અને લખનઉ વચ્ચે રમાતા IPL મેચ પર સટ્ટો રમતા વેપારી પ્રતિક દિનેશ ટોપીયા અને ચાંદીનું મજૂરી કામ કરતા હાર્દિક જીતેન્દ્ર તારપરાની ધરપકડ કરવામાં આવી હતી.
બંને આરોપીએ ત્રણ બૂકીના નામ આપ્યા
બંને આરોપી પાસેથી પોલીસ 85 હજારની કિંમતના 3 ફોન કબ્જે કરી પૂછપરછ હાથ ધરી હતી. પોલીસ પૂછપરછમાં બંને આરોપીઓએ બૂકી તરીકે રાજકોટના મહેશ આસોદરીયા, અજય નટવરલાલ પીઠીયા અને મૂળ રાજકોટ પણ હાલ મુંબઇ રહેતા હિમાંશુ પટેલનું નામ આપ્યું હતું. આથી આ ત્રણેયને પકડવા ક્રાઇમ બ્રાંચે શોધખોળ હાથ ધરી હતી. જેમાં મહેશ આસોદરિયાને પકડવામાં પોલીસ સફળ થઇ છે.
મહેશ આસોદરિયાની પ્રતિનિધિ તરીકે નિમણૂકનો આ છે સમગ્ર મામલો
જયેશ રાદડિયાએ રાજકોટ લોધિકા સંઘમાંથી બેંકના પ્રતિનિધિ તરીકે હરીફ જૂથના વિજય સખિયાને દૂર કર્યા હતા. બાદમાં જયેશ રાદડિયાએ બેંકના પ્રતિનિધિ તરીકે મહેશ આસોદરિયાની દરખાસ્ત કરી હતી. જેની બેઠક 23 માર્ચે યોજાઈ હતી અને મહેશ આસોદરિયાની જિલ્લા બેંકના પ્રતિનિધિ તરીકે નિમણૂક કરી હતી. મહેશ આસોદરિયાને પ્રતિનિધિ બનાવવા પ્રદેશ ભાજપના આદેશ બાદ રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા વ્હિપ આપવામાં આવ્યો હતો. જયેશ રાદડિયા જૂથના મહેશ આસોદરિયા તરફી ઝુકાવ રાખવા વ્હીપ આપવામાં આવ્યો હતો અને જયેશ રાદડિયાની દરખાસ્તને પ્રદેશે ગંભીરતાથી લીધી હતી. જોકે હરીફ જૂથના નીતિન ઢાંકેચા અને હરદેવસિંહ જાડેજાએ મહેશ આસોદરિયાને પાડાસણ સહકારી મંડળીમાં દૂર કર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.