કોઈ એક ગામ હોય તો ત્યાં અલગ અલગ અટકના તથા અલગ અલગ જ્ઞાતિના લોકો વસવાટ કરતા હોય છે, પરંતુ વાંકાનેર તાલુકામાં એક એવું અનોખું ગામ આવેલું છે કે આ ગામમાં વસવાટ કરતા તમામ લોકોની અટક એક જ છે. વાત સાંભળીને વિશ્વાસ ન આવે પરંતુ આ સત્ય છે. આ કરતા પણ વધુ આશ્ચર્યની વાત એ છે કે અંદાજિત 700 જેટલા લોકોના આ ગામમાં કોઈ ગ્રામપંચાયત પણ નહિ અને ક્યારેય પોલીસ ફરિયાદ પણ નોંધાઈ નથી. વાંકાનેરથી 15 કિલોમીટર દૂર આવેલા બોકડથંભા ગામની એવી વિશેષતા છે કે, આ ગામમાં માત્ર ચુંવાળિયા કોળીના સરાવાડિયા અટક ધરાવતા લોકો જ રહે છે.
બોકડથંભા ગામમાં પચીસ કે પચાસ નહિ પરંતુ 700 લોકો રહે છે. ગામના મોટાભાગના ઘરો નળિયાવાળા જૂનવાણી છે. સાથે સાથે આંશિક મકાનો જ આધુનિક છતવાળા આવેલા છે. ગ્રામ્ય લોકોનું જીવન ખૂબ જ સીધું અને સાદું છે. ગામના લોકો જે જમીન પર ખેતી કરે છે, તે વાંકાનેરના કોઇ રાજપૂત પરિવારની જમીન હોવાની વાત છે.
આઝાદી બાદ લેન્ડ સીલિંગ એક્ટ અંતર્ગત આ જમીન ગ્રામજનોમાં વહેંચી દેવામાં આવી હતી. ગામમાં પરિવાર જેમ-જેમ વધતા ગયા તેમ-તેમ ખેતીની જમીન પણ ઘટતી ગઇ. કોઇ પણ વિવાદનો ઉકેલ પરસ્પર સંમતિથી કરવામાં આવે છે. અત્યાર સુધી આ ગામમાં કોઈ પોલીસ ફરિયાદ થઇ નથી. ગામમાં ગ્રામપંચાયત નથી, જેથી બોકડથંભાથી દોઢ કિમી દૂર આવેલા લુણસરિયા ગામમાં જવું પડે છે.
ગામમાં ચુંવાળિયા કોળીના પાંચ ભાઈનો જ પરિવાર છે
ગ્રામજનોના કહેવા મુજબ રાજાશાહીમાં તેમના વડવાઓ થાનગઢના રહેવાસી હતા અને ત્યાંથી તેઓ પાજ ગામે વસવાટ કરી ખેતીવાડી કરતાં હતા. ત્યારબાદ તેઓ ત્યાંથી રાતાભેર ગયેલા પરંતુ ત્યાં તેઓને માફક નહીં આવતાં ફરી થાન રવાના થયા હતા, પરંતુ રસ્તામાં લુણસરિયાના દરબાર સમાજના લોકોએ રહેવા માટે જગ્યા આપી અને આજીવિકા માટે તેમના ખેતરોમાં ખેતીવાડી કરતા કરતા ત્યાં જ રહી ગામ વસાવ્યું હતું. આ ગામમાં ચુંવાળિયા કોળીના પાંચ ભાઈઓ નારણબાપા, સવાબાપા, હરિબાપા, મઘાબાપા અને ઉકાબાપાનો પરિવાર વસે છે. ગ્રામજનો મુખ્યત્વે ખેતી તેમજ છૂટક મજૂરી કરી પરિવારનું ભરણપોષણ કરી રહ્યા છે.
ઘનશ્યામદાસે ત્યાં રામમઢી આશ્રમ બનાવ્યો હતો
ગામમાં અન્ય કોઈ વ્યક્તિનું ન રહેવું એ બાબત અંધશ્રદ્ધા કે વિશેષતા શું છે એ કહેવું મુશ્કેલ છે, પરંતુ આ ગામમાં આ પાંચ ભાઈઓના વંશજ સિવાય અન્ય કોઈ રહી શકતું નથી. બોકડથંભા ગામની પાછળના ભાગે પહેલાં એવું કહેવામાં આવતું કે તે મેલી જગ્યા છે માટે ગ્રામજનો ત્યાં જતાં નહીં, પરંતુ ગામના જ ઘનશ્યામદાસ (ઘોઘા ભગત)એ ત્યાં રામમઢી આશ્રમ બનાવ્યો હતો. આશ્રમમાં દરેક દેવી દેવતાઓનું પૂજન-અર્ચન કરવામાં આવે છે. ઘોઘા ભગત દ્વારા આ આશ્રમ બનાવ્યા બાદ ગ્રામજનો ત્યાં પૂજન અર્ચન કરવા જાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.