ચોંકી ઊઠશો:રાજકોટમાં બોગસ ડોક્ટર એક્સપાયર દવાઓ, ચ્યવનપ્રાશ, સીરપ ડ્રમમાં મિક્સ કરી ઇમ્યુનિટી બૂસ્ટર બનાવી વેચતો, લાખોનો જથ્થો જપ્ત, દરોડા યથાવત્

રાજકોટ5 મહિનો પહેલા
  • એક્સપાયરી ડેટવાળી દવાના સ્ટિકર બદલાવી નવી ડેટ નાખી દવા વેચતો

ગઈકાલે રાજકોટની શ્રમજીવી સોસાયટીમાં SOG પોલીસ દ્વારા ડુપ્લિકેટ તબીબ પરેશ પટેલના ક્લિનિક અને તેના ગોડાઉનમાં દરોડા કરવામાં આવ્યા હતા. અહીંથી શંકાસ્પદ દવાનો જથ્થો મળી આવ્યો હતો. દરોડા સતત બીજા દિવસે પણ ચાલુ રાખ્યા હતા. તેની અન્ય જગ્યા પર દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પોલીસ પૂછપરછમાં પરેશ પટેલે કબૂલ્યું હતું કે તે અલગ અલગ જગ્યાએથી એક્સપાયર થયેલા સીરપ કે જે કફ, કિડની તેમજ અન્ય વિટામિનની દવાઓ લઈ આવતો હતો. સીરપને ડ્રમમાં નાખી એમાં ચૂર્ણ તેમજ ચ્યવનપ્રાશ નાખીને આયુર્વેદિક દવાનું લેબલ લગાવીને ઇમ્યુનિટી બૂસ્ટર, મધુમેહનાશક જેવા નામથી વેચતો હતો. આવી દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

બીજી 3 દુકાન પર પણ દરોડા
આ ઉપરાંત તેની બીજી 3 દુકાન હોવાની પણ કબૂલાત આપતાં ત્યાં પણ સ્ટાફ પહોંચ્યો હતો. આ દરમિયાન ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના આસિસ્ટન્ટ કમિશનર ડ્રગ્સ એસ.એસ. વ્યાસને જાણ કરાતાં તેઓ પણ સ્ટાફ સાથે પહોંચી ગયા હતા અને દવાઓના નમૂના લઈને તપાસાર્થે લેબમાં મોકલ્યા છે. આ ઉપરાંત દવાઓ વેચવા માટે તેની પાસે લાઇસન્સ છે કે નહિ તેમજ એ પણ બનાવટી છે કે કેમ એ અંગે પણ વિભાગ તપાસ કરશે. હાલ એ ગોડાઉનમાંથી એક કરોડથી વધુની કિંમતનો દવાનો જથ્થો જપ્ત કરાયો છે. બે દિવસ સુધી દવાના શોર્ટિંગની કામગીરી થશે.

એક્સપાયર દવામાંથી બનાવેલી દવા.
એક્સપાયર દવામાંથી બનાવેલી દવા.

બોગસ ડોક્ટરે હજુ સુધી કોઈ પુરાવા પોલીસ સમક્ષ રજૂ કર્યા નથી
રાજકોટ શહેરના શ્રમજીવી સોસાયટીમાં SOG પોલીસે બોગસ ડોક્ટર પરેશ પટેલના પટેલ ક્લિનિકમાં કિડનીની દવાના નામે લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં થતાં હોવાની બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. પોલીસે ફૂડ એન્ડ ડ્ર્ગ્સ વિભાગને જાણ કરી સાથે રાખી કાર્યવાહી હાથ ધરી છે. ગઈકાલથી ચાલતા આ દરોડા સતત બીજા દિવસે ચાલુ છે. દરમિયાન પોલીસે શંકાસ્પદ દવાનો જથ્થો કબજે કરી સેમ્પલ મેળવવા તજવીજ હાથ ધરી છે તેમજ પરેશ પટેલની પૂછપરછ કરી દવાના લાઇસન્સની માગ કરવામાં આવી રહી છે. જોકે હજુ સુધી કોઈ પુરાવા પોલીસ સમક્ષ રજૂ કરવામાં આવ્યા નથી.

બોગસ ડોક્ટર પરેશ પટેલ લોકોનાં આરોગ્ય સાથે ચેડાં કરતો પકડાયો (ફાઇલ તસવીર).
બોગસ ડોક્ટર પરેશ પટેલ લોકોનાં આરોગ્ય સાથે ચેડાં કરતો પકડાયો (ફાઇલ તસવીર).

કિડનીના રોગ માટેની દવા ઉપરાંત અન્ય દવા જથ્થો મળ્યો
ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટના અધિકારી એસ.એસ.વ્યાસે જણાવ્યું હતું કે એક્સપાયરી ડેટવાળી દવાના સ્ટિકર બદલાવી નવી ડેટ નાખી દવા વેચતા હોવાની માહિતી સામે આવી રહી છે. કિડનીના રોગ માટેની દવા ઉપરાંત અન્ય દવા જથ્થો પણ ઉપલબ્ધ છે, જેના સેમ્પલ મેળવી પરીક્ષણ અર્થે મોકલી કાર્યવાહી કરવામાં આવશે.

એક્સપાયર થયેલી કફની સીરપનો ઉપયોગ કરતો.
એક્સપાયર થયેલી કફની સીરપનો ઉપયોગ કરતો.

ઇપીસી કલમ 41(ડી) મુજબ ગુનો નોંધી કાર્યવાહી શરૂ
હાલ પોલીસે પટેલ ક્લિનિકના માલિક પરેશ પટેલ સામે ઇપીસી કલમ 41(ડી) મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ગઇકાલે બપોરથી શરૂ થયેલા દરોડાની કામગીરી આજે બીજા દિવસે પણ ચાલુ છે અને પરેશ પટેલની અન્ય જગ્યા પર દરોડો કરી ત્યાં પણ દવાનો જથ્થો ચકાસવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ દરોડા દરમિયાન મોટી માત્રામાં દવાનો જથ્થો મળી આવ્યો છે, જેને પરીક્ષણ માટે મોકલી આ સાથે દવાની કંપની ખાતે ક્રોસ વેરિફિકેશન કરવામાં આવશે, જેમાં ખોટું થતું હોવાનું માલૂમ થશે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

પોલીસે 1 કરોડની દવા જપ્ત કરી.
પોલીસે 1 કરોડની દવા જપ્ત કરી.

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અંધારામાં રહ્યો
આ મામલે કોંગ્રેસના નેતા ડો. હેમાંગ વસાવડાએ જણાવ્યું હતું કે પોલીસને જાણ થઈ તો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ શું કરતો હતો એ મોટો સવાલ છે. આખા ગુજરાતમાં આ પ્રકારે 4 ચોપડી ભણેલા લોકો આયુર્વેદના નામે લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં બાપુ અને ભૂવાઓ કેન્સર, કિડનીમાં ડાયાલિસિસ વગર સારવાર જેવી સારવારો કરી રહ્યા છે. સરકારનો આરોગ્ય વિભાગ આવા લોકો સામે આયુર્વેદના કાયદા મુજબ તપાસ કરી કાર્યવાહી કરે. ઉપરાંત આરોગ્ય વિભાગના કાયદામાં સુધારો પણ કરવો જરૂરી છે એ અંગે નિર્ણય લેવા માગ ઊભી થઈ છે.