પ્રજાના આરોગ્ય સાથે ચેડાં:આટકોટના બળધોઇ ગામે ડિગ્રી વિના દવાખાનું ચલાવતો બોગસ તબીબ ઝડપાયો, રૂ.30,861નો મુદ્દામાલ જપ્ત

રાજકોટ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરોપી રાજદીપ જેશીંગભાઇ ડાંગર - Divya Bhaskar
આરોપી રાજદીપ જેશીંગભાઇ ડાંગર

સામાન્ય રીતે ડોક્ટરને દર્દીઓ ભગવાનનું સ્વરૂપ આપવામાં આવે છે પરંતુ કેટલાક લેભાગુ તત્વો રૂપિયાની લાલચમાં દર્દીના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય છે. ત્યારે રાજકોટ જિલ્લાના બળધોઇ ગામે SOG પોલીસ દ્વારા બોગસ તબીબના ક્લિનિક પર દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાં પોલીસે દવા, ઇન્જેક્શન સહિતની મેડિકલ સામગ્રી સાથે તેની ધરપકડ કરી હતી. આરોપી મૂળ ગોંડલનો હોવાનો અને કોઈ પણ તબીબી અભ્યાસ વગર દર્દીઓનો ઈલાજ કરતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

ડિગ્રી વિના દવાખાનું ચલાવે છે
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ જિલ્લાના આટકોટ તાલુકામાં રાજકોટ SOGની પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ સમયે દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, આટકોટના બળધોઇ ગામે રાજદીપ જેશીંગભાઇ ડાંગર નામનો વ્યક્તિ ડિગ્રી વિના દવાખાનું ચલાવે છે. જેના આધારે પોલીસે દરોડો પાડીને રાજદીપ બોગસ ડોકટર હોવા છતા દર્દીઓને તપાસી દવાઓ આપતા મળી આવ્યો હતો.

રૂ.30,861નો મુદ્દામાલ કબજે કર્યો
પોલીસે રાજદીપ પાસે મેડીકલ સર્ટીફીકેટની માંગણી કરતા તેણે પોતાની પાસે કોઇ મેડીકલ ડીગ્રી ન હોવાની કેફીયત આપી હતી. જેને પગલે મેડીકલ ડીગ્રી ન હોવા છતા ડોકટર તરીકે પ્રેકટીસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહયો હતો. જેથી પોલીસે તેની ધરપકડ કરીને ઇજેક્શન-સિરીંજ તથા જુદી-જુદી એન્ટી બાયોટીક દવાઓ મળી રૂ.30,861નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આટકોટ પોલીસ ખાતે હસ્તગત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(દિપક રવિયા/ કરસન બામટા, જસદણ)