બોઘરાનું ‘ભરત’ કુંવરના ‘બા‌વળિયા’ ઉખેડશે:પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસે નેતાઓના કદમાં થયેલો ફેરફાર ઉજાગર કર્યો, બોઘરાનું પ્રભુત્વ અને બાવળિયાની ગેરહાજરીની ચર્ચા

રાજકોટ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
કુંવરજી બાવળિયા - ફાઈલ તસ્વીર - Divya Bhaskar
કુંવરજી બાવળિયા - ફાઈલ તસ્વીર

રાજ્યમાં સત્તાપરિવર્તને રાજનેતાઓના કદમાં પણ વધારો ઘટાડો કરી દીધો છે. એક સમયે જેમના નામના ડંકા વાગતા હતા તે અત્યારે શાંત થઇ ગયા છે અને જેમની કારકિર્દી સામે સવાલો ઉઠતા હતા તેઓ સત્તાની નજીક દેખાવા લાગ્યા છે. ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલ રાજકોટ આવ્યા ત્યારે સાંસદ, ધારાસભ્યો અને જિલ્લાના તમામ આગેવાનો હાજર હતા પરંતુ જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળિયાની ગેરહાજરી સૌ કોઇની ચર્ચાનો વિષય બન્યો હતો.

બાવળિયા જેમને પોતાના કટર હરીફ સમજે છે તે ડો.ભરત બોઘરાને સંગઠનમાં અપાયેલું મહત્ત્વ અને પ્રદેશ પ્રમુખ સાથેની તેમની નિકટતા બાવળિયા માટે ખતરો સાબિત થાય તેવાં એંધાણ વર્તાઇ રહ્યા છે. કોંગ્રેસ છોડીને બાવળિયા ભાજપમાં જોડાયા તે સાથે જ તેમને કેબિનેટ મંત્રી બનાવી દેવાયા હતા. વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં બાવળિયાએ પક્ષાંતર કર્યું હતું અને તેમનું તેમને ફળ પણ પક્ષ દ્વારા અપાયું હતું. રાજ્યમાં સત્તાપરિવર્તન થયું, નો રિપીટ થિયરી મુજબ પ્રધાનમંડળ બન્યું અને તેમાં બાવળિયા ધારાસભ્ય બની રહ્યા.

મંત્રીમંડળની શપથવિધિ થઇ તેના આગલા દિવસ સુધી બાવળિયા પોતાને ડેપ્યુટી સીએમ તરીકે જોવા માંડ્યા હતા, પરંતુ ભાજપે તેમને આંચકો આપી દીધો હતો. આગામી ચૂંટણીમાં ટિકિટ ફાળવણીમાં નો રિપીટ થિયરી લાગુ પડે અને ટિકિટ કપાય તો તમારું સ્ટેન્ડ શું રહેશે એવું અગાઉ બાવળિયાને પૂછાયું ત્યારે બાવળિયાએ તે સમયે જોઇ લઇશું તેવો તેવર બતાવ્યો હતો અને બાદમાં મોઢું સીવી લીધું હતું.

પાટીલ રાજકોટ આવ્યા ત્યારે તેમની સાથે ડો.બોઘરાની નિકટતા પણ નેતાઓ અને કાર્યકર્તાઓએ નિહાળી હતી, ડો.બોઘરા જસદણ બેઠક પર મજબૂત દાવેદારી કરી રહ્યા છે પરંતુ બાવળિયા તેમનો સૌથી મોટો પડકાર છે, પરંતુ બદલાયેલા સમીકરણ અને ડો.બોઘરાનું વધતું પ્રભુત્વ કુંવરજી બાવળિયા પર પણ હાવી થશે તેવી ચર્ચાઓ શરૂ થઇ છે.

અન્ય સમાચારો પણ છે...