રાજકોટ ડિસ્ટ્રિક્ટ બોડી બિલ્ડિંગ એસોસિએશન અને મસલ્સ એન્ડ ફિટનેસ જિમના સંયુક્ત ઉપક્રમે રવિવારે રાજકોટના રેસકોર્સ મેદાનમાં આવેલા ઓપન એર થિયેટરમાં બોડી બિલ્ડિંગ કોમ્પિટિશન યોજાઇ હતી જેમાં 70 યુવાએ પોતાના શરીરનું કૌવત બતાવ્યું હતું.
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બોડી બિલ્ડિંગ એસોસિએશનના હોદ્દેદાર ડો.કેતન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, વજનની જુદી જુદી સાત કેટેગરીમાં સ્પર્ધા યોજાઇ હતી જે સાતેય કેટેગરીના વિજેતાઓ વચ્ચે ફાઇનલ રાઉન્ડ રમાયો હતો અને તેમાંથી દિપક જાવિયાની મિસ્ટર સૌરાષ્ટ્રની પસંદગી કરવામાં આવી હતી.
કેતન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, એસોસિએશન દ્વારા છેલ્લા 25 વર્ષથી 18 થી 35 વર્ષની વયના યુવકો માટે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે, સ્પર્ધામાં સૌરાષ્ટ્રભરમાંથી યુવાનોએ ભાગ લીધો હતો. બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં જોડાનાર યુવકો 10 વર્ષથી દરરોજ સવારે બે કલાક અને સાંજે બે કલાક અલગ અલગ કસરત કરે છે, તેમજ તેના ખોરાકમાં પણ પ્રોટીન, ફ્રૂટ, લીલા શાકભાજીનું વિશેષ પ્રમાણ રહે છે. તમામ 70 સ્પર્ધકોમાંથી એકને પણ કોરોના અડી પણ શક્યો ન હતો.
મિસ્ટર સૌરાષ્ટ્ર બનનાર બોડી બિલ્ડરને રૂ.51 હજારનું રોકડ પુરસ્કાર ઉપરાંત શિલ્ડ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. સ્પર્ધામાં બોડી બિલ્ડિંગ કોમ્પિટિશનના ઇન્ટરનેશનલ જજ એમ.કે.શર્મા, રાષ્ટ્રીય કક્ષાના જજ જાહીદ દાફનાણી અને સ્ટેટ ટ્રેઝરર વિજય પંચાલે જજની ભૂમિકા ભજવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.