રાજકોટના કોઠારિયા સોલ્વન્ટ પાસે ઝાડીમાંથી અઢી વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે. આથી ક્રાઈમ બ્રાન્ચ અને આજીડેમ પોલીસ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ઘટનાસ્થળે કાર્યવાહી કર્યા બાદ બાળીકનો મૃતદેહ પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. પોલીસ તપાસમાં આ બાળકીના પિતા અમિતકુમાર ગોંડા રહસ્યમય રીતે ગુમ છે. બાળકીની હત્યા કરાઇ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. બાળકીનું પીએમ પૂર્ણ થયા બાદ બાળકીના મૃતદેહને તેના પરિવારજનોને સોંપવામાં આવ્યો છે. પીએમ રિપોર્ટમાં બાળકીના મૃત્યુ મામલે શું કારણ સામે આવે છે, તે જોવું અતિ મહત્વનું બની રહેશે. મૃતક બાળકીનું નામ અનન્યા અમિતકુમાર ગોંડા હોવાનું સામે આવ્યું છે.
બાળકી યુપીની હોવાનું ખુલ્યું
પોલીસ તપાસમાં બાળકી ઉત્તરપ્રદેશના પરિવારની હોવાનું ખુલ્યું છે. બાળકી સાથે અઘટિત કૃત્ય થયાની પણ આશંકા વ્યક્ત કરાઇ છે. જોકે, પીએમ રિપોર્ટ આવ્યા બાદ સાચી હકિકત બહાર આવશે. બાળકી અને તેના પિતા 3 દિવસથી ગુમ હોવાનું પણ જાણવા મળ્યું છે. ત્યારે આજે બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે પણ પિતાની હજુ સુધી કોઈ ભાળ મળી નથી. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. આ બનાવથી ચકચાર મચી ગઈ છે. બાળકી અને તેનો પરિવાર રસુલપરામાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસે શકમંદ આરોપીને ગાંધીનગરથી ઝડપ્યો
DCP સજ્જનસિંહ પરમારની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમના PSI ભરત બોરીસાગર અને તેમની ટીમ દ્વારા શકમંદ આરોપીને ગાંધીનગર તરફથી ઝડપી પાડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. શકમંદ આરોપીની પૂછપરછમાં શા માટે તેને આ પ્રકારનું ગુનાહિત કૃત્ય આચર્યું હતું તે સહિતની તમામ વિગતો મેળવવામાં આવશે. તેમજ પોલીસને યોગ્ય પૂરાવા મળતા સમગ્ર મામલે આરોપીની ધરપકડ સહિતની કાર્યવાહી કરવામાં આવશે. બાળકીનો પિતા શાપર-વેરાવળમાં મજૂરી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોવાનું પણ સામે આવ્યું છે. આ પરિવાર મૂળ ઉત્તર પ્રદેશનો છે અને અમિતકુમાર ગોંડા બાળકીનો સાવકો પિતા હોવાનું પણ સામે આવી રહ્યું છે.
એક મહિના પહેલા ગોંડલમાં યુવાનનો નદીના પટમાંથી મૃતદેહ મળ્યો હતો
એક મહિના પહેલા ગોંડલના રેલવે સ્ટેશન પાછળ રહેતો યુવાન ત્રણ દિવસથી ગુમ હોય પરિવાર, પોલીસે તપાસ હાથ ધરી હતી, પરિવારે ગુમશુદાની ફરિયાદ નોંધાવતાં શોધખોળ આરંભી હતી અને એવામાં યુવાનનો મૃતદેહ પાંજરાપોળ પાસે નદીના પટમાંથી મળી આવતાં પોલીસે વિગતે તપાસ હાથ ધરી હતી.
ફાયરના જવાનોએ યુવાનનો મૃતદેહ બહાર કાઢ્યો હતો
ગોંડલી નદીમાં મૃતદેહ જોવા મળતાં નગરપાલિકાના ફાયર વિભાગને જાણ થતાં ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરના જવાનોએ જહેમત બાદ મૃતદેહને બહાર કાઢ્યો હતો. મૃતક ગોંડલ રેલવે સ્ટેશન પાછળ રહેતા મનીષભાઈ માંડવીયાનો હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. યુવાન છેલ્લા ત્રણ દિવસથી ઘરેથી કોઈને જાણ કર્યા વગર નીકળી ગયો હતો. પરિવારજનોએ મનીષભાઈની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ યુવાનનો મૃતદેહ મળી આવતા સિટી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.