વન ડે વન વોર્ડ ડિમોલિશન:રાજકોટમાં આજે રૈયા રોડ પર વેપારીઓએ ખડકેલા ગેરકાયદેસર છાપરા, બોર્ડ, છાજલીનું ડિમોલિશ, ગંદકી ફેલાવા બદલ 22 દુકાનદારોને 10 હજારનો દંડ

રાજકોટ14 દિવસ પહેલા
રૈયા રોડ પર ડિમોલિશન કરવામાં આવ્યું.
  • ગુરૂવારે જૂના રાજકોટના મધ્ય ઝોન અને શનિવારે સામાકાંઠાના પૂર્વ ઝોનમાં ડિમોલિશન કરાશે

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજથી વન ડે વન વોર્ડ ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે. આજે રૈયા રોડ પર ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં વોર્ડ નંબર 2 અને 8ના વિસ્તારોનો સમાવેશ થાય છે. રોડ પર દુકાનદારો સહિતના મિલકતધારકો અને ફેરિયાઓ દ્વારા કરવામાં આવતા ગેરકાયદેસર છાપરા, બોર્ડ, છાજલી સહિતનું ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે. મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ, દબાણ હટાવ, વિજિલન્સ અને એસ્ટેટ શાખા ડિમોલિશનમાં જોડાઇ છે. ડસ્ટબીન ન રાખી ગંદકી કરનારા વેપારીઓને દંડ પણ કરવામાં આવી રહ્યો છે. પાર્કિંગ, ટ્રાફિકના પ્રશ્નો પણ તંત્રના ધ્યાનમાં ખાડાથી માંડી ફૂટપાથની સમસ્યાઓ પણ રોડ પર જઇને નિહાળશે.

ગંદકી બદલ 22 દુકાનદારોને 10 હજારનો દંડ
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની વેસ્ટ ઝોનની ટીમ દ્વારા ચા-પાનનાં ગલ્લા, કરિયાણાની દુકાનોનું ચેકિંગ કરી જાહેરમાં કચરો ફેકનાર, ગંદકી કરનાર, ડસ્ટબીન ન રાખનાર, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ કરનાર દુકાનદારો સામે કડક કાર્યવાહી કરી 5 કિલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી કુલ 22 દુકાનદારો પાસેથી રૂ.10 હજારનો વહીવટી ચાર્જની વસુલાત કરવામાં આવી હતી. વધુમાં રૈયા રોડ પર સફાઈ કામગીરી અર્થે વધુ 38 સફાઈ કામદાર અને 1 જેસીબી, 1 ટ્રેક્ટર, 1 ડમ્પર દ્વારા કામગીરી કરવામાં આવી હતી. ટ્રાફિક મૂવમેન્ટ સરળ થાય તથા રાહદારીઓને થતી મુશ્કેલીઓના નિવારણ માટે શહેરમાં આવેલ મુખ્ય 48 માર્ગો પર વન વીક, વન રોડ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

આટલી જગ્યાએ દબાણો દૂર કરાયા
આજે વન વીક, વન રોડ ઝુંબેશ દરમિયાન ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા વોર્ડ નં. 8માં યોગેશભાઈ ગોસ્વામી (અપૂર્વ કોમ્પલેક્ષ, સદગુરુ તીર્થધામ કોમ્પલેક્ષ, રૈયા રોડ), વોર્ડ નં. 9માં જયેશભાઈ આહીર (જલારામ ઢોસા - અંબિકા કોમ્પલેક્ષ, રૈયા ચોકડી પાસે), વોર્ડ નં. 2માં અંજલી શુઝ (અંજલી એપાર્ટમેન્ટ, રૈયા રોડ, આરાધના ટી. સ્ટોલની બાજુમાં), વોર્ડ નં. 2માં ચામુંડા ટી સ્ટોલ (શ્રી અંબા આશિષ કોમ્પલેક્ષ, હનુમાન મઢી ચોક પાસે), વોર્ડ નં. 2માં રાધે પાન (શ્રી અંબા આશિષ કોમ્પલેક્ષ, હનુમાન મઢી ચોક પાસે) વગેરે આસામીઓને ત્યાં સાઈડ માર્જીનમાં પતરાની કેબિનનું તેમજ માર્જીનમાં પતરાનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું.

ટીપી, આરોગ્ય, સફાઇ સહિતની શાખાને અભિયાનમાં જોડી
રાજકોટ મહાનગરપાલિકા આજથી રાજમાર્ગો પર બિલ્ડિંગ બહાર રહેલા દબાણો, છાપરા, ઓટલા તોડવાનું અભિયાન શરૂ કર્યું છે. મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ ટીપી, આરોગ્ય, સફાઇ સહિતની શાખાને આ અભિયાનમાં જોડી છે. તમામ શાખા પોત પોતાને લગતી કામગીરી એકસાથે કરવાની હોય એકંદરે શહેરના મુખ્ય માર્ગો વાહન-વ્યવહાર અને ચાલવા માટે વધુ ખુલ્લા રહે તેવી કામગીરી દેખાડવાની છે. ન્યુ રાજકોટના રૈયા રોડ, ગુરૂવારે જુના રાજકોટના મધ્ય ઝોન અને શનિવારે સામાકાંઠાના પૂર્વ ઝોનમાં આ સંયુક્ત અભિયાન ચાલવાનું છે.

રૈયા રોડ પર દબાણો દૂર કરવામાં આવ્યા.
રૈયા રોડ પર દબાણો દૂર કરવામાં આવ્યા.

દબાણ હટાવ શાખા પાથરણા જેવા દબાણો જપ્ત કરશે
રસ્તા પર રહેલા બિલ્ડિંગના પાર્કિંગ અને માર્જીનમાં રહેલા દબાણો ખુલ્લા કરીને વાહનો માટે પૂરતી જગ્યા કરવામાં આવશે. ટીપી શાખા પ્લાન અને કમ્પલિશનના પ્રમાણપત્રો સાથે સ્થળ પર ચકાસણી કરવાની છે અને ગેરકાયદે બાંધકામો બુલડોઝરની મદદથી તોડશે. ટીપીઓ એમ.ડી.સાગઠીયાએ કહ્યું હતું કે, માર્જીન અને પાર્કિંગમાં અનેક જગ્યાએ કાચા-પાકા બાંધકામ થઇ ગયાનું ધ્યાન પર આવ્યું છે. ટીપી શાખા તે તોડશે અને દબાણ હટાવ વિભાગ પાથરણા જેવા દબાણો જપ્ત કરશે. આજથી કામગીરી શરૂ થઈ ગઈ છે.

આજે વિવિધ શાખાની ટીમો સવારથી રસ્તા પર ઉતરી પડી.
આજે વિવિધ શાખાની ટીમો સવારથી રસ્તા પર ઉતરી પડી.

71 આસામીઓ પાસેથી કુલ રૂપિયા 16,80,495 ના વેરાની વસુલાત કરવામાં આવી
વેરા વસુલાત શાખા દ્વારા વોર્ડ નં. 8માં સાકેત પ્લાઝા, કિંગ પ્લાઝા, ઇન્દ્રપ્રસ્થ એપાર્ટમેન્ટ, વગેરેમાંથી કુલ 35 મિલકતો પાસેથી કુલ રૂ. 6 લાખ 85 હજાર રૂપિયા, વોર્ડ નં.9માં અંબિકા કોમ્પલેક્સ, ટ્રિનિટી ટાવર, નક્ષત્ર-7, વગેરેમાંથી કુલ 12 મિલકત પાસેથી કુલ રૂ.1 લાખ 36 હજાર રૂપિયા, તેમજ 6 આસામીઓ પાસેથી 31 હજાર રૂપિયા કુલ મળી 1 લાખ 66 હજાર રૂપિયા, વોર્ડ નં. 10માં કાકા કોમ્પલેક્સ, પ્રણવ કોમ્પલેક્સ, હનુમાનમઢી ચોક, તિરૂપતિ નગર અને જીવન નગર વિસ્તારની મિલકત વગેરેમાંથી કુલ 17 મિલકતો પાસેથી કુલ રૂ. 8 લાખ 17 હજાર રૂપિયા, વોર્ડ નં. 1માં આવેલ રૈયા રોડ પરની 5 મિલકતમાંથી કુલ 42 હજાર રૂપિયા સહિત આજે કુલ 71 આસામીઓ પાસેથી કુલ રૂપિયા 16,80,495 ના વેરાની વસુલાત કરવામાં આવી હતી.