સોમવારે રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ છે. જેને લઈને અધિકારીઓ અને પદાધિકારીઓમાં ભારે ઉત્કંઠા છે કારણ કે આ બોર્ડમાં જ ડેપ્યુટી મેયરની નિમણૂક માટે અર્જન્ટ બિઝનેસ દરખાસ્ત આવે તેવી શક્યતા છે. બોર્ડમાં નામકરણ સહિતની દરખાસ્તનો ઉલ્લેખ એજન્ડામાં કરાયો છે ક્યાંય પણ નિમણૂકનો ઉલ્લેખ નથી.
એક શક્યતા એવી હતી કે આ માટે મનપા અલગથી ખાસ જનરલ બોર્ડ બોલાવશે પણ હવે અર્જન્ટ બિઝનેસ દરખાસ્તની ચર્ચાઓ પદાધિકારીઓ કરી રહ્યા છે આ કારણે છ મહિના માટે નવા ડેપ્યુટી મેયરની નિમણૂકના દ્વાર ખૂલશે. બીજી તરફ બોર્ડમાં જે પ્રશ્નકાળ છે તેમાં સૌથી પહેલો પ્રશ્ન બાંધકામ સમિતિના ચેરમેન કેતન ઠુમ્મરનો છે જેમાં તેઓએ શહેરની ટી.પી. સ્કીમો વિશે પૂછ્યું છે.
આ કારણે ટી.પી. સ્કીમોના ક્ષેત્રફળ, મકાનો, ફાઈનલ પ્લોટની સંખ્યાઓ સહિતની ચર્ચાઓ કરીને એક કલાકનો સમય કાઢીને વિપક્ષના પ્રશ્નનો વારો જ ન આવે તેવો દર વખતની જેમ પ્રયાસ કરીને અધિકારીઓને ભીડવવાને બદલે વાહવાહી કરીને પ્રજાના પ્રશ્ન ઉઠાવવા માટેનો મનપાનો સૌથી કિંમતી સમય એટલે કે જનરલ બોર્ડના એક કલાકના પ્રશ્નકાળનો વ્યય કરવામાં આવશે. બીજી તરફ વિપક્ષ આ સમયે જ હંમેશની જેમ વેરા અને પાણી મુદ્દે શાસકોને ઘેરવાનો પ્રયત્ન કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.