એજ્યુકેશન:રાજકોટમાં 10 ઝોનમાં બોર્ડની પરીક્ષા લેવાશે 300 બિલ્ડિંગમાં 85 હજાર વિદ્યાર્થી બેસશે

રાજકોટ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બોર્ડના અધિકારીઓએ જિલ્લા શિક્ષણાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી

ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની પ્રક્રિયા હજુ ચાલુ છે ત્યારે બોર્ડના વિદ્યાર્થીઓની સંખ્યા ફાઈનલ થાય તે પહેલા શિક્ષણ બોર્ડે પરીક્ષાના સુચારુ આયોજન માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તાજેતરમાં જ રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ સાથે બોર્ડના અધિકારીઓએ બેઠક કરીને જિલ્લા વાઈઝ પરીક્ષાની તૈયારીઓ સંબંધે ચર્ચા કરી હતી.

જેમાં રાજકોટ જિલ્લામાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા કુલ 10 ઝોનમાં લેવાનાર હોવાનું જાણવા મળ્યું છે. ધોરણ 10 અને 12 સાયન્સ અને કોમર્સના કુલ 85 હજાર જેટલા વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા આપશે. રાજકોટ જિલ્લામાં 300 જેટલા બિલ્ડિંગમાં બોર્ડની પરીક્ષા લેવાનાર છે. જેમાં સીસીટીવી, બેઠક વ્યવસ્થા, અધિકારીઓ, શિક્ષકોની કામગીરી સહિતની જુદી જુદી બાબતોની સમીક્ષા કરી હતી.

રાજકોટ જિલ્લામાં શાળાઓની સંખ્યા, બ્લોક, વર્ગખંડ, ઝોન, અધિકારીઓની વિગતો, કંટ્રોલરૂમ સહિતની તમામ બાબતોનું લિસ્ટ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શિક્ષણ બોર્ડને મોકલી દેવાયું છે. જેના આધારે આગામી તારીખ 4થી 7 જાન્યુઆરી દરમિયાન રાજકોટ સહિત રાજ્યભરના જિલ્લા શિક્ષણાધિકારીઓની બોર્ડના અધિકારીઓ સાથે મહત્ત્વની બેઠક મળી હતી.

જેમાં બોર્ડની પરીક્ષાની તૈયારીઓ સંબંધિત જુદી જુદી બાબતોની ચર્ચા કરવામાં આવી હતી. બોર્ડની આ પરીક્ષામાં ગેરરીતિ અને પરીક્ષા ચોરીના બનાવોને ડામવા માટે દર વર્ષે ખાસ પ્રબંધો કરી એક્શન પ્લાન અમલી બનાવવામાં આવે છે. તેના ભાગરૂપે જ તારીખ 4થી 7 જાન્યુઆરી દરમિયાન રાજ્યના ડીઈઓની મળેલી બેઠકમાં ચર્ચા કરાઈ હતી.

ધોરણ 12 સાયન્સના પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ પૂર્ણ થઇ ગઈ છે જ્યારે બાકીના ફોર્મ ભરવાનું ચાલુ છે ત્યારે રાજકોટમાં આગામી માર્ચ-2023માં લેવાનારી બોર્ડની પરીક્ષામાં 85 હજાર જેટલા વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા સહિતની જુદી જુદી તૈયારીઓ કરવામાં આવી રહી છે. હજુ આગામી ફેબ્રુઆરી માસમાં પણ રાજ્યના ડીઈઓ સહિતના શિક્ષણ વિભાગના અધિકારીઓની બોર્ડની પરીક્ષા માટેની બેઠક મળશે. બોર્ડની પરિક્ષાની તૈયારીને લઇને ડિઇઓએ તમામ માહિતી શિક્ષણબોર્ડને મોકલી આપી છે. હજુ પણ બોર્ડની પરિક્ષાના ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ફાઇનલ આકડો જાણવા મળશે.

અન્ય સમાચારો પણ છે...