એજ્યુકેશન:બોર્ડની પરીક્ષાના ફોર્મ 22મીથી ભરાશે, દિવ્યાંગ વિદ્યાર્થીની ફી માફ

રાજકોટ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થીઓ 21મી ડિસેમ્બર સુધી રેગ્યુલર ફી સાથે પરીક્ષા ફોર્મ ભરી શકશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી વર્ષ 2022માં લેવાનાર ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષાના ફોર્મ તારીખ 22 નવેમ્બરથી ભરાવવાનું શરૂ થશે અને 21 ડિસેમ્બર સુધી ભરી શકાશે. વિદ્યાર્થીઓએ સ્કુલે જઈને દર વર્ષની જેમ ફોર્મ અને ફી ભરવાના રહેશે. સ્કુલોએ ફોર્મ અને ફી ભરીને બોર્ડની વેબસાઈટ પર જમા કરવાના રહેશે. 22 નવેમ્બરે બપોરે 2 વાગ્યાથી 21 ડિસેમ્બર સુધીમાં બોર્ડની વેબસાઈટ gseb.org પર વિદ્યાર્થીઓના પરીક્ષા ફોર્મ અને પરીક્ષાની ફી ભરી શકશે.

નિયત સમય મર્યાદામાં સ્કૂલે ફોર્મ ભરાવીને ફોર્મ અને ફી જમા કરાવવાની રહેશે. નિયમિત,ખાનગી,રિપિટર અને પૃથ્થક વિદ્યાર્થીઓના ફોર્મ ઓનલાઈન જ ભરવાના રહેશે. આ અંગેની વધુ વિગત બોર્ડની વેબસાઈટ પર પણ મુકવામાં આવી છે.2022ની બોર્ડની પરીક્ષા માટે સાયન્સ અને કોમર્સના રેગ્યુલર વિદ્યાર્થીઓની ફી નક્કી કરવામાં આવી છે. જ્યારે સાયન્સમાં નિયમિત વિદ્યાર્થીની ફી રૂ. 605, રીપિટર વિદ્યાર્થીઓની એક વિષયની 180, બે વિષયની 300, ત્રણ વિષયની 420 અને 3 કરતાં વઘુ વિષયની 605 રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે.

બીજી તરફ કોમર્સમાં નિયમિત વિદ્યાર્થીની ફી રૂ. 490, રીપિટર વિદ્યાર્થીઓની ફી એક વિષયની 140, બે વિષયની 220, ત્રણ વિષયની 285 અને ત્રણ કરતાં વધુ વિષયની 490 રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે. જ્યારે વિદ્યાર્થીનીઓ અને દિવ્યાંગ વિદ્યાર્થીઓની સંપૂર્ણ ફી માફ કરવામાં આવી છે. કોરોનાને લીધે ગત વર્ષ બાદ આ વર્ષે પણ મોડી શરૂ થતા 22મી નવેમ્બરથી ફોર્મ ભરવાનું શરૂ થશે. સ્કૂલોએ વિદ્યાર્થીઓને બોલાવીને ઓનલાઈન ફોર્મ 21 ડિસેમ્બર સુધી ભરી શકાશે.

અન્ય સમાચારો પણ છે...