રાજ્યભરમાં પડતર માગણીઓને લઇને સિનિયર ડોક્ટરો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. આજે હડતાળનો પાંચમો દિવસ છે. જ્યાં એક તરફ કાળા કપડાં પહેરી તબીબો હડતાળમાં વ્યસ્ત છે તો બીજી તરફ હડતાળથી દર્દીઓને હાલાકી વધી છે. ડોક્ટરોની હડતાળને કારણે દર્દીઓને રઝળપાટ કરવો પડી રહ્યો છે.
દર્દીઓના ઓપરેશનો અટકી પડ્યા
ઓપીડી વિભાગમાં દર્દીઓની લાંબી લાઈન લાગી છે તો ઓર્થોપેડિક અને મેડિસીન વિભાગમાં દર્દીઓનો મેળાવડો જામ્યો છે. હડતાળને કારણે અનેક દર્દીઓના ઓપરેશનો અટકી પડ્યા છે. સમયસર ઓપરેશન ન થતા દર્દીઓની પીડામાં વધારો થયો છે. ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ આવી રહ્યા છે. હાલ જુનિયર ડોક્ટરો દ્વારા કામગીરી ચલાવવામાં આવી રહી છે.
તબીબોની માંગણીઓ પૂર્ણ થઇ નથી
અગાઉ રૂપાણી સરકાર દ્વારા થયેલ સમજૂતી મુજબ તા.31-3-2022 સુધી તમામ માંગણીઓ પૂર્ણ કરવાનું વચન આપ્યું હતું. પરંતુ આજદિન સુધી કોઈ કામ થયું નથી. જેમાં કેન્દ્રના ધોરણે પરંપરા મુજબ તા.1-7-2017 થી 20 ટકા એનપીએ આપવું, એડહોક સેવા વિનિમિયત કરી ઉચ્ચ પગાર ધોરણ આપવું, પ્રમોશન કરવા, ઉચ્ચ પગાર ધોરણ સાથે નામાભિધાન કરવું, 15 ટકા સિનિયર ટયૂટરોને ત્રીજા ટીકુનો લાભ આપવો સહિતની માંગ પૂરી ન થતાં તમામ તબીબોએ આજથી અચોક્કસ મુદતની હડતાળનો નિર્ણય લીધો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.