રાજકોટ જિલ્લાના કુલ પાંચ યાર્ડની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટા રાજકોટ બેડી માર્કેટ યાર્ડની ઓક્ટોબરમાં યોજાનારી ચૂંટણી પૂર્વે સહકારી જગતમાં આંતરિક ખટરાગ જોર પકડવા લાગ્યો છે. જેમાં ભાજપના જ બે જૂથ સામ સામે ચૂંટણી માટે લડી રહ્યાં છે. ત્યારે ગમે તેવી આંતરીક લડાઈ કે ટક્કર વચ્ચે તેને બિનહરીફ કરાવવાનો જ ટાર્ગેટ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા દ્વારા નક્કી કરવામાં આવ્યો છે. માર્કેટ યાર્ડના વર્તમાન પ્રમુખ ડી.કે. સખીયા અને વર્તમાન ધારાસભ્ય વચ્ચે ખેંચતાણ હોવાની ભારે ચર્ચા ઉઠી છે.
જયેશ રાદડિયાએ જામકંડોરણા યાર્ડની ચૂંટણીમાં પેનલ બિનહરિફ કરાવી
સૌપ્રથમ જામકંડોરણા યાર્ડની ચૂંટણીમાં પેનલ બિનહરીફ કરી લેવામાં આવી છે. હવે રાજકોટ યાર્ડનો વારો લેવાનો તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે. રાજકોટ માર્કેટ યાર્ડની ચૂંટણી આગામી 5 ઓક્ટોબરે યોજાવાની છે. હાલના સમયે રાજકોટ યાર્ડ પર ભાજપનો કબ્જો છે. છતા પાર્ટીનાં જ બે જુથો વચ્ચે આંતરિક ટકરાવના કારણે આ વખતની ચૂંટણીમાં શું થશે તેના પર સૌ કોઈની નજર મંડરાયેલી છે. આ સમયે ચૂંટણી જાહેર થતાની સાથે જ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ આ ચૂંટણી બિનહરિફ કરવાના પૂરતા પ્રયત્ન હોવાનો સંકેત મીડિયા સાથેની વાતચીતમાં આપ્યો હતો.
રાજકોટ યાર્ડમાં સમાધાનકારી રસ્તો કાઢવા રાદડિયાની મથામણ
મુખ્યમંત્રીનું હોમટાઉન હોવાથી પાર્ટીનાં જ બે જૂથ સામ સામા થાય તો પ્રતિષ્ઠા ખરડાવાની આશંકાથી સરકાર જ સમાધાનકારી રસ્તો કાઢશે તેવી પણ ચર્ચા હતી. આ દરમિયાન પ્રાથમિક મતદાર યાદીની પ્રસિદ્ધી દરમિયાન ભાજપનાં જ ત્રણેક આગેવાનો દ્વારા શાસક જુથના સાત મતદારો સામે વાંધો ઉઠાવવામાં આવતા રાજકારણ ગરમાયું હતું. બાદમાં આવતીકાલે સુધારેલી મતદાર યાદી જાહેર થવાની છે ત્યારે સાત વાંધા અરજીનો સ્વીકાર થાય છે કે ફગાવી દેવાય છે કે પછી તેના કોઈ પ્રત્યાઘાતો પડે છે કે કેમ તેના પર મીટ માંડવામાં આવી રહી છે.
ઉપલેટા યાર્ડની ચૂંટણી બિનહરિફ કરવાની કાર્યવાહી હાથ ધરી
રાજકોટ જિલ્લાનાં સહકારી રાજકારણ પર દબદબો ધરાવતા રાજ્યનાં પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, રાજકોટ જ નહિં પરંતુ જિલ્લાના પાંચેય માર્કેટ યાર્ડમાં ચૂંટણીને બદલે બિનહરિફ પેનલના પ્રયાસ છે. પ્રથમ તબક્કે જામકંડોરણા યાર્ડને હાથમાં લેવામાં આવ્યું હતું. જ્યાં બુધવારના રોજ બિનહરિફ પેનલ થઈ ગઈ હતી. હવે ઉપલેટા યાર્ડની ચૂંટણીનો વારો છે. તેના દાવેદારોને સમજાવીને બિનહરીફ પેનલ તૈયાર કરવાનાં પ્રયાસ ગઈકાલથી શરૂ કરી દેવામાં આવ્યા છે. રાજકોટ યાર્ડને લાગેવળગે છે ત્યાં સુધી હજુ કોઈ વાતચીત કે બેઠક કરી નથી. એટલુ નક્કી છે કે તમામ દાવેદારોને સમજાવટ કરીને ચૂંટણી બિનહરિફ કરવાના પ્રયત્નો થશે તે સફળ પણ રહેવાનો વિશ્વાસ છે. ઉપલેટા યાર્ડની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રાજકોટનો વારો લેવાશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.