વિધાનસભાની ચૂંટણીને આડે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે રાજકોટ શહેર અને જિલ્લાની 8 સીટ પર રાજકીય પાર્ટીઓએ પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે અને તમામે પોતાની ઉમેદવારી પણ નોંધાવી છે. 8 બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આપના 24 ઉમેદવારોનો સમાવેશ થાય છે. ઉમેદવારી નોંધાવતી વખતે ઉમેદવારોએ પોતાનું સોગંદનામું રજૂ કર્યું હતું. સોગંદનામા મુજબ સૌથી વધુ ધનવાન રાજકોટ દક્ષિણ બેઠકના ભાજપના ઉમેદવાર રમેશ ટીલાળા છે. તેઓ પાસે અધધ.. 175.78 કરોડની સંપત્તિ છે. બીજા નંબરે રાજકોટ પૂર્વ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજ્યગુરુ આવે છે. તેમની પાસે 163 કરોડની સંપત્તિ છે. જેમાં તેમની પાસે 2.75 કરોડની તો ડઝન જેટલી લક્ઝુરિયસ કાર છે. જ્યારે સૌથી ઓછી સંપત્તિ જેતપુર બેઠકના આપના ઉમેદવાર રોહિત ભૂવા પાસે છે. તેણે પોતાના સોગંદનામામાં 10 લાખની સંપત્તિ દર્શાવી છે.
કુંવરજી બાવળિયાની સંપત્તિ 5 વર્ષમાં 4 ગણી વધી
જ્યારે જસદણ બેઠકની વાત કરીએ તો ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયા પાસે પાંચ વર્ષમાં 4 ગણી સંપત્તિ વધી છે. જ્યારે ધોરાજીના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાની સંપત્તિમાં પાંચ વર્ષમાં 1 કરોડથી વધુનો ઘટાડો થયો છે. હાઈ પ્રોફાઈલ રાજકોટ પશ્ચિમ બેઠકના ભાજપના ઉમેદવાર ડો.દર્શિતા શાહ પાસે 10 કરોડની સંપત્તિ છે. જ્યારે રાજકોટ ગ્રામ્યના ભાજપના ઉમેદવાર ભાનુબેન બાબરિયા પાસે 2.79 કરોડની સંપત્તિ છે. ગોંડલ બેઠકના ભાજપના ઉમેદવાર ગીતાબા જાડેજા પાસે પાંચ વર્ષમાં બે ગણી સંપત્તિ વધી છે. આપની વાત કરીએ તો રાજકોટ પૂર્વ બેઠકના ઉમેદવાર રાહુલ ભૂવા પાસે 24.18 લાખની સંપત્તિ છે પરંતુ સોગંદનામામાં સ્થાવર મિલકત ઝીરો દર્શાવી છે. રોહિત ભૂવા બાદ સૌથી ઓછી સંપત્તિ ગોંડલના ઉમેદવાર નિમિશા ખૂંટ પાસે 17 લાખની જ સંપત્તિ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.