ચૂંટણી:રાજકોટમાં ભાજપની ઓબીસી, પટેલ અને સવર્ણ વર્ગની ફોર્મ્યુલા

રાજકોટ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચારેય બેઠક જાળવી રાખવા માટે દરેક સમાજને સાચવી લેવા કોશિશ
  • ટિકિટ ફાળવણીમાં ભાજપે જ્ઞાતિ સમીકરણનો સમન્વય કર્યો

ભાજપે રાજકોટમાં ચારમાંથી એક પણ ધારાસભ્યને રિપીટ નહીં કરીને અપસેટ સર્જ્યો હતો, ભાજપે ટિકિટ ફાળવણીમાં જ્ઞાતિ સમીકરણનો સમન્વય કરવાનો પ્રયાસ કર્યો છે, પૂર્વમાં ઓબીસી, દક્ષિણમાં પાટીદાર, પશ્ચિમમાં ઉજળિયાત અને ગ્રામ્યમાં અનુસૂચિત જાતિને ટિકિટ આપવામાં આવી છે.

રાજકોટની ચાર બેઠક પર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત મોટા માથાઓએ ટિકિટ માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે દાવેદારી અને લોબિંગ કર્યું હતું. સેન્સ પ્રક્રિયા પૂરી થયા બાદ દરેક જૂથે ટિકિટ માટે લોબિંગ પણ શરૂ કર્યું હતું, ટિકિટની ફાળવણીમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલની કેવી ભૂમિકા રહેશે તેના પર પણ સહુની મીટ મંડાઇ હતી, વિજય રૂપાણીને પાર્ટી ચૂંટણી નહી લડાવે તેવું નિશ્ચિત મનાતું હતું પરંતુ તેમના ટેકાદારોને ટિકિટ અપાવવામાં રૂપાણી સફળ થશે તેવી ચર્ચાઓ જોરશોરથી ચાલતી હતી, પરંતુ ગુરુવારે ભાજપે જ્યારે ઉમેદવારોની યાદી જાહેર કરી ત્યારે સહુ કોઇના મોં જાણે સિવાઇ ગયા હતા.

પૂર્વમાં પાટીદાર અરવિંદ રૈયાણીની જગ્યાએ ઓબીસી ઉદય કાનગડને ટિકિટ ફાળવવામાં આવી હતી, દક્ષિણમાં પાટીદાર ગોવિંદ પટેલની જગ્યાએ પાટીદાર સમાજના જ રમેશ ટીલાળાની પસંદગી કરવામાં આવી હતી, પશ્ચિમમાં વિજય રૂપાણીની જગ્યાએ ઉજળિયાત વર્ગના ડો.દર્શિતાબેન શાહ અને રાજકોટ ગ્રામ્યની અનામત બેઠક પર અનુ.જાતિના ભાનુબેન બાબરિયાને ટિકિટ આપી જ્ઞાતિ સમીકરણ જાળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટિકિટની જાહેરાત સાથે જ પાટીદારની બે બેઠકમાંથી એક બેઠક કપાયાનો અને પ્રથમ વખત રાજકોટ પૂર્વમાં ઓબીસીને મોકો અપાયાની વાત પણ વહેતી થઇ હતી.

રાજકોટ દક્ષિણ માટે ધારાસભ્ય ગોવિંદ પટેલ ઉપરાંત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરા અને ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળાની દાવેદારીને મજબૂત ગણવામાં આવી હતી, ડો.ભરત બોઘરાનું નામ મોખરે ચાલતું હતું, પરંતુ રમેશ ટીલાળાને ટિકિટ અપાવવા માટે ખોડલધામના ચેરમેન નરેશ પટેલે ભારે પ્રયાસો કર્યા હતા, વિસેક દિવસ પૂર્વે દિલ્હીમાં વડાપ્રધાનને રૂબરૂ મળવા ઉપરાંત સેન્સ પ્રક્રિયા પૂરી થયા બાદ ટિકિટની સાઠમારી શરૂ થતાં ઊડીને ગાંધીનગર પહોંચ્યા હતા અને અંતે તેમને સફળતા મળી હતી અને દક્ષિણમાં ટીલાળાને ટિકિટ મળી હતી, ટીલાળા દક્ષિણમાં નક્કી થતાં ડો.ભરત બોઘરાને ભાજપ પાટીદારની બૈ પૈકીની અન્ય એક બેઠક રાજકોટ પૂર્વ પર ટિકિટ આપશે તેવી જોરશોરથી ચર્ચાઓ શરૂ થઇ હતી પરંતુ ગુરુવારે તેના પર પણ પડદો પડી ગયો હતો અને ઓબીસી આગેવાન ઉદય કાનગડને મોકો આપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...