દિવાળી પછી ભાજપની સેન્સ:રાજકોટમાં 27થી 29 ઓક્ટોબર સુધી ભાજપ સેન્સ લેશે, રૂપાણીની બેઠક પર 7થી 8 દાવેદારે ટિકિટની માગણી કરી

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર. - Divya Bhaskar
ફાઈલ તસવીર.

સૌરાષ્ટ્રની 48 સહિત ગુજરાતની 182 બેઠક પર ભાજપની રાજકીય ગતિવિધિઓ ઝડપી બની છે અને ઉમેદવાર નક્કી કરવાની તૈયારી આરંભી દીધી છે. બેસતા વર્ષ પછી તુરંત હરવા ફરવાને બદલે 27થી 29 ઓક્ટોબર એમ ત્રણ દિવસ સેન્સ લેવામાં આવશે. વિજય રૂપાણીની રાજકોટ પશ્ચિમ બેઠક પર 7થી 8 દાવેદારે ટિકિટની માગણી કરી છે. તેમજ રાજકોટ 68 બેઠક પર હાલના મંત્રી સામે પણ દાવેદારોએ દાવેદારી નોંધાવ્યાનું જાણવા મળ્યું છે. મોરબી, જેતપુર, જસદણ, ગોંડલ, ધોરાજીમાં ટિકિટ માટે ઘમાસાણ બોલશે.

સિટિંગ ધારાસભ્યોને પણ ચૂંટણી લડવાની ઈચ્છા
ભાજપના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ સિટિંગ ધારાસભ્ય ચૂંટણી લડવાની ઈચ્છા રાખી રહ્યા છે. તેઓએ ચૂંટણી લડવા ઈચ્છુક છે તેવું સ્પષ્ટ કર્યું છે. રાજકોટની ચારેય બેઠક પર રાજકોટ પશ્ચિમ બેઠક પર રનીંગ ધારાસભ્ય સહિત અનેક દાવેદારોએ ટિકિટની માગણી કરી છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતે પણ ટિકિટ મળે અને પાર્ટી કહેશે તો જવાબદારી નિભાવશું તેવું અનેક વખત કહી ચૂક્યા છે.

રૈયાણી સામે 7થી 8 દાવેદારો મેદાને
ભાજપના 7થી 8 આગેવાને આ મતવિસ્તાર માટે ટિકિટની માગણી કરી છે. રાજકોટ 68 બેઠક પર હાલના પ્રવાસન, વાહન વ્યવહાર રાજ્યમંત્રી અરવિંદ રૈયાણી સામે 7થી 8 દાવેદારોએ ટિકિટની ભારપૂર્વક માગણી કરીને આ માટે બેઠક પણ યોજી હતી. રાજકોટ 70 બેઠક પર દર વખતે પાટીદારોને અપાતી ટિકિટને લઈ ગોવિંદ પટેલ સામે રમેશ ટીલાળાથી માંડીને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરા સહિતના દાવેદારો છે. આ ઉપરાંત ઉદય કાનગડ, નરેન્દ્ર સોલંકી માટે એટલે કે OBCમાંથી પણ ટિકિટની માગણી થઈ છે.

ગ્રામ્ય વિસ્તારની બેઠકો પર દાવેદારોની ઘમાસાણ થશે
આ ઉપરાંત રાજકોટ અનામત, મોરબી, ગોંડલ, ધોરાજી, જેતપુર, જસદણ સહિતના મતક્ષેત્રમાં રનીંગ ધારાસભ્યો સામેનો રોષ પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે વ્યક્ત થયો છે. હાલના ધારાસભ્યોનું પત્તુ કાપીને અન્યને તક અપાય તેવી માગણીઓ થઈ છે. આવી જ સ્થિતિ જામનગર, ગીર સોમનાથ જિલ્લા સહિત અન્યત્ર જોવા મળી છે. 29 ઓક્ટોબર સુધીમાં ભાજપ તમામ દાવેદારોની વિગતો મેળવીને પાર્લામેન્ટરી બોર્ડમાં નિર્ણય કરશે. એકાદ સપ્તાહમાં જ ચૂંટણી જાહેર થવાની અને તે સાથે આચારસંહિતા અમલી થવાની શક્યતા છે. ત્યારે ભાજપમાં પોતાના અને પ્રજાના અધૂરા કામો મંજૂર કરવાની પણ દોડ શરૂ થઈ છે.

અન્ય સમાચારો પણ છે...