રજુઆત:સૌરાષ્ટ્ર યુનિ.ના કરાર આધારિત 380 કર્મચારીઓને છૂટા ન કરવા ભાજપના સિન્ડિકેટ સભ્ય નેહલ શુક્લ મેદાને, શિક્ષણમંત્રીને રજુઆત કરી

રાજકોટ5 મહિનો પહેલા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભાજપના સિન્ડિકેટ સભ્યએ રજુઆત કરી.
  • દર વર્ષે સિન્ડિકેટ સભ્યો દ્વારા દબાણ લાવી કરારી કર્મીઓને ફરી ફરજ પર લઇ લેવામાં આવે છે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મંજૂર જગ્યા કરતા વધુ જગ્યા ભરી દેતા અત્યાર સુધીના કુલપતિઓ અને સિન્ડિકેટ સભ્યોના પાપની સજા હાલ વર્ષોથી ફરજ બજાવતા કરારી કર્મીઓને ભોગવવી પડી રહી છે. પોતાની નોકરી ખતરામાં પડી જતા કર્મીઓ ટેન્શનમાં મૂકાઈ ગયા છે જેની સાબિતી એ છે કે કરારી 380 કર્મીઓને છૂટા કરી અઠવાડિયાનો બ્રેક આપવામાં આવ્યો છે. અને હવે આ કરારી કર્મીઓને બચાવવા ભાજપના સિન્ડિકેટ સભ્ય નેહલ શુક્લ સરકાર સામે મેદાને ઉતર્યા છે. એક પણ કર્મીને છૂટા કરવામાં ન આવે તે માટે શિક્ષણમંત્રી જીતુ વઘાણી સમક્ષ રજુઆત કરવામાં આવી છે.

17 ડિસેમ્બર સુધીમાં સરકાર યોગ્ય નિર્ણય કરશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારિત કર્મચારીઓને છૂટા કરવા મામલે સિન્ડિકેટ સભ્ય નેહલ શુક્લ હવે સરકાર સામે મેદાને ઉતર્યા છે અને એક સાથે આટલા કર્મીઓને છૂટા ન કરવા મામલે શિક્ષણમંત્રી સમક્ષ રજૂઆત કરી છે. સિન્ડિકેટ સભ્ય નેહલ શુક્લએ જણાવ્યું હતું કે, સરકાર તરફથી હજુ કોઈ લેખિત આદેશ કરવામાં આવ્યો નથી. આગામી 17 ડિસેમ્બર સુધી સરકાર દ્વારા યોગ્ય નિર્ણય કરી દેવામાં આવશે.

નોન ટિચિંગની સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલી 267 જગ્યા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નોન ટિચિંગની સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલી 267 જગ્યા છે. ત્યારે વધારાના 113 કર્મીઓને છૂટા કરવા પડે તેવી ચર્ચા છે. ત્યારે સરકારનું પરામર્શ તો હજુ બાકી છે પરંતુ યુનિવર્સિટીમાં સત્તાધીશો અને વગદારોએ લાગતા વળગતાને ગોઠવી દીધા છે. અહીં સવાલ એ છે કે શા માટે અત્યાર સુધીના કુલપતિઓ અને સિન્ડિકેટ સભ્યોએ લેખિત પરીક્ષા કે આઉટ સોર્સિંગ એજન્સી મારફત વિભાગમાં લેવાને બદલે કાલથી આવી જજે તે પ્રકારે વિભાગોમાં લાગતા વળગતાને ગોઠવી દીધા છે.

સૌરાષ્ટ્ર યુનિ.માં હવે શિક્ષણ વિભાગને પૂછ્યા વિના કંઈ થઇ શકતું નથી
ઉલ્લેખનીય છે કે દર વર્ષે સિન્ડિકેટ સભ્યો દ્વારા દબાણ લાવી કરારી કર્મીઓને ફરી ફરજ પર લઇ લેવામાં આવે છે. પરંતુ આ વખતે સરકારના પરિપત્રને લીધે શિક્ષણ વિભાગને પૂછ્યા વિના કંઈ થઇ શકતું નથી ત્યારે આ મુદ્દે સરકારનું માર્ગદર્શન મગાયું છે, જે નિર્ણય આવતીકાલ સુધીમાં આવી જાય તેવું લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...