પક્ષની મથામણ:રાજકોટ જિલ્લા પંચાયત કબજે કરવા ભાજપ-કોંગ્રેસની મથામણ, રાજકોટ મનપા ચૂંટણી પૂરી થતાં જિ.પં.ની ચૂંટણીની તૈયારી પુરજોશમાં

રાજકોટ8 મહિનો પહેલા
  • જિલ્લાના કુલ 9 લાખ 60 હજાર 551 મતદારો માટે 1146 મતદાન મથક બનાવવામાં આવશે

રાજકોટ મનપાની ચૂંટણી પૂરી થયા બાદ જિલ્લા પંચાયતની ચૂંટણીની તૈયારી પુરજોશમાં ચાલી રહી છે. રાજકોટમાં ગઈકાલે ભાજપે 18માંથી 17 સીટ પર જંગી બહુમતી મેળવી કોંગ્રેસનાં સૂપડાં સાફ કરી નાખ્યાં છે, ત્યારે હવે કોંગ્રેસે રાજકોટ જિલ્લા પંચાયતની ચૂંટણી માટે કમરકસી છે.

જિલ્લા પંચાયતની ચૂંટણીપ્રક્રિયામાં 7102 લોકોનો પોલિંગ-સ્ટાફ કાર્યરત રહેશે
રાજકોટ જિલ્લાની વાત કરીએ તો કુલ 9,60,551 મતદારો જિલ્લામાં નોંધાયા છે, જે પૈકી 5 લાખ 3 હજાર 70 પુરુષ અને 4 લાખ 57 હજાર 479 મહિલા મતદારો નોંધાયા છે. રાજકોટ જિલ્લા પંચાયતની કુલ 36 બેઠકો પર મતદારો શાંતિપૂર્ણ અને સલામત રીતે મતદાન કરી શકે એ માટે 1146 મતદાન મથક ઊભાં કરવામાં આવ્યાં છે. ચાલુ મતદાન દરમિયાન EVM મશીનમાં કોઈ ટેક્નિકલ ખામી સર્જાય તેવા સંજોગોને ધ્યાને લઇ 10% રિઝર્વ EVM રાખવામાં આવ્યાં છે. જિલ્લા પંચાયતની ચૂંટણીપ્રક્રિયામાં 7102 વ્યક્તિનો પોલિંગ-સ્ટાફ, 1218 પોલીસ-સ્ટાફ, 8 રિટર્નિંગ ઓફિસરો, 22 આસિ.રિટર્નિંગ ઓફિસરો સહિતના કર્મચારીઓ ફરજ બજાવશે.

રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠક માટે ઉમેદવારોએ પ્રચાર-પ્રસાર પુરજોશમાં શરૂ કરી દીધો.
રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠક માટે ઉમેદવારોએ પ્રચાર-પ્રસાર પુરજોશમાં શરૂ કરી દીધો.

કોંગ્રેસ અને ભાજપે પ્રચાર-પ્રસાર પુરજોશમાં શરૂ કરી દીધો છે
આગામી 28મી ફેબ્રુઆરીએ રાજકોટ સહિત રાજ્યમાં 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો તથા 81 નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે, જેની મતગણતરી 2 માર્ચના રોજ થશે. રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠક માટે ઉમેદવારોએ પ્રચાર-પ્રસાર પુરજોશમાં શરૂ કરી દીધો છે, જેમાં કોંગ્રેસ જિલ્લા પંચાયતમાં શાસન જાળવી રાખવા અને ભાજપ જિલ્લા પંચાયતમાં કબજો કરવા મથામણ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ સહિત રાજ્યનાં 6 મહાનગરમાં સત્તા પર ભાજપનો કેસરિયો લહેરાયો છે, જેની અસર આવનારી જિલ્લા પંચાયત, નગરપાલિકા સહિત ચૂંટણીમાં જોવા મળશે કે કેમ એના પર સૌની મીટ મંડાયેલી છે.

31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો તથા 81 નગરપાલિકાઓનો ચૂંટણીપ્રચાર શરૂ
31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો તથા 81 નગરપાલિકાઓનો ચૂંટણીપ્રચાર શરૂ

કેવો હતો રાજકોટમાં પરિણામનો દિવસ
રાજકોટમાં 17 વોર્ડમાં ભાજપના 68 ઉમેદવારને જીત મળી ગઈ છે, જ્યારે કોંગ્રેસે વોર્ડ નં,15માં આખી પેનલમાં વિજય મેળવ્યો છે, આથી ભાજપના વિજ રથ પર પ્રતિબંધ લગાવવા માટે કોંગ્રેસ માત્ર 4 બેઠક સમ ખાવા પૂરતી જીતી છે. 2015માં કોંગ્રેસને 34 બેઠક મળી હતી અને જીત માટે 4 સીટનું છેટું હતું, પરંતુ આ વખતે દાવ થયો અને માત્ર 4 બેઠક જ મળી. આજે રાજકોટમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટ આવશે અને જનતાનું અભિવાદન કરશે તેમજ બહુમાળી ચોક ખાતે જાહેર સભા પણ યોજશે.

રાજકોટમાં ભાજપનો જશ્ન
કોંગ્રેસ સહિત આપના મોટા ભાગના ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઈ છે. વોર્ડ નં,16માં ભાજપના રુચિતાબેન માત્ર 11 મતથી વિજેતા થયાં છે. વોર્ડ નં.8માં કોંગ્રેસ કરતાં આપે વધુ મત મેળવ્યા છે. વોર્ડ નં.1,2,3, 4,5,6,7,8,9,10,11,12,13,14,16,17,18 સહિત ભાજપની આખેઆખી પેનલનો વિજય થયો છે. રાજકોટમાં કેસરિયો લહેરાતાં કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી જશ્ન મનાવવામાં આવી રહ્યો છે

અન્ય સમાચારો પણ છે...