તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પક્ષ પલ્ટો કરનારાને જલ્સા:રાજકોટ મનપાના રાજકારણમાં પક્ષ પલ્ટો કરનારાને ભાજપમાં લોટરી, મેયર કે સ્ટે.ચેરમેનનું પદ મળે છે, નવા મેયર પણ એક દાયકાથી ભાજપમાં

રાજકોટ3 મહિનો પહેલા
રાજકોટના નવા મેયર ડો.પ્રદીપ ડવ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા.
  • કશ્યપ શુક્લ અને રાજભા ઝાલાએ પક્ષ પલ્ટો કરી ભાજપમાં આવ્યા અને સ્ટે.ચેરમને બન્યા હતા

રાજકોટ મહાપાલિકાના રાજકારણમાં અનેક એવા દાખલા બન્યા છે કે પક્ષોપલ્ટો કરી ભાજપમાં આવનારને ઉચ્ચ હોદ્દો મળી જાય છે. મેયરથી માંડી, સ્ટેન્ડિંગ ચેરમેન, સમિતિનું ચેરમેનપદ કે પછી શહેર સંગઠનના હોદ્દામાં પક્ષપલ્ટુઓને મોઢે માગ્યુ સ્થાન મળ્યું છે. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા બાદ મહત્વના હોદ્દા મેળવનાર ચહેરાઓમાં વધુ એકનો ઉમેરો શહેરના નવા પ્રથમ નાગરિક મેયર ડો.પ્રદીપ ડવના રૂપમાં થયો છે. પહેલા કોંગ્રેસમાં હતા અને એક દાયકાથી ભાજપમાં આવ્યા છે. જૂનાને આંતરિક અસંતોષ થાય અને કોઇ બોલે તો પાર્ટી કડક પગલા ભરે છે.

કશ્યપ શુક્લ રાજપામાંથી ભાજપમાં જોડાયા અને સ્ટે. ચેરમેન બન્યા
અગાઉ પણ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ડો.જૈમન ઉપાધ્યાયને બબ્બે વખત સ્ટેન્ડિંગ ચેરમેનપદ અને એ પછી મેયરપદ પણ મળ્યું. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા બાબુ ઉધરેજાને બબ્બે વખત નગરસેવકની ટિકિટ મળી અને જીત્યા પણ ખરા અને જીતીને શાસકપક્ષના નેતા અને આ વખતે બીજી ટર્મમાં સ્ટેન્ડિંગ કમિટીના 12 સભ્યોના મંડળમાં પણ સ્થાન મળ્યું. જ્યારે કશ્યપ શુક્લ રાજપામાંથી ભાજપમાં જોડાયા બાદ સ્ટેન્ડિંગ ચેરમેનપદ અને એ પછી વિધાનસભાની ટિકિટ મેળવી પણ બદનસીબે ધારાસભ્ય ન બની શક્યા એ વાત અલગ છે.

જૈમન ઉપાધ્યાય (ડાબી બાજુ) અને રાજભા ઝાલા (જમણી બાજુ) પણ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા.
જૈમન ઉપાધ્યાય (ડાબી બાજુ) અને રાજભા ઝાલા (જમણી બાજુ) પણ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા.

રાજભા ઝાલા ભાજપમાં હતા અને સ્ટેન્ડિંગ ચેરમેન બન્યા
પક્ષ પલ્ટા બાદ ઉચ્ચ હોદો મેળવવાના લિસ્ટમાં રાજભા ઝાલાનું નામ પણ અચુક યાદ આવી જ જાય. જો કે હાલ તેઓ આમ આદમી પાર્ટીના રાજકોટ શહેર પ્રમુખ છે. એ પહેલા તે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા બાદ મનપાના રાજકારણમાં પદાર્પણ કર્યુ અને હાઇકમાન્ડમાં વગ કરીને સ્ટેન્ડિંગ ચેરમેનપદ મેળવ્યુ. જો કે એ પછી ભાજપના અસંતુષ્ટની છાપ લાગતા સાઇડલાઇન થઇ ગયા બાદ આમ આદમી પાર્ટીની ટોપી ધારણ કરી લીધી છે એ અલગ વાત છે. પરંતુ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા બાદ સ્ટેન્ડિંગ ચેરમેન જેવો મહત્વનો હોદ્દો મેળવવામાં જરૂર સફળતા મળી હતી.

જયેશ રાદડિયા અને કુંવરજી બાવળિયા કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા અને કેબિનેટ મંત્રી બન્યા.
જયેશ રાદડિયા અને કુંવરજી બાવળિયા કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા અને કેબિનેટ મંત્રી બન્યા.

જયેશ રાદડિયા અને કુંવરજી બાવળિયાને મંત્રીપદ મળ્યું
ગુજરાતના રાજકારણમાં કોળી સમાજનું પ્રભુત્વ ધરાવતા અને વર્ષો સુધી કોંગ્રેસમાં રહીને ભાજપમાં જોડાયેલા કુંવરજી બાવળિયા કેન્દ્રિય મંત્રી મંડળપદનો લાભ મળ્યો. જ્યારે જેની ગળથુંથીમાં જ કોંગ્રેસ હતી એવા જયેશ રાદડિયાએ ભાજપ પ્રવેશ કર્યા બાદ હાલ રાજ્યમંત્રી પદનો શિરપાવ મળ્યો છે. પક્ષપલ્ટા બાદ ગુજરાત વિધાનસભા સુધી પહોંચેલા અન્ય એક ચહેરામાં મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાનું નામ પણ સામેલ છે. મેરજાએ પણ પાટલી બદલ્યા બાદ હાલ જલ્સાના લિસ્ટમાં ગણી શકાય.

સંઘના પાયાના પથ્થર ચિમનભાઇ શુક્લના દિકરા કશ્યપ શુક્લ પણ રાજપામાંથી ભાજપમાં આવ્યા.
સંઘના પાયાના પથ્થર ચિમનભાઇ શુક્લના દિકરા કશ્યપ શુક્લ પણ રાજપામાંથી ભાજપમાં આવ્યા.

રાજકોટના પક્ષ પલ્ટો કરી ભાજપમાં ઉચ્ચ હોદ્દો મેળવ્યો
- નવા મેયર ડો.પ્રદીપ ડવ (કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા)
- પૂર્વ મેયર ડો.જૈમન ઉપાધ્યાય (કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા)
- પૂર્વ સ્ટે. ચેરમેન રાજભા ઝાલા (હાલ આપના શહેર પ્રમુખ)
- કશ્યપ શુક્લ (રાજપામાંથી ભાજપમાં આવ્યા, સ્ટેન્ડિંગ ચેરમેનપદ મળ્યુ, વિધાનસભાની ચૂંટણી લડ્યા)
- વિરેન્દ્રસિંહ ઝાલા (વોટર વકર્સ સમિતિનું ચેરમેનપદ મળ્યું, બબ્બે વખત શહેર ભાજપ મહામંત્રી બન્યા)
- બાબુ ઉધરેજા (શાસક પક્ષના પૂર્વ નેતા, હાલ સ્ટેન્ડિંગ કમિટીમાં સભ્યપદ)
- કાશ્મીરાબેન નથવાણી (ભાજપમાં પ્રવેશ કર્યા બાદ પ્રદેશ મહિલા ભાજપ સંગઠનમાં સ્થાન મળી ગયું)
- મયુરસિંહ જાડેજા (કોંગ્રેસી પરિવારમાંથી ભાજપમાં આવ્યા બાદ પ્રવાસન નિગમના ડિરેક્ટર બન્યા)

અન્ય સમાચારો પણ છે...