થેંક્યુ મોદી:રાજકોટમાં BJP દ્વારા PM નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વના 20 વર્ષ પૂર્ણ થતા અભિવાદન કરતા 75 હજાર પોસ્ટકાર્ડ મોકલવામાં આવ્યા

રાજકોટ2 મહિનો પહેલા
  • આ પોસ્ટકાર્ડ ભાજપના કાર્યકરો અને રાજકોટવાસીઓએ લખ્યા છે : શહેર પ્રમુખ

3 ઓક્ટોબર 2001ના રોજ ગુજરાત સરકારના સિનિયર મંત્રી નીતિન પટેલ એરપોર્ટ પર ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી નરેન્દ્ર મોદીને રિસીવ કરવા રાહ જોતા ઊભા હતા. પ્લેનમાંથી ઊતરીને મોદીને નીતિનભાઇ ગાંધીનગર લઇ ગયા અને પછી 7 ઓક્ટોબરે નરેન્દ્ર દામોદરદાસ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા. એ વાતને 11 દિવસ પહેલા બરાબર 20 વર્ષ થયાં છે. હાલ સમગ્ર દેશમાં BJPના કાર્યકરો દ્વારા PM મોદીના સફળ નેતૃત્વના 20 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરવામાં આવે છે ત્યારે રાજકોટ શહેર ભાજપ દ્વારા આજે PM નરેન્દ્ર મોદીને અભિવાદન કરતા 75 હજાર જેટલા પોસ્ટ કાર્ડ મોકલવામાં આવ્યા હતા.

કેન્દ્રમાં સફળતાપૂર્વક 7 વર્ષ પૂરા થયા
આ અંગે શહેર પ્રમુખ કમલેશ મીરાણીએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને કેન્દ્રમાં સફળતાપૂર્વક 7 વર્ષ પૂરા થયા છે અને આ પૂર્વે 13 વર્ષ સુધી તેમણે ગુજરાતની જનતાની સેવા કરી છે તેમના સફળ નેતૃત્વ ના 20 વર્ષ પૂર્ણ થતાં આજે શહેર ભાજપ દ્વારા અને રાજકોટની પ્રજા દ્વારા તેમનું અભિવાદન કરતા અને તેમનો આભાર દર્શન કરતાં 75 હજાર જેટલા પોસ્ટકાર્ડ પોસ્ટ દ્વારા મોકલવામાં આવી રહ્યા છે. આ પોસ્ટકાર્ડ ભાજપના કાર્યકરો અને રાજકોટવાસીઓએ લખ્યા છે.

સત્તાને સાચવવાની સાથે પ્રજાલક્ષી નિર્ણયો
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષો સુધી ભાજપ સંગઠનમાં હતા, તેમને સત્તાનો ક્યારેય અનુભવ ન હતો. તેમ છતાં 2001માં રાતોરાત હાઇકમાન્ડના આદેશ અનુસાર ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો, નરેન્દ્ર મોદીને એ સમયે સરકાર, વહીવટ, પ્રજાનાં કામો, સરકારી નિર્ણયો, યોજનાઓ અંગેના કોઈ અનુભવ ન હતા, પરંતુ સત્તાને સાચવવાની સાથે પ્રજાલક્ષી નિર્ણયો, પ્રજાનો પ્રેમ મેળવવામાં સફળ થયા હતા. એટલું જ નહીં, જંગી બહુમતી સાથે દેશના વડાપ્રધાન સુધી પહોંચ્યા હતા, ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકેની શાસનની કુનેહ નરેન્દ્ર મોદીને દેશના વડાપ્રધાનના કાર્યકાળમાં પણ સફળતા મળી રહી છે.