ખેડૂત આંદોલન:રાજકોટમાં પ્રદેશ ભાજપ કિસાન મોરચાના પ્રમુખે કહ્યું- કૃષિ બિલના વિરોધમાં ચાલતા ખેડૂત આંદોલનમાં ખાલિસ્તાન જિંદાબાદના નારા લાગે છે, JNUની ટુકડે ટુકડે ગેંગ સામેલ

રાજકોટએક વર્ષ પહેલા
કૃષિ બિલને લઈને રાજકોટમાં ભાજપની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ - Divya Bhaskar
કૃષિ બિલને લઈને રાજકોટમાં ભાજપની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
  • ખેડૂતોના હિતમાં કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે તે બાબતે ખેડૂતોમાં ભ્રમ ફેલાવવાના બદ ઈરાદા સાથે વિરોધ કરવા કોંગ્રેસ નિકળી છેઃ ધનસુખ ભંડેરી

કૃષિ બિલના વિરોધમાં દિલ્હી સિંધુ બોર્ડર પર ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે આજે રાજકોટમાં ભાજપ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, સૌરાષ્ટ્ર ભાજપના પ્રવક્તા રાજુ ધ્રુવ અને પ્રદેશ ભાજપ કિસાન મોરચાના પ્રમુખ બાબુભાઈ જેબલિયાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં બાબુભાઈ જેબલિયાએ જણાવ્યું હતું કે, ખેડૂત આંદોલનમાં ખાલિસ્તાન જિંદાબાદના નારા લાગી રહ્યાં છે, આંદોલનમાં JNUની ટુકડે ટુકડે ગેંગ સામેલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ દ્વારા આ બિલ ખેડૂતોના હિતમાં છે.

સ્વામિનાથન આયોગના રિપોર્ટ પ્રમાણે આ કૃષિ બિલ પસાર કરવામાં આવ્યું છેઃ ધનસુખ ભંડેરી
ધનસુખ ભંડેરીએ જણાવ્યું હતું કે, મોદીએ કરોડો ખેડૂતોની આવક બમણી કરી છે. સ્વામિનાથન આયોગના રિપોર્ટ પ્રમાણે આ કૃષિ બિલ પસાર કરવામાં આવ્યું છે. MSP ચાલુ જ હતી, ચાલુ છે અને ચાલુ જ રહેશે. ભાજપ સરકાર ખેડૂતો માટે ગુજરાતમાં પણ છેલ્લા 25 વર્ષથી અનેક યોજનાઓ સાથે ખેડૂતોની સમૃદ્ધી માટે કાર્ય કરી રહી છે. પાંચ દાયકાથી વધારે સમય સત્તામાં રહેવા છતાં કોંગ્રેસે ખેડૂતો માટે ક્યારેય ચિંતા કરી નથી. હવે ખેડૂતોના હિતમાં કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે તે બાબતે ખેડૂતોમાં ભ્રમ ફેલાવવાના બદ ઈરાદા સાથે વિરોધ કરવા કોંગ્રેસ નિકળી છે.

વેપારી ખેડૂત સાથે થયેલા કરારમાં કોઈ ચૂક કરે તો ખેડૂત સ્થાનિક SDMને ફરિયાદ કરી શકશે
ધનસુખ ભંડેરીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજકીય ઈચ્છાશક્તિ દાખવી ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં આ કૃષિ સુધારાઓ થકી ભાજપે એક સુચક પગલું ભર્યુ છે. પરંતુ રાજકીય વિરોધીઓ દ્વારા એવું કહી દેશના ખેડૂતોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યાં છે. કૃષિ બિલના અમલથી કેન્દ્ર સરકાર દેશના ખેડૂતોની જમીન વેપારીઓ અને ઉદ્યોગપતિઓને વેચી રહી છે. પરંતુ તથ્ય એ છે કે, આ બિલમાં પ્રાઈવેટ કંપની કે વેપારી સાથે ખેડૂતોની જમીન અંગેના કરારની કોઈ જોગવાઈ જ નથી. પોતાની જમીન ઉપર ઉગનારી પેદાશના ભાવ અંગેનો કરાર વેપારી કે કંપની સાથે કરી કાયદાકીય સુરક્ષા સાથે વધુ સારૂ આર્થિક ઉપાર્જન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જો કોઇ કંપની કે વેપારી ખેડૂત સાથે થયેલા કરારમાં કોઈ ચૂક કરે તો ખેડૂત સ્થાનિક SDMને ફરિયાદ કરી શકશે અને તેનો 30 દિવસમાં નિકાલ કરી ખેડૂતને વળતર અપાવવાની જોગવાઈ આ બિલમાં કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...