ગુજરાતમાં ઠેર ઠેર સરકારના પાંચ વર્ષ પૂર્ણ થતાની સાથે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં આજે રાજકોટમાં ભાજપ દ્વારા 'અન્નોત્સવ કાર્યક્રમ'નું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ કોંગ્રેસ દ્વારા શહેરમાં બે સ્થળે ભાજપ વિરોઘી નારા લગાવી વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં પોલીસ દ્વારા કુલ 39 કોંગી કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ વિરોધ પ્રદર્શન દરમિયાન વિપક્ષી નેતાને આજનો કાર્યક્રમ શા માટે છે તેની ખબર જ નથી!, કોગ્રેસમાં સંકલનના અભાવે નેતાઓ દ્વારા હોંશે હોંશે વિરોધ કરવામાં આવે છે પરંતુ વિરોધના મુદ્દે વિષયાંતર જોવા મળ્યો હતો.
મોંઘવારી મુદ્દે શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે
શહેરમાં 10-10 મિનિટના અંતરે યોજાયેલા વિરોધ પ્રદર્શન પૈકી પહેલા પ્રદર્શનમાં કોંગી આગેવાન મહેશ રાજપૂત દ્વારા મીડિયાને જણાવવામાં આવ્યું હતું કે, આરોગ્યક્ષેત્રે સરકારની કામગીરી નબળી છે. આરોગ્યને લઇને લોકો પરેશાન છે. આરોગ્યનાં યોગ્ય કામ કરવામાં આવતાં નથી. હાલ મોંઘવારી વધી રહી છે. જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓના સતત વધી રહેલા ભાવને લઇને ગરીબ અને મધ્યમ વર્ગ હાડમારી વેઠી રહી છે ત્યારે ભાવ નિયંત્રણ તો દૂરની વાત રહી સતત વધી રહેલા ભાવો પર સરકારનું કોઇ નિયંત્રણ નથી રહ્યું, માટે મોંઘવારી મુદ્દે આજે શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે.
મહિલાઓની રસ્તા પર છેડતી થઈ રહી છે તેના વિરોધમાં કાર્યક્રમ છે
અન્ય વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસ સમિતિના મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ગાયત્રીબા વાઘેલા, રાજકોટ મનપાના પૂર્વ વિપક્ષ નેતા વસરામ સાગઠિયા, રણજીત મૂંધવા સહિતના નેતાઓએ રસ્તા પર બેસી વિરોધ કર્યો. જેમાં ગાયત્રીબા વાઘેલાએ જણાવ્યું હતું કે,કરોડોના રાશનના ભ્રષ્ટાચાર સામે આવ્યા બાદ હવે આજે અન્નોત્સવ કાર્યક્રમ કરાય છે ! અમે આ આંદોલન કરી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરીશું.આ ઉપરાંત વિપક્ષના નેતા ભાનુબેન સોરાણી એ જણાવ્યું હતું કે, વિજયભાઈ રૂપાણી રાજકોટમાં હોવાથી અમને કાર્યક્રમ કરવા દેતા નથી. મહિલાઓના શોષણમાં આખા દેશમાં ગુજરાત 6ઠ્ઠા ક્રમે આવી ગયું છે એ જ સરકારની સફળતાની હકીકત બતાવે છે. મહિલાઓની રસ્તા પર છેડતી થઈ રહી છે તેના વિરોધમાં કાર્યક્રમ છે.
ગરીબોના ભોગે સરકાર પોતાનો વિકાસ બતાવી રહી છે
વધુમાં કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પ્રદીપ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકાર દ્વારા BPL અને અંત્યોદય કાર્ડ સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યા છે. હાલમાં માત્ર NFSA કાર્ડ જ આપવામાં આવે છે જેમાં માત્ર ઘઉં અને ચોખા જ મળે છે. વિધવા અપંગ અને નિરાધાર જેવા ખાસ કીસ્સામાં જ અનાજ આપવામાં આવે છે. ભાજપ સરકાર પોતાનો વિકાસ બતાવવા માટે દિવસે ને દિવસે બી.પી.એલ. અને અંત્યોદય સહાય માટે અપાતા કાર્ડ બંધ કરતા રહ્યા છે. માટે ગરીબોના ભોગે સરકાર પોતાનો વિકાસ બતાવી રહી છે
કોંગ્રેસના આગેવાનોની આટકાયત કરી પોલીસ હેડ ક્વાર્ટર લઇ જવાયા
રાજકોટમાં યોજાયેલા આ વિરોધ પ્રદર્શનમાં ભરતભાઈ મકવાણા, સુરેશભાઈ બથવાર, વશરામભાઈ સાગઠીયા, રહીમભાઈ સોરા, રણજીત મુંધવા, મહિલા પ્રમુખ મનીષાબા વાળા, નરેશભાઈ સાગઠીયા સહિતના 39 આગેવાનો અને કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરી પોલીસ હેડ ક્વાર્ટર ખાતે લઈ જવામાં આવ્યા હતા.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.