રાજકોટ સત્તાનો સંગ્રામ LIVE:રાહુલ ગાંધીની સભાને લઈ તૈયારી શરૂ, શાસ્ત્રીમેદાનમાં ડોમ ઉભો કરાયો, 50 હજાર લોકો એકઠા કરવાનો ટાર્ગેટ

રાજકોટ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
સોમવારે સાંજે 5 વાગ્યે રાહુલ ગાંધીની શાસ્ત્રી મેદાનમાં સભા યોજાશે. - Divya Bhaskar
સોમવારે સાંજે 5 વાગ્યે રાહુલ ગાંધીની શાસ્ત્રી મેદાનમાં સભા યોજાશે.

21 નવેમ્બરના રોજ સાંજે 5 વાગ્યે કોંગ્રેસના સ્ટાર પ્રચારક રાહુલ ગાંધીની રાજકોટમાં જનસભા યોજાશે. આ સભાને લઈને કોંગ્રેસ દ્વારા તેયારી શરૂ કરી દેવામાં આવી છે. શહેરના શાસ્ત્રીમેદાનમાં ડોમ ઉભો કરવામાં આવ્યો છે. આ સભામાં કોંગ્રેસને 50 હજાર લોકોને એકઠા કરવાનો ટાર્ગેટ છે. રાજકોટ શહેરની ચાર બેઠકના અને જિલ્લાની ચાર બેઠકના ઉમેદવારો હાજર રહેશે. અત્યારસુધી સાયલન્ટ મોડમાં રહેલી કોંગ્રેસ પ્રચારના મેદાનમાં ઉતરતા ચૂંટણીનો માહોલ જામ્યો છે. આજે રઘુ શર્મા સભાસ્થળે પહોંચી નિરીક્ષણ કરશે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાના બે દિવસથી રાજકોટમાં ધામા
ચૂંટણીને લઈને સૌરાષ્ટ્ર પર તમામ રાજકીય પાર્ટીઓની નજર મંડરાયેલી છે. પ્રથમ તબક્કાના મતદાનને હવે 11 દિવસ જ બાકી રહ્યા છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ ચૂંટણી પ્રચારને ઝડપી બનાવ્યો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા ગઈકાલથી રાજકોટમાં પ્રચાર કરી રહ્યા છે અને બેઠકો પણ કરી રહ્યા છે. આજે સતત બીજા દિવસે જે.પી. નડ્ડા ચૂંટણી પ્રચાર માટે મેદાનમાં ઉતરશે. આજે ડોર ટુ ડોર પ્રચાર કરી લોકો પાસે મત માગવા નીકળશે.

શાસ્ત્રી મેદાનમાં રાહુલ ગાંધીની સભાને લઈ તૈયારી શરૂ.
શાસ્ત્રી મેદાનમાં રાહુલ ગાંધીની સભાને લઈ તૈયારી શરૂ.

જે.પી. નડ્ડાએ કહ્યું- આપની ડિપોઝીટ ડૂલ થશે
ગઈકાલે જે.પી. નડ્ડાની સભા યોજાઈ હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, AAP જ્યાં જાય છે ત્યાં એવો માહોલ બનાવે છે કે તેઓ જ એક પાર્ટી છે. જેને પ્રજા બહુમત આપશે પણ પરિણામ ઉલટું આવ્યું. ઉત્તર પ્રદેશમાં ગયા ડિપોઝીટ ગઇ, ઉતરાખંડ ગયા ડિપોઝીટ ગઇ અને હવે તો હિમાચલમાં તમામ સીટ પર ડિપોઝીટ ડૂલ થઈ જશે. હવે ગુજરાતે પણ ડિપોઝીટ ડૂલ કરવાનો AAPનો રેકોર્ડ ચાલુ રાખવાનો છે. AAP પાસે દારૂકાંડનો જવાબ નથી. દિલ્હી બસ સર્વિસ સુધારવા માટેનું કહેતા હતા પણ બસની સંખ્યા જ ઘટી છે.

ખોડલધામના પૂર્વ ટ્રસ્ટી દિનેશ ચોવટીયા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા.
ખોડલધામના પૂર્વ ટ્રસ્ટી દિનેશ ચોવટીયા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા.

પાટીલે રેવડીવાળાને એક મત ન આપવા અપીલ કરી
ગઈકાલે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ પણ રમેશ ટીલાળાના સમર્થનમાં પ્રચાર કરવા આવ્યા હતા. તેઓએ સભામાં જણાવ્યું હતું કે, મારી ગુજરાતની જનતાને અપીલ છે કે રેવડીબાજને એક પણ મત આપવો નહીં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કારણે દેશનો વિકાસ થયો છે દેશને ઘણું મળ્યું છે, નરેન્દ્ર ભાઈ જ્યારે ગુજરાતમાં હતા ત્યારે ગુજરાતે વૈશ્વિક ઓળખ મળી છે અને જ્યારે કોંગ્રેસનું શાસન હતું ત્યારે વિકાસના નામે કંઈ પણ થયું નથી એ ગુજરાતની જનતા જાણે છે. અંતમાં તેમણે રમેશ ટીલાળાને જંગી બહુમતીથી જીતાડવા માટે અપીલ કરી હતી.

મધરાત સુધી ભાજપનું કાર્યાલય ધમધમ્યું.
મધરાત સુધી ભાજપનું કાર્યાલય ધમધમ્યું.

પૂર્વ કોંગી નેતા અને ખોડલધામના પૂર્વ ટ્રસ્ટી ભાજપમાં જોડાયા
પાટીલની સભા દરમિયાન કોંગ્રેસને મોટો ફટકો પડ્યો હતો. ખોડલધામના પૂર્વ ટ્રસ્ટી અને જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ડો.દિનેશ ચોવટીયાએ ચૂંટણી પહેલા ભાજપમાં પ્રવેશ કર્યો હતો. તેમણે પાટીલના હસ્તે ખેસ પહેરી ભાજપમાં સત્તાવાર પ્રવેશ કર્યો હતો. બાદમાં મીડિયાને જણાવ્યું હતું કે, મેં બે વર્ષ પૂર્વે જ કોંગ્રેસ પક્ષ સાથે છેડો ફાડી તમામ હોદા પરથી રાજીનામું આપ્યું હતું. કોંગ્રેસ પક્ષમાં સિનિયરોની અવગણના થાય છે અને ઉમેદવારની ટિકિટ વેચાઇ છે, એટલે જ હું ભાજપમાં જોડાયો છું.

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે ભાજપ પર પ્રહારો કર્યા હતા.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે ભાજપ પર પ્રહારો કર્યા હતા.

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તાએ ભાજપને આડેહાથ લીધી
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્મા ગઈકાલે રાજકોટ આવી પહોંચ્યા હતા અને તેમણે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે મોરબીમાં બનેલી ઝૂલતા પુલ તૂટવાની દુર્ઘટનામાં ભાજપ સરકારની સંડોવણી હોવાનું જણાવ્યું હતું. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરતા પૂર્વે જનતા મોરબીના પુલની દુર્ઘટનાને યાદ રાખી મતદાન કરે તેવી મારી અપીલ છે. આ છે ગુજરાતનું વિકાસ મોડલ અને આ જ ગુજરાતનું 2-સી મોડેલનું ઉદાહરણ છે. 2-સી એટલે કે કમિશન અને કરપ્શન. ગુજરાતમાં ભાજપની સરકાર છે, જનતા હવે જાગશે નહીં તો મોરબી જેવી દુર્ઘટના વારંવાર બનતી રહેશે.

જસદણના 47 મતદાન મથક સંવેદનશીલ કેટેગરીમાં મુકાયા
જસદણ વિધાનસભા-72 બેઠક હેઠળના મોટા હડમતીયાના 2 મતદાન મથક, ગોડલાધારના 2 મતદાન મથક, ભડલીના 4 મતદાન મથક, મોટાદડવાના 6 મતદાન મથક વગેરે ક્રિટિકલ-1 કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે. જ્યારે દહીંસરાના 3 મતદાન મથક, વીરનગરના 5 મતદાન મથક, શિવરાજપુરના 5 મતદાન મથક, જંગવડના 3 મતદાન મથક, સાણથલીના 5 મતદાન મથક, વડોદના 2 મતદાન મથક, સોમલપરના 2 મતદાન મથક, આંબરડીના 3 મતદાન મથક તેમજ ઓરીના 3 મતદાન મથકને ક્રિટિકલ-2 કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...