વિધાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવ્યા બાદ ભાજપે સંગઠનને મજબૂત કરવા અને ધમધમતું રાખવા માટે કવાયત શરૂ કરી છે, રાજકોટમાં બુધવારે પ્રદેશ મહામંત્રી રત્નાકર અને સૌરાષ્ટ્રનો હવાલો સંભાળતા મંત્રી ચાવડાની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર ઝોનના ભાજપના જિલ્લા અને મહાનગરના પ્રમુખો સાથે બેઠક યોજવામાં આવી હતી, સંગઠનમાં મોટાપાયે બદલાવની લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે તેના ભાગરૂપે જ આજની બેઠક મળી હોવાની વાતો પણ શરૂ થઇ હતી.
વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ક્યારેય ન જોયો હોય તેવો જૂથવાદ આ વખતે જોયો હતો, સ્થાનીક કક્ષાએ અનેક ટોચના નેતાઓને ટિકિટ નહીં મળતાં નિષ્ક્રિય થઇ ગયા હતા અને માત્ર હાજરી પૂરતા પ્રચારમાં રહેતા હતા, કેટલાક નેતાઓએ તો પક્ષ વિરોધી પ્રવૃત્તિ પણ કરી હતી અને આ અંગે ચૂંટણી પૂરી થયા બાદ ઉચ્ચ કક્ષાએ રજૂઆતો પણ થઇ હતી, રાજકોટ શહેરમાં એવા અનેક ટોચના નેતાઓ છે જેમની ચૂંટણી સમયની ભૂમિકા ચર્ચાનો વિષય બની હતી, રાજકોટ શહેર સહિત સૌરાષ્ટ્રમાં ભાજપ સંગઠનમાં મોટાપાયે ફેરફાર કરવાનો છે તેવી વાતો શરૂ થઇ છે.
ત્યારે બુધવારે રત્નાકર અને વિનોદ ચાવડાની હાજરીમાં રાજકોટ ‘કમલમ’ ખાતે સૌરાષ્ટ્રના આઠેય જિલ્લા તથા મહાનગરોના પ્રમુખોની બેઠક કરવામાં આવી હતી અને આ બેઠક સંગઠનમાં થઇ રહેલા બદલાવના ભાગરૂપે હોવાની ચર્ચાઓ ભાજપ વર્તુળોમાં શરૂ થઇ હતી, ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં અનેક મોટી ઊથલપાથલ સંગઠનમાં થશે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.