આરોપ:કેજરીવાલ પર રાજકોટમાં BJP હિંસક હુમલો કરી શકે: ઇટાલિયા

રાજકોટ9 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • શહેરને જોડતા હાઇવે પર લગાવેલા હોર્ડિંગ્સ ભાજપે તોડ્યાનો આક્ષેપ

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પ્રથમ વખત રાજકોટ આવી રહ્યા છે ત્યારે રાજકોટમાં યુવા ભાજપના કાર્યકરો તેમના પર હિંસક હુમલો કરશે તેવી ભીતિ આપના પ્રદેશ અધ્યક્ષે વ્યક્ત કરી હતી અને આ મામલે પોલીસ કમિશનરને રજૂઆત કરાઇ હતી.

અરવિંદ કેજરીવાલ પ્રથમ વખત તા.11ને બુધવારે રાજકોટ આવી રહ્યા છે, સાંજે તેમની જાહેરસભા શાસ્ત્રીમેદાન ખાતે યોજાશે, અરવિંદ કેજરીવાલના આગમન પૂર્વે જ આપના આગેવાનો રાજકોટ આવી પહોંચ્યા છે અને જાહેરસભામાં શક્તિ પ્રદર્શન કરવાની તમામ તૈયારીઓ ચાલી રહી છે.

આપના ગુજરાતના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ મંગળવારે મીડિયા સમક્ષ કહ્યું હતું કે, તાજેતરમાં પંજાબ પોલીસે દિલ્હીના યુવા ભાજપના આગેવાનની ધરપકડ કરી હતી જે બાબતથી ગુજરાતના યુવા ભાજપના કાર્યકરો ઉશ્કેરાયેલા છે અને બુધવારે કેજરીવાલ રાજકોટ આવી રહ્યા છે ત્યારે તેમના પર હિંસક હુમલો કરવાની યુવા ભાજપના કેટલાક કાર્યકરો તૈયારી કરી રહ્યાની માહિતી મળી છે અને આ અંગે પોલીસ કમિશનર ખુરશીદ અહેમદને આપના ગુલાબસિંહ યાદવ અને ઇન્દ્રનીલ રાજ્યગુરુ રૂબરૂ મળ્યા હતા અને કેજરીવાલને પૂરતી સલામતી આપવા રજૂઆત કરવામાં આવી હતી.

ઇટાલિયાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, આપનું ગુજરાતમાં પ્રભુત્વ વધી રહ્યું છે જેથી ભાજપના આગેવાનો આપના કાર્યકર્તાઓને હેરાન કરી રહ્યા છે, કેજરીવાલના સ્વાગત માટે રાજકોટને જોડતા હાઇવે પર હોર્ડિંગ્સ પણ ભાજપના કાર્યકરોએ તોડી નાખ્યા હતા, શહેરમાં લગાવેલી આપની ઝંડીઓ પણ ઉખાડી નાખવામાં આવી હતી, જાહેરસભા અંગે લોકોને જાગૃત કરવા પ્રચારમાં જતાં કાર્યકરો સાથે ભાજપના કાર્યકરો મારકૂટ કરતા હોવાનો પણ આરોપ મુક્યો હતો.

અન્ય સમાચારો પણ છે...